સમાચાર જગતના તંત્રીઓની અતરંગ વાતો: પત્રકારથી માંડી વર્તમાન પરિસ્થિતિ અંગે સમાજ ઉપયોગી દિશા-નિર્દેશ સાથે મુર્ધન્ય ચર્ચા

સૌરાષ્ટ્રના વરિષ્ઠ પત્રકાર, સંદેશના નિવાસી તંત્રી જયેશભાઈ ઠકરારે ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત વખતે પત્રકાર અને પત્રકારત્વના ઉત્તરદાયિત્વ, કાર્યફરજ અને સાંપ્રત સંજોગોમાં પત્રકાર અને પત્રકારત્વની ભૂમિકા અંગે ‘પ્રબુધ’ ચર્ચા-વિચારણા કરી વર્તમાન પરિસ્થિતિમાં પત્રકારની સંવેદના અને કર્તવ્ય અંગે મન ખોલીને સમાજ ઉપયોગી દિશા-નિર્દેશ સાથે મુર્ધન્ય ચર્ચા કરી હતી.

પ્રશ્ન: મીડિયા તરીકે ઘરેણું કહેવાય તે સંદેશ દૈનિકના તંત્રી જયેશભાઇ ઠકરાર આપણી સાથે જોડાયા છે. જયેશભાઇ સૌરાષ્ટ્રનું પત્રકારીત્વનું તમને કેવું લાગ્યું છે?

જવાબ: મારો જન્મ અને ઉછેર બંને સૌરાષ્ટ્રમાં થયો છે. ક્યારેય વિચાર્યું ન હતું કે હું પત્રકારિત્વ ક્ષેત્ર સાથે જોડાઇશ કારણ કે, હું કેમેસ્ટ્રી વિષય સાથે ગ્રેજ્યુએટ થયેલો વિજ્ઞાન પ્રવાહનો વિદ્યાર્થી હતો. કોલેજ કાળમાં મને લખવાનો શોખ ચોક્કસ હતો. હું કોલેજની મેગેઝિનમાં લખતો અને સ્પર્ધાઓમાં ભાગ પણ લેતો પરંતુ, તે સમયે ફક્ત મને લખવાનો શોખ હતો ત્યારે મેં કલ્પના પણ કરી ન હતી કે, પત્રકારત્વ સાથે જોડાઇશ. કોલેજ પૂર્ણ કર્યા બાદ મેં જર્નાલિઝમની પરીક્ષા આપી અને હું સિલેક્ટ પણ થઈ ગયો. ત્યારબાદ મેં ગુજરાત સમાચાર સાથે જોડાયો. મને શરૂઆતથી જ સારા પથદર્શકો મળ્યા છે જેને હું મારા સારા નસીબ માનું છું. ગુજરાત સમાચાર માંથી મને ભુજની જવાબદારી સોંપવામાં આવી હતી. તે સમયે હું કચ્છ-ભુજના સરહદી વિસ્તારો સહિતના તમામ વિસ્તારોમાં ખૂબ ફર્યો. મારુ માનવું છે કે, પત્રકારીત્વ એવું ક્ષેત્ર છે જ્યાં તમે ઓફિસમાં બેસીને કંઈ ખાસ કરી ન શકો, હાં ચોક્કસ અમુક મુદ્દાઓ ઓફીસ ખાતેથી રહીને શીખી શકાય પણ ખરા પત્રકારીત્વ માટે તો ફિલ્ડમાં જવું જ પડે. મને અગાઉથી જ અલગારી રખ્ખડપટ્ટી મને ખુબ જ ગમે છે. તો મને કચ્છમાં અનેક ક્ષેત્રના રિપોર્ટિંગનો લ્હાવો મળ્યો. મારુ ઘડતર કચ્છ ખાતે ચાલુ જ હતું ત્યાં મને ફરીવાર રાજકોટ બોલાવીને સ્પેશ્યલ રીપોર્ટર તરીકેની જવાબદારી સોંપવામાં આવી. મારુ માનવું છે કે, જ્યારે કોઈ પણ પત્રકાર હૃદયથી બોલે છે ત્યારે સામેની વ્યક્તિ તેને હૃદયપૂર્વક સાંભળે છે અને તેનો જવાબ પણ હૃદયથી આપે છે. પત્રકારની ભૂમિકા પણ એ જ હોય છે કે, એ થોડું બોલે અને સામેવાળી વ્યક્તિને વધુ બોલવાનો મોકો આપે, વધુ ખુલવાનો મોકો આપે.

પ્રશ્ન: કેમેસ્ટ્રીના વિદ્યાર્થી કે જેમની કેમેસ્ટ્રી બની ગઈ કે આખી દુનિયાની કેમેસ્ટ્રી એમાં આવી ગઈ…

જવાબ: સાયન્સના ઘણા વિદ્યાર્થીઓ પત્રકારીત્વ ક્ષેત્ર સાથે જોડાતા હોય છે. એવું ક્યાંય વૈજ્ઞાનિકરૂપે સાબિત નથી થયું કે, વિજ્ઞાન પ્રવાહનો વિદ્યાર્થી પત્રકાર ન બની શકે. એક રીતે તો દરેક વ્યક્તિમાં પત્રકાના ગુણો રહેલા હોય છે. હાં ચોક્કસ, વિજ્ઞાન થોડું અવલોકન આધારિત હોય છે જેના કારણે મને સીધી વાત કરવાની આદત પડી હતી જે હજુ ગુણધર્મ હજુ પણ મારામાં રહેલા છે.

પ્રશ્ન : સાયન્સ વિષયે આપને જે શિખવ્યું તે કેટલું કામ આવ્યું?

જવાબ: હાં, બિલકુલ. ઘણાં લોકો આપણા અભ્યાસક્રમની ટીકા કરતા હોય છે પરંતુ હું ક્યારેય કલાસરૂમ એજ્યુકેશનની ટીકા કરતો નથી. આપણને જે અભ્યાસ દરમિયાન શીખવવામાં આવ્યું છે તે નીરસ જાય છે તેવું હું માનતો નથી. હું જ્યારે જર્નાલિઝમમાં અભ્યાસ કરતો હતો ત્યારે મને યાદ છે કે, ઉમાશંકર જોશી કહેતા કે, ’ભરી લ્યો, ભૂલી જાઓ અને ત્યારબાદ જે યાદ રહે તે જ સાચું શિક્ષણ’. આપણે જે અભ્યાસ કરીએ છીએ તે જીવનના અલગ અલગ તબક્કામાં કામ આવે છે. આપણે જ્યારે પડકારજનક પરિસ્થિતિમાં હોય, આપણી સત્ય બોલવાની કસોટી થતી હોય, આપણા અંગત સંબંધોની બાબત હોય તે તમામ જગ્યાએ અભ્યાસક્રમ કામ આવે જ છે. મને મારી ક્ષમતાથી વધુ મળ્યું છે તેવું હું માનું છું. જ્યારે હું પત્રકારીત્વ ક્ષેત્રમાં નવો નવો જોડાયો તે સમયે મને ઇઝરાયલ ખાતે સતાવાર રીતે એક ડેલીગેશન સ્વરૂપે જવાની ખૂબ મોટી તક મળી. જ્યાં મને ઘણું શીખવા મળ્યું. ત્યારબાદ મને માલદીવ જવાનો પણ મોકો મળ્યો જ્યાં, મને રાજદૂતો, વિદેશી ડેલીગેટ્સ, ભારતના તે સમયના વડાપ્રધાન, સંરક્ષણ પ્રધાન, અનેક કલાકારો, અનેક ક્રિકેટરોને મળવાની તક મળી. અનેક મોટી ઇવેન્ટ્સ કવર કરવાનો મોકો મળ્યો. આજે વિદેશ જવું, હવાઈ મુસાફરી કરવી ખૂબ સામાન્ય બાબત છે પરંતુ હું એ સમયની વાત કરું છું જ્યારે ઘણા બધા લોકો પાસે પાસપોર્ટ ન હતો, ઘણાબધા લોકોનું સ્વપ્ન હતું કે તેઓ હવાઈ મુસાફરી કરી શકે તે સમયે રાજ્યના સૌથી નાના મહાનગરના પત્રકારને વિદેશ યાત્રા કરવાની તક મળવી એ ખૂબ મોટી વાત હતી.

પત્રકારત્વની ધગશવાળો જ સારો પત્રકાર બનાવી શકે: શોખ જ વ્યવસાય બની જાય તેની મજા જ કંઈક ઔર છે

આ બધી બાબતની જ્યારે આપણે ચર્ચા કરતા હોય ત્યારે મને મુદ્દો પત્રકારીત્વના સંદર્ભમાં યાદ આવે છે કે, ટાઇટેનિક જહાજની વાત સૌ કોઈએ સાંભળી હશે પણ તે જ સમયે જેમ ટાઈટેનિક પેસેન્જર શિપ હતું તેમ સ્વીડને ગોથેનબોર્ગ નામનું કાર્ગો શિપ બનાવ્યું હતું. આ શિપ ટાઇટેનિક જેવું જ ભવ્ય હતું. તેની ખાસિયત એ હતી કે, દેવદારના વૃક્ષોના લાકડામાંથી બનેલું આ શિપ સંપૂર્ણ મેન્યુલ હતું. તેને બનાવવા માટે પ્રથમ દેવદારના વૃક્ષો વાવવામાં આવતા, દસ વર્ષ સુધી વૃક્ષોનો ઉછેર કરાતો અને ત્યારબાદ શિપ તૈયાર કરાતું હતું. જે સ્વીડનથી માલ લઈને વિશ્વભરના બંદરોની સફર કરતું. એક બંદરે માલ ઉતારી દ્યે અને ત્યાંથી બીજો માલ ભરી લે તેવી રીતે આ શિપ સમગ્ર વિશ્વની સફર કરતું હતું. આ શિપ સફર કરીને સ્વીડન પરત ફરી રહ્યું હતું ત્યારે સ્વીડન બંદરના કાંઠે પહોંચતાની સાથે ડૂબી ગયું. આ શિપની ભવ્યતા એવી હતી કે, તે જે બંદરે જતું ત્યાં મોટી સંખ્યામાં લોકો હાજર રહીને તેનું સ્વાગત કરતા ત્યારે સ્વીડન ખાતે પણ લોકો શિપના આવવાની રાહ જોઈ રહ્યા હતા અને શિપ કિનારે પહોંચીને ડૂબી ગયું. ત્યારે ફરીવાર સ્વીડને આ શિપ બનાવવા દેવદારના વૃક્ષો વાવ્યા, 10 વર્ષ સુધી ઉછેર કર્યો, લાકડા સુકવ્યા અને શિપ બનાવ્યું. ત્યારબાદ આ શિપને તે બંદરોએ પરત મોકલવામાં આવ્યું જ્યાં અગાઉ તે સફર કરતું હતું. આ બંદરોમાં ચેન્નઈના બંદરનો પણ સમાવેશ થતો હતો. તો આ શિપ ચેન્નઈ આવનાર હતું, ખૂબ મોટી ઇવેન્ટનું આયોજન થયું હતું અને મને ગુજરાત સમાચારમાંથી આ ઇવેન્ટ કરવાનો મોકો મળ્યો. આ શિપનું પાયલોટીંગ અભિનેત્રી રેમતી શ્રીલંકાથી કરી રહી હતી. આ જહાજમાં અમને ઘણો સમય માટે રહેવાનો, બનાવટની વિગતો જાણવાનો મોકો મળ્યો. તો જર્નાલીઝમ જ એવું ક્ષેત્ર છે જે તમને વિવિધતા આપે છે. આજે તમારે કોઇ ખેલાડીને મળવાનું હોય તો કાલે કોઈ અભિનેતાને મળવાનું થાય તો પત્રકારીત્વ જ એક એવું ક્ષેત્ર છે તમને અપાર વૈવિધ્ય આપે છે. સામે તમારે સંતુલન પણ જાળવવાનું હોય છે. કયારેક તમને ખૂબ ગુસ્સો આવે, ક્યારેક કરુણાનો ભાવ જાગે તો આ બધા ભાવમાં પણ સંતુલન જાળવવું જરૂરી છે. તો આ બધો જ બોધપાઠ મને મારા પથદર્શકો થકી મને સાચા સમયે મળતો રહ્યો છે અને હું બધું શીખતો આવ્યો છું.મારી શીખવાની ઇચ્છાશક્તિ ક્યારેય ઓછી નથી થઈ. કદાચ અન્ય કોઈ બાબતમાં હું નબળો હોઈ શકું પણ એક વિદ્યાર્થી તરીકે મારી શીખવાની ઇચ્છાશક્તિ અદભુત છે.

 

પ્રશ્ન : એવું કહી શકાય કે સારો જર્નાલિસ્ટ હોઈ તે સારો લર્નર હોઈ તો જ સારો જર્નાલિસ્ટ કહી શકાય?

જવાબ: બિલકુલ સતત હોવો જોઈએ. આઈન્સ્ટાઈને કહ્યું છે કે, સૌથી મોટો જ્ઞાની એ જ હોઈ શકે, જે સતત એવું માનતો રહે કે, હજુ ઘણીબધી વસ્તુઓ શીખવાની અને કરવાની મારે બાકી છે. પત્રકાર તરીકે સફળ થવા માટે વધુમાં વધુ લોકોને મળવું જરૂરી છે. આજના યુગમાં જ્યારે ટેલિફોનિક કે સોશ્યલ મીડિયા થકી રિપોર્ટિંગ શક્ય બન્યું છે જેથી રૂબરૂ જવાની જરૂરિયાત રહેતી નથી. આ બાબતનો હું વિરોધ નથી કરતો પણ સફળ પત્રકાર બનવા અને પોતાના વિકાસ માટે વધુમાં વધુ લોકોને મળવું જરૂરી છે. તમારાથી પણ ઉચ્ચ કક્ષાએ રહેલા સફળ, ઉમદા અને કુમળું વલણ ધરાવતા લોકોને મળવાથી ઘણીબધી બાબત શીખવા અને જાણવા મળે છે. પત્રકાર તરીકે બોલવું જરૂરી છે. વાતચીત કરવાથી ચોક્કસ દિલ જીતી શકાય છે પરંતુ કોઈ ઉમદા વ્યક્તિને સાંભળવાથી નવી નવી વસ્તુઓ શીખવા મળે છે આપણો પોતાનો વિકાસ થાય છે. અગાઉ અમે એવી પરિસ્થિતિમાં કામ કર્યું છે જ્યારે કોઈ આધુનિક ઉપકરણ ન હતા. અખબારોના પત્રકારો તમામ સેન્ટરોમાં પણ ન હતા. જો સૌરાષ્ટ્રમાં કોઈ ઘટનાક્રમ બને તો રાજકોટ ખાતેથી પત્રકારને છાપાની ગાડીમાં મોકલવામાં આવતા અને તે જ ગાડીમાં સમયની સાથે કદમતાલ મેળવી પરત ફરવાનું હોય છે. ત્યાં રિપોર્ટિંગ કરી લેવાથી વાત પૂરી થતી નહીં, ફોટોગ્રાફર પરત આવીને ફોટો લેબોરેટરીમાં આપીને સુધારા કરતો તેવી અગવડતાની પરિસ્થિતિમાં પણ અમે કામ કર્યું છે. મને મારા માલિકો દ્વારા હરહમેશથી પ્રોત્સાહન મળ્યું છે. ગમે તે નવા આઈડિયાના અમલીકરણ માટે મને પ્રોત્સાહન મળતું આવ્યું છે.

પ્રશ્ન : જે.ટી. ખાસ કરન્ટ ટોપિકની વાત કરીએ તો.. આજે છાપામાં શ્રદ્ધાંજલિની જાહેરાતો આવે છે તે જે.ટી.ને અંદરથી કેટલું પેઇન કરે છે?

જવાબ: સાચું કહું તો, નબળાઈ ગણીયે તો નબળાઈ કહી શકાય. ઘણા લોકો કહેતા હોય છે કે, તમે વાઢકામ કે અન્ય એવી કોઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોવ તો પછી બહુ કોઈ સંવેદનશીલતા રહેતી નથી પરંતુ મારામાં હજુ પણ એટલી જ સંવેદનશીલતા છે. જ્યારે કોઈ નિર્દોષના મૃત્યુના સમાચાર કે ફોટો જોઉ તો આજે પણ હું હચમચી જાવ છું. આ સિલસિલો એપ્રિલ માસના બીજા અઠવાડિયામાં શરૂ થયું. સામાન્ય રીતે અખબારમાં શ્રદ્ધાંજલિના એક અથવા બે પેજ હોય છે. ક્યારેક કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિનું અવસાન થાય તો ઘણાબધા લોકો શ્રદ્ધાંજલી આપતા હોય છે ત્યારે શ્રદ્ધાંજલિના પાના વધતા હોય છે પરંતુ તે પરિસ્થિતિમાં મૃત્યુ ફક્ત એક જ વ્યક્તિનું થયું હોય છે પણ આ પરિસ્થિતિ કંઇક અલગ હતી. આ સમય એવો હતો કે, અમારા શ્રદ્ધાંજલિ વિભાગના કર્મચારીઓ છાપાની ડેડલાઈન સુધી શ્રદ્ધાંજલિની રાહ જોતા. એક તરફ કોરોનાથી અમારા કર્મચારીઓ પણ બાકાત રહી શક્યા ન હતા. 50% કર્મચારીઓમાં જ કામ ચલાવવું પડે તેવું હતું. તેમ છતાં પણ અમારા સ્ટાફે એવો નિર્ણય લીધો કે, શ્રદ્ધાંજલિ આપવાવાળી વ્યક્તિએ નિરાશ પરત ન ફરવું પડે. તે સમયે એવું બનતું હતું કે, ઘણા લોકો પાસે ડિઝાઇન તૈયાર ન હોય, ઘણા લોકોને લખાણ પણ આવડતું ન હોય કેમકે, લોકોએ તેમના જીવનમાં આવી ત્રાસદાયક પરિસ્થિતિની કલ્પના પણ કરી ન હતી. ઘણા કિસ્સામાં એવું બનતું કે, એકસાથે માતા-પિતા બન્નેની શ્રદ્ધાંજલિ લઈને પુત્ર આવ્યો હોય, કોઈ દંપતીને બે સંતાન હોય અને પિતા એક સાથે બંને સંતાનોની શ્રદ્ધાંજલિ લઈને આવ્યા હોય. આ પરિસ્થિતિ કપરી એટલે હતી કે, મેં મારી 25 વર્ષની કારકિર્દીમાં શ્રદ્ધાંજલિના એક અથવા બે પાના જોયા છે પણ આ સમયમાં એક સાથે 8 પાનામાં ફક્ત શ્રદ્ધાંજલિ અને દોઢ પાનામાં અવસાન નોંધ મેં જોઈ છે. ત્યારે હું ચોક્કસ કબૂલ કરું છું કે, એક પછી એક પાના ફેરવીએ તો ફક્ત શ્રદ્ધાંજલિ જ નજરે પડે ત્યારે વિચાર આવે કે, આપણે તો એક પત્રકાર તરીકે શ્રદ્ધાંજલિ જોઈ રહ્યા છીએ પણ આ શ્રદ્ધાંજલિ જોઈને સેંકડો લોકોના આંસુ એ પાના પર પડ્યા હશે જેથી આ અનુભવ ખૂબ દર્દનાક રહ્યો.

પ્રશ્ન : વોશિંગ્ટન પોસ્ટ કે જેને તમારી નોંધ લીધી… આ નોંધ પાછળ ક્યાં ક્યાં કારણો તમને લાગ્યા? કંઈ કંઈ વસ્તુને મહત્વ આપ્યું, તમને કેવો અનુભવ થયો?

જવાબ: વોશિંગ્ટન પોસ્ટમાં 6 મેના રોજ રાજકોટ અને કોરોનાની પરિસ્થિતિ અંગે એક વિસ્તૃત આર્ટિકલ એશિયા આવૃત્તિમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. આ માટે તેમના ભારતના બ્યુરો ચીફ જુહાના સ્લેટરે મારો વર્ચ્યુલી સંપર્ક કર્યો. પ્રથમ તો તેમણે અહીંની વાસ્તવિક પરિસ્થિતિ જાણવાનો પ્રયત્ન કર્યો. અહીંની વાસ્તવિક પરિસ્થિતિ જેવી કે, દર્દીઓને બેડ નહીં મળવા, દવાઓ ન મળવી, હોસ્પિટલમાં લાંબી કતાર લાગવી, મૃત્યુઆંકમાં ધરખમ વધારો, સ્મશાનોમાં વેઇટિંગ અને મોતના આંકડા છુપાવતું તંત્ર સહિતની બાબતોને ધ્યાને રાખીને આ પરિસ્થિતિને અસામાન્ય પરિસ્થિતિ ગણી. હું સ્પષ્ટતા કરવા માગું છું કે, આ એટલું મોટું મહાસંકટ છે કે, આ પરિસ્થિતિમાં જર્મનીની એન્જેલા માર્કલની સરકાર હોય કે અમેરિકાની જો બાઇડનની સરકાર હોય 100% સફળતાપૂર્વક કામ કરી જ ન શકે પરંતુ કંઈ સરકાર શું છે? તે પણ અત્યારે જ જાણવા મળતું હોય છે. તમામ લોકોને બેડ આપવા, તમામનો જીવ બચાવી શકાય તેવું ન થઈ શકે તેવું પ્રજા પણ જાણે છે.પણ જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ ઉભી થઈ ત્યારે પ્રજાએ પણ સમજે છે કે, ભલે તમામનો બચાવ ન કરી શકાય પણ ખંભે હાથ મૂકીને હિંમત આપવાનું કાર્ય તો સરકાર કરી જ શકે છે. જે લોકો ઘરે-ઘરે જઈને મત માંગી શકતા હોય, માઇક્રોપ્લાનીંગ કરી શકતા હોય તો એ લોકો પાસે એટલી તો વોર્ડવાઇઝ  વ્યવસ્થા હોઈ જ શકે કે, કોરોના સામે બચવાનું એકમાત્ર શસ્ત્ર વેકસીન, બેડ, વેન્ટિલેટર હોય ત્યારે કોરોનાએ તમને 14 મહિનાનો સમય આપ્યો પણ તે સમયમાં તમે અનેક ચૂંટણીઓ કરવામાં તમામ એનર્જી આપી દીધી. બાકી હતું તો તમે બાંગ્લાદેશ પણ જઇ આવ્યા જેથી તમને બંગાળની ચૂંટણીમાં મતવા મતોનો ફાયદો થઈ શકે તો જો તમારી પાસે એક-એક મત અંકે કરવાનું માઇક્રોપ્લાનીંગ હોય તો જ્યારે લોકોના જીવનો સવાલ હોય તો એમ્બ્યુલન્સ ભલે ન આવે કેમકે સમજી શકાય કે, તેની પણ મર્યાદા છે પણ તમારો એક ફોન કેમ એ વ્યક્તિ સુધી નથી જતો? તમે ફોન કરીને એટલું તો કહી જ શકો કે, આ મુશ્કેલીની ઘડી છે. આ દેશ માયાળુલોકોનો દેશ છે.

રાજકોટ જેવા શહેરમાં જ્યારે કોરોના પિક પર હતો ત્યારે દરરોજ 5000 જેટલા એક્ટિવ કેસ હતા. આ એ જ રાજકોટ શહેર છે જ્યાંથી નરેન્દ્રભાઈ પ્રથમવાર ચૂંટણી લડ્યા હતા, જ્યાંથી વિજયભાઈ મુખ્યમંત્રી બન્યા છે, શ્રેષ્ઠીઓનું શહેર, કરોડોના દાતાઓનું શહેર 5000 દર્દીઓને મફ્તમાં કેમ સારવાર ન કરી શકે? હું માનું છું કે, આ શહેરના પેરીફેરીમાં 5000 એવા બંગલા છે જેનો ઉપયોગ વર્ષમાં ફક્ત એકવાર ઉપયોગમાં લેવાતા હશે તો ત્યારે શું એ બંગલામાં કેમ દર્દીને બેડ આપી સારવાર ન આપી શકાય? તમે સામાન્ય દિવસોમાં લોકોને આર્થિક, સામાજિક રીતે મદદ કરવા હાકલ કરી શકો છો તો આવા સંજોગોમાં કેમ હાકલ ન કરી શકાય ? હાલ કંઈ કામ નથી થયું તેવું કહેવું મોટી મૂર્ખામી છે, કામ થયું છે અને થઈ પણ રહ્યું છે પણ અહીં કાર્ય થયું અને અહીં ન થયું તે દર્શાવવું એક પત્રકારની જવાબદારી છે અને આવા જ એક શાનદાર નમૂના સ્વરૂપ વોશિંગ્ટન પોસ્ટનો આર્ટિકલ છે. અન્ય દેશોમાં કોવિડ ડેથ કમિટી નથી. ત્યાં દર્દીનું કોરોનાને કારણે મોત થાય તો તંત્ર સ્પષ્ટ કહે છે કે, હા કોરોનાથી મોત થયું છે જેની સામે અહીં દર્દીનું મોત થાય તો તેને કોવિડ ડેથ કમિટીમાં નાખી સેન્સર બોર્ડ માફક આંકડાને સેન્સર કરવામાં આવે છે. હું ચોક્કસ એવું માનું છું કે, બધી ઘટનાના જવાબદાર સરકારને ગણી ન શકાય. મોત થાય છે તો તેમાં સરકારની નિષફળતા નથી પરંતુ સરકારે એવા પગલાં ન લેવા જોઈએ જેનાથી લોકોમાં સંસય ઉભો થાય.

પ્રશ્ન : વિજયભાઈનું હોમટાઉન રાજકોટ છે, એક સંવેદનશીલ મુખ્યમંત્રી છે.. અહીંના અધિકારીઓ તેમને ગાંઠતા નથી કે સિસ્ટમ ક્યાંક પેરેલાઈઝ થઈ તેવું છે? તમારું શું માનવું છે?

જવાબ: તેના જવાબમાં હું એક ઉદાહરણ આપવા માંગીશ. કુલ બે પ્રકારના વિદ્યાર્થીઓ હોય છે. એક એવો વિદ્યાર્થી જે વર્ષની શરૂઆતમાં જ તેનું ટાઇમટેબલ નક્કી કરે છે કે, મારે ક્યાં વિષય પર કેટલી મહેનત કરવાની જરૂરિયાત છે? ક્યાં કેટલો સમય આપવો જોઈએ. તો ધારો કે એ વિદ્યાર્થી દરરોજ 8 કલાક મહેનત કરે છે. બીજી બાજુ એક વિદ્યાર્થી એવો હોય છે, જે આખું વર્ષ કોઈ આયોજન કરતો નથી અને જ્યારે પરીક્ષાનું શેડ્યુલ જાહેર થાય ત્યારે તે 24 કલાક મહેનત કરવાનું શરૂ કરી દે છે. એ શોર્ટકટ ગોતવા માંડે છે જ્યાં પરીક્ષા સમયે પણ પહેલો વિદ્યાર્થી ફક્ત 8 કલાક જ મહેનત કરે છે પરંતુ તેનું પરિણામ હંમેશા સારું જ રહે છે. હું સરકારને 24 કલાક મહેનત કરનારો વિદ્યાર્થી માનું છું. હાલ સરકાર 100% પ્રયત્ન કરી રહી છે પણ જ્યારે કોરોનાની પહેલી લહેર જ્યારે આવી ત્યારે જ બીજી લહેરની તૈયારી કરાઈ હોત. ઓક્સિજન, બેડની સુવિધા અંગે સમીક્ષા કરીને અમલીકરણ માટેની તૈયારી શરૂ કરી દેવામાં આવી હોત તો શાયદ ચિત્ર કંઈક અલગ હોવાની સંભાવના છે. વિશ્વના નાના-નાના દેશોએ કોરોના પર ફતેહ મેળવી લીધી છે ત્યારે હવે તમામ રાજ્યએ તેમજ દેશોએ હવે આરોગ્ય ક્ષેત્ર તરફ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત છે. આરોગ્ય સેવાનો મતલબ એટલે મોટા શહેરોમાં એઇમ્સ બનાવવાનો નથી પરંતુ નાના નાના ગામડાઓમાં પણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી માંડીને સુચારુ સિસ્ટમ બનાવવાની જરૂરિયાત છે. આ લહેરમાં ગ્રામ્ય વિસ્તારના લોકો વધુ ભોગ બન્યા છે ત્યારે જો ગ્રામ્ય વિસ્તારના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રહેલી ખામીઓ જેવી કે, ડોકટર-નર્સ-પેરા મેડિકલ સ્ટાફ તેમજ અન્ય સંસાધનોની સુચારુ વ્યવસ્થા હોત તો ચોક્કસ આ સંક્રમણને કાબૂમાં લઈ શકાઈ હોત. હવે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે આ દિશામાં ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત છે.

અંતે તેમણે ’અબતક’ મીડિયા અને સતીષકુમાર મહેતાનો આભાર વ્યક્ત કરતા કહ્યું હતું કે, હંમેશા પોઝિટિવ અને સિરિયસ જર્નાલીઝમ માટે તત્પર રહો છો. પત્રકારીત્વ માટે જે નવી પેઢી તૈયાર થઈ રહી છે તેના માટે સતીષભાઈ આપ અને ’અબતક’ મીડિયા બૂસ્ટરડોઝ સમાન સાબિત થઈ રહ્યા છો.