Abtak Media Google News

માણાવદર, વંથલી, બગસરા અને જસદણમાં રોકડ તફડાવ્યાની કબુલાત: રોકડ અને કાર મળી રૂ.૮ લાખનો મુદામાલ કબ્જે

એમ.પી.ની ગેંગ કાર લઈને રેકી કરી બનાવને અંજામ આપતી: એમ.પી. અને રાજસ્થાનમાં ૧૦ ગુના આચર્યા: એલ.સી.બી.ને મળી સફળતા

બેંક નજીક રેકી કરી, લોકોની નજર ચૂકવી, રૂપિયાની ઉઠાંતરી કરતા મધ્ય પ્રદેશ રાજ્યના બે ઇસમોને જુનાગઢ લોકલ ક્રાઇમ બ્રાંચે દબોચી લઇ, ગુજરાત રાજ્યના ૪, તથા મધ્યપ્રદેશના ૮ અને રાજસ્થાનના ૨ મળી કુલ ૧૪ વણ શોધાયેલા ચોરીના ગુનાઓનો પર્દાફાશ કરી આરોપીઓ પાસેથી રોકડા રૂ. ૩ લાખ તથા અન્ય મુદ્દામાલ સહિત રૂ. ૮.૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીના જણાવ્યા અનુસાર, માણાવદરમાં ૩ દિવસ અગાઉ મોટરસાયકલની ડેકીમાંથી રૂપિયા એક લાખની ચોરી થયા બાદ જૂનાગઢની એલ.સી.બી. ટેકનિકલ સોર્સ અને બાતમીદારો તથા વિવિધ રીતે ચોરીનો ભેદ ઉકેલવા કામે લાગી હતી, ત્યારે મળેલી ચોક્કસ બાતમીના આધારે જૂનાગઢ એલસીબી એ જૂનાગઢ થી મેંદરડા તરફ જતા રસ્તા ઉપર વોચામાં રહી, બાતમી વાળી સ્વિફ્ટ કારને રોકવાનો પ્રયત્ન કરતાં ગાડી ચાલકે કાર રોકવાને બદલે પુરપાટ ઝડપે મારી મૂકી હતી, ત્યારે એલસીબીના સ્ટાફે આ કારનો પીછો કરી, કારન આંતરી હતી જે દરમિયાન ગાડીમાંથી બે ઈસમો નીચે ઉતરી ભાગવા લાગતા, એલસીબીની ટીમે બન્ને શખ્સોને પકડી પાડી, ક્રાઇમ બ્રાન્ચની ઓફિસે લાવી,  પુછપરછ કરતા આ બંને આરોપીઓ મધ્યપ્રદેશના રાજગઢ રાજ્યના રામેશ્વર ઉર્ફે ગુડા હજારિલાલ ધપાની સિસોદિયા તથા નકુલ રાજકુમાર સિસોદિયા ચોરસિયા હોવાની હકીકતો મળી હતી.

Img 20201210 204215

બાદમાં જુનાગઢ એલસીબીના ઈન્ચાર્જ પી.આઈ. એચ.આઈ. ભાટી, પીએસઆઇ બી.જી. બડવા તથા એલસીબી ટીમ દ્વારા આરોપીઓની આગવી ઢબે સઘન પૂછપરછ હાથ ધરતા બંને આરોપીઓ પોપટ બની ગયા હતા અને આશરે એકાદ મહિના પહેલા રામેશ્વર, નકુલ તથા શુભમ નામના શખ્સો મધ્યપ્રદેશથી કાર ભાડે લઈને જુનાગઢ ના માણાવદર ખાતે આવેલ હતા અને માણાવદરમાં એક મોટરસાયકલની ડેકીમાંથી રૂ. ૧ લાખ ભરેલ થેલીની ચોરી કરી હતી અને તે જ દિવસે ત્રણેય શખ્સોએ વંથલી બસ સ્ટેન્ડ પાછળની બજારમાંથી કપડાની થેલી ઉઠાવી ૩૦ હજારની ચોરી કરી હતી, જેના આગલા દિવસે આ શખ્સોએ અમરેલી જિલ્લાના બગસરા ગામેથી મોટરસાયકલની ડેકીમાંથી રોકડા રૂપિયા ૨૦ હજાર ભરેલી થેલીની ચોરી કરી હતી. બાદમાં તેઓ સાસણ ફરવા ગયા હતા અને ત્યાંથી જસદણ મુકામે જઈ ત્રણેય શખ્સોએ આઈ.સી.સી. બેંક નજીકની બજારમાંથી મોટર સાયકલમાંથી રૂપિયા બે લાખ ભરેલ થેલો ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી.

આ સિવાય નકુલે મધ્ય પ્રદેશના ઉજ્જૈન માંથી રૂ. ૨૦,૦૦૦ દેવાસ ગામેથી રૂ. ૮,૦૦૦, નરસિગ ગઢ માંથી રૂ. ૫,૦૦૦, જ્યારે રામેશ્વર નામના શખ્સે ઉજ્જૈન માંથી રૂ. ૭૦૦૦, દેવાસ ગામેથી રૂ. ૮૦૦૦, આસ્ટ્રા માંથી રૂ. ૧૦,૦૦૦, સમસાબાદમાં થી રૂ. ૫૦૦૦, એમપીના સિહોર ગામેથી રૂ. ૫૦૦૦, તેમજ રાજસ્થાનના મહુવા ગામેથી રૂ. ૨૦ હજાર અને રાજસ્થાનના યુરું ગામેથી રૂ. ૩ હજારની ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું.

જિલ્લા જૂનાગઢ જિલ્લા પોલીસ વડાએ આરોપીઓની મોડસ ઓપરેન્ડી અંગે જણાવ્યું હતું કે, પકડાયેલા બને આરોપીઓ દિવસ દરમિયાન સાદા વેશમાં કોઇપણ શહેરમાં મધ્યપ્રદેશથી ગાડી ભાડે કરી આવી, કોઈપણ જગ્યાએ રોકાણ કરી, જે તે શહેરમાં આવેલ બેંક નજીક આંટાફેરા કરી, રેકી કરી, બેંકમાંથી રૂપિયા ઉપાડી નીકળતા લોકો ઉપર નજર રાખી પીછો કરી નજર ચૂકવી રૂપિયા ભરેલી થેલીની ઉઠાંતરી કરતા હતા.

જૂનાગઢ એલસીબીએ મધ્યપ્રદેશના બે શખ્સોને પકડી પાડી, ગુજરાત રાજ્યના ૪ તથા મધ્યપ્રદેશના ૮ અને રાજસ્થાનના ૨ મળી કુલ ૧૪ ગુનાનો ભેદ ઉકેલી શરાહનીય કામગીરી કરી હતી, આ કામગીરીમાં ક્રાઈમ બ્રાન્ચના ઇન્ચાર્જ પી.આઇ. એચ.આઈ. ભાટી, પીએસઆઇ. ડી.જે. બડવા, વા. પીએસઆઈ ડી.એમ. જલું, પોલીસ હેડ કોન્સ્ટેબલ વી.એન. બડવા, એસ.એસ. બેલીમ, વી.કે. ચાવડા, યશપાલસિંહ જાડેજા, જીતેશ મારુ, નીકુલ પટેલ, પોલીસ કોન્સ્ટેબલ સાહિલ સમા, દિપક બડવા, દિવ્યેશકુમાર ડાભી, ભરતભાઈ સોલંકી, જયદિપ કનેરિયા, કરસનભાઈ કરમટા, ડાયાભાઈ કરમટા, દિનેશભાઈ કરંગીયા, દેવશીભાઇ નંદાણીયા, ભરતભાઈ સોનેરા, ભરતભાઇ ઓડેદરા વિગેરે પોલીસ સ્ટાફ જોડાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.