રાશનકાર્ડ સબંધીત કામગીરી માટે વચેટીયાઓ હવે રૂપિયા નહી ઉઘરાવી શકે..!!

અબતક, રાજકોટ

રાજકોટ શહેરની ઝોનલ કચેરીઓમાં વચેટીયાઓનો ભોગ બનતા અરજદારોને બચાવવા માટે હેલ્પ ડેસ્ક ઉભા કરવા તંત્ર વિચારણા કરી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. જો હેલ્પ ડેસ્ક ઉભા થશે તો વચેટિયાઓનો પ્રશ્ન ભૂતકાળ બનશે તે નક્કી છે.

રાજકોટ શહેરમાં ચાર ઝોનલ ઓફિસ આવેલી છે. ઝોનલ -1 જૂની કલેકટર કચેરીના કમ્પાઉન્ડમાં બેસે છે. જ્યારે ઝોનલ -2 કાલાવડ રોડ ઉપર આવેલી પશ્ચિમ મામલતદાર કચેરી ખાતે બેસે છે. જ્યારે ઝોનલ -3 અને 4 દક્ષિણ મામલતદાર કચેરીમાં બેસે છે. આ તમામ ઝોનલ ઓફિસો બહાર વચેટિયાઓનો ત્રાસ વધતો જઈ રહ્યો છે.

ઝોનલ કચેરીઓમાં હેલ્પ ડેસ્ક ઉભા કરવા તંત્રની વિચારણા

ગરિબ અને અભણ અરજદારો જ્યારે રાશનકાર્ડ સબંધીત કામગીરી માટે આ ઝોનલ ઓફિસોમાં આવે છે. ત્યારે જાણકારીના અભાવે તેઓ ફોર્મ ભરવા માટે કે અન્ય કોઈ મદદ માટે વચેટિયાઓના ચુંગાલમા ફસાઈ છે. વચેટિયાઓ માત્ર ફોર્મ ભરવાના ભરવાના રૂ. 50થી 200 ઉઘરાવે છે. આ ફરિયાદ અધિકારીઓ સુધી પહોંચતા હવે અધિકારીઓએ ઝોનલ ઓફિસોમાં હેલ્પ ડેસ્ક શરૂ કરવાની વિચારણા હાથ ધરી છે.

આ હેલ્પ ડેસ્કમાં અરજદારોને ફોર્મ ભરવા ઉપરાંત અન્ય માર્ગદર્શન આપવા સહિતની કામગીરી કરવામાં આવશે. આ હેલ્પ ડેસ્ક ઉભા થવાથી અરજદારો વચેટિયાઓનો ભોગ બનતા અટકશે તે નક્કી છે.

બોગસ ફિંગરપ્રિન્ટ કૌભાંડમાં સંડોવાયેલા 25 વેપારીઓને 21મીએ હિયરીંગ માટે બોલાવાયા

બોગસ ફિંગર પ્રિન્ટના આધારે સસ્તા અનાજની દુકાનેથી માલ ઉપાડી ને કાળા બજારમાં ધકેલવાના રાજ્યવ્યાપી કૌભાંડમાં રાજકોટ જિલ્લાના 25 વેપારીઓની પણ સંડોવણી ખુલતા જે તે સમયે આ દુકાનદારોનો પરવાનો 90 દિવસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. જો કે તે સમયે મોટાભાગના દુકાનદારોના નિવેદનો લેવાના પણ બાકી રહ્યા હતા. ત્યારે હવે ડીએસઓ તરીકે પ્રશાંત માંગુડાએ ચાર્જ સંભાળતા તેઓએ આગામી 21મીએ આ તમામ 25 વેપારીઓને હિયરીંગ માટે તેંડુ મોકલાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે આ સસ્તા અનાજના વેપારીઓ સામે સરકારની સૂચના મુજબ કડક કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.