- રાજકોટ જિલ્લામાં ટેક્સટાઇલ વેલ્યુ ચેઈનમાં છેલ્લા બે વર્ષમાં 44 વ્યાજ સહાય યોજનાની અરજીઓ મંજૂર કરાઈ : ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત
- રાજ્ય સરકાર દ્વારા વ્યાજ સહાય પેટે બે વર્ષમાં રૂ. 1319 લાખની રકમ ચૂકવાઇ
ગુજરાતના ટેક્સટાઇલ વેલ્યુ ચેઈનમાં ચોક્કસ ક્ષેત્રોને વધુ મજબૂત-પગભર બનાવવા રાજ્ય સરકાર દ્વારા ‘વ્યાજ સહાય યોજના’ અમલી છે. આ યોજના અંતર્ગત રાજકોટ જિલ્લામાં ટેક્સટાઇલ વેલ્યુ ચેઈનમાં તા. 31 ડિસેમ્બર 2024ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં કુલ 44 કલેઈમની અરજીઓ મંજૂર કરવામાં આવી છે. આ પેટે વર્ષ 2023માં રૂ.77.28 લાખ તેમજ વર્ષ 2024માં રૂ. 1,242.25 લાખ એમ બે વર્ષમાં કુલ1,319.53 લાખની વ્યાજ સહાય ટેક્સટાઇલ ઉદ્યોગોને આપવામાં આવી છે. તેમ,વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નોનો ઉત્તર આપતા ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.
ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત વધુ માહિતી આપતાં કહ્યું હતું કે,ગુજરાત ટેક્ષટાઇલ વેલ્યુ ચેઇનમાં ચોક્કસ ક્ષેત્રોને મજબૂત બનાવવા માટે સહાય યોજના -2019 અંતર્ગત એમ.એસ.એમ.ઇ. એકમોને 6 ટકા વ્યાજ સહાય આપવામાં આવે છે. વધુમાં લાર્જ કક્ષાના એકમોને તેમના દ્વારા પુરી પાડવામાં આવતી રોજગારીને ધ્યાને લઇ 4 ટકાથી 6 ટકા સુધીની વ્યાજ સહાય આપવામા આવે છે.
મંત્રી રાજપૂતે વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે,રાજ્યની મહિલાઓ અને ખાસ કરીને ગ્રામ્ય કક્ષાએ કામ કરતી મહિલાઓને રોજગાર મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા સ્વ-સહાય જૂથ (સેલ્ફ હેલ્પ ગ્રુપ – SHG)ને સહાય આપવા અંગેની જોગવાઈ નવી ટેક્ષટાઇલ પોલીસીમાં કરવામાં આવી છે. જેમાં સ્વ-સહાય જૂથની મહિલા સભ્યને તાલીમ દરમ્યાન સરકાર તરફથી રૂ.5000 પ્રતિ સભ્ય દીઠ 03 માસ માટે તાલીમ સ્ટાઈપેન્ડ આપવામાં આવશે. આ સિવાય સ્વ-સહાય જૂથને મહિલા સભ્ય દીઠ માસિક રૂ.5000 પે-રોલ સહાય આપવામાં આવશે.
વધુમાં, સ્વ-સહાય જૂથને જોબવર્કનું કામ આપનાર ઔદ્યોગિક એકમને પણ સરકાર પ્રોત્સાહન પૂરૂ પાડશે જેથી સ્વ-સહાય જૂથને લાંબા સમય માટે કામ મળી રહેશે અને સભ્યોને સ્થાયી રોજગારી મળી રહેશે.
આ સહાય રાજ્યની મહિલાઓને સશક્ત અને સ્વનિર્ભર બનાવશે. રાજ્ય સરકાર હંમેશાં મહિલાઓના સશક્તિકરણ માટે પ્રતિબદ્ધ રહી છે અને આ પ્રકારના પગલાં તેમને વધુ અવસર અને સશક્તતા પ્રદાન કરશે, જેથી તેઓ સમાજ, અર્થવ્યવસ્થા અને વ્યવસાય ક્ષેત્રે વધુ મજબૂત બની શકે તેમ મંત્રીએ ગૃહમાં ઉમેર્યું હતું.