- “ઝડપથી બદલાતા સમુદાયોમાં સંગ્રહાલયોનું ભવિષ્ય” થીમ પર કરવામાં આવી ઉજવણી
- સંગ્રહાલય,માં ‘કલમકારી આર્ટ’ તથા ‘ટ્રેડીશનલ હેન્ડમેડ એમ્બ્રોઇડરી’ વર્કશોપનું આયોજન
- ઉજવણીનો હેતુ સંગ્રહાલયોની ભૂમીકા અને શિક્ષા, સંસ્કૃતિ, વિરાસતનું સંરક્ષણ તથા જાગૃતી લાવવાનો
જામનગર: ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત કાર્યરત પુરાતત્વ અને સંગ્રહાલય ખાતાં દ્વારા પુરાતત્વીય સંગ્રહાલય, જામનગર ખાતે ‘આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષે સંગ્રહાલય દિવસની “ઝડપથી બદલાતા સમુદાયોમાં સંગ્રહાલયોનું ભવિષ્ય” પર કરવામાં આવી હતી. સંગ્રહાલય ખાતે આ પ્રસંગે ‘કલમકારી આર્ટ’ તથા ‘ટ્રેડીશનલ હેન્ડમેડ એમ્બ્રોઇડરી’ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. સંગ્રહાલયના ક્યુરેટર ડૉ.ધીરજ ચૌધરી દ્વારા જણાવ્યુ કે ‘આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ’ની ઉજવણીનો મુખ્યહેતુ સમાજમાં સંગ્રહાલયોની ભૂમીકા અને શિક્ષા,સંસ્કૃતિ અને વિરાસતનું સંરક્ષણ તથા સમાજમાં જાગૃતી લાવવાનો છે.સંગ્રહાલયો વિવિધ સંસ્કૃતિઓ વચ્ચે સેતુ તરીકે કામ કરે છે, પરસ્પર સમજણ અને આદરને પ્રોત્સાહન આપે છે. આ તકે સંગ્રહાલયની વિવિધ હસ્તકલા અને પુરાતત્વીય ગેલેરીઓ મુલાકાતીઓ માટે ખુલ્લી રાખવામાં આવી હતી. શાળા બાળકો, કલારસિકો અને નગરજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી, અને સંગ્રહાલયના મહત્વ અને વારસાના જતન વિશે માહિતગાર બન્યા હતા
ઇ.સ. ૧૯૭૭ થી આંતરરાષ્ટ્રીય પરીષદ દ્વારા ૧૮મી મે ના રોજ સૌપ્રથમ વખત તો આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી.દર વર્ષે ૧૮મી મે ના રોજ મનાવવામાં આવતો ‘આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ’ એ સમાજમાં સંગ્રહાલયોની ભૂમિકા વિશે જાગૃતિ લાવવા માટે સમર્પિત એક નોંધપાત્ર વૈશ્વિક ઘટના છે. દર વર્ષે આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસની એક અલગ થીમ હોય છે, જે તે વર્ષના વૈશ્વિક મુદ્દા અથવા સામાજિક પરિપ્રેક્ષ્યને પ્રતિબિંબિત કરે છે.આ વર્ષે આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસની થીમ“ઝડપથી બદલાતા સમુદાયોમાં સંગ્રહાલયોનું ભવિષ્ય” છે.સાંસ્કૃતિક સંસ્થાઓના રૂપમાં સંગ્રહાલયના મહત્વને પ્રોત્સાહિત કરવા પુરાતત્વીય સંગ્રહાલય,જામનગર ખાતે ‘કલમકારી આર્ટ’ તેમજ ‘ટ્રેડીશનલબ હેન્ડમેડ એમબ્રોડરી’ નાં વર્કશોપનુ આયોજન બપોરે ૨:૩૦ થી ૭:૦૦ કલાકે કરવામાં આવેલ.
કલમકારી કલા પ્રાચીન કાપડ છાપકામ કલા છે.જે ભારતનાં આંધપ્રદેશ રાજયમાં મૂળ ધરાવે છે.કલમનો અર્થ ‘પેન’ અને કારીનો અર્થ ‘કલા’ થાય છે.વિજયનગર સામ્રાજ્યનાં શાસન દરમિયાન દક્ષિણમાં કલમકારી કલા ઘણી લોકપ્રિય બની હતી.’કલમકારી આર્ટ ‘ વર્કશોપ અંતર્ગત ગીતાબેન રાઠોડ દ્વારા કુલ ૨૫ આર્ટીસ્ટને સુતરાઉ કાપડ પર વિવિધ ‘કલમકારી આર્ટ’ શીખવાડવામાં આવેલ.
ભરતકામ એક તળપદી હસ્તકલા છે.ભાતીગળ લોકભરત એ ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છનાં ગ્રામપ્રદેશોનો આગવો કલાસંસ્કાર છે.પ્રાકૃતમાં ‘ભરીમ’ એટલે કે ભરીને બનાવેલું શબ્દ મળે છે.સંસ્કૃતમાં ‘ભૃત’ શબ્દ છે. તે ઉપરથી ‘ભરત’ શબ્દ આવ્યો હોવાનું નોંધાયું છે.પુરાતત્વીય સંગ્રહાલય,જામનગર ખાતે હસ્તકલા ને લગતિ એક ગેલેરીમાં જેમાં કાઠી શૈલી, મહાજન શૈલીનાં વિવિધ ચાકળા,ઉલેચ,તોરણ,ભીતીયા, પછીતપાટી વગેરેનાં નમૂનાઓ પ્રદર્શિત કરવામાં આવેલ છે.’ટ્રેડીશનલબ હેન્ડમેડ એમબ્રોડરી’નાં વર્કશોપ અંતર્ગત ગીતાબેન રાઠોડ દ્વારા કુલ ૨૦ આર્ટીસ્ટને સુતરાઉ કાપડ પર વિવિધ હસ્તકલા આધારીત ભરતકામ જેમકે,સાદો ટાંકો ,ગાંઢ ટાંકો ,કચ્છી ટાંકો ,બાવળીયા ટાંકો વગરે શીખવાડવામાં આવેલ.
સંગ્રહાલયના ક્યુરેટર ડૉ.ધીરજ વાય. ચૌધરી દ્વારા જણાવ્યુ કે ‘આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ’ની ઉજવણીનો મુખ્યહેતુ સમાજમાં સંગ્રહાલયોની ભૂમીકા અને શિક્ષા,સંસ્કૃતિ અને વિરાસતનું સંરક્ષણ તથા સમાજમાં જાગૃતી લાવવાનો છે.સંગ્રહાલયો વિવિધ સંસ્કૃતિઓ વચ્ચે સેતુ તરીકે કામ કરે છે, પરસ્પર સમજણ અને આદરને પ્રોત્સાહન આપે છે. કોઈ પણ સંગ્રહાલય ઇતિહાસ, પરંપરા અને વારસાનું જતન કરે છે. આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ પણ તેમના યોગદાનનું સન્માન કરવાનો અવસર છે. સંગ્રહાલયો શિક્ષણના સ્ત્રોત હોય છે,જે વીતેલા યુગની ઝલક આપે છે,જેથી વર્તમાનને સમજી શકાય.સંગ્રહાલયો મહત્વપૂર્ણ શૈક્ષણિક સંસ્થાઓ પણ છે,જે પ્રદર્શનો, વર્કશોપ્સ અને ઇન્ટરેક્ટિવ પ્રોગ્રામ્સ દ્વારા અનોખા શીખવાનો અનુભવ પ્રદાન કરે છે. સંગ્રહાલયો સાંસ્કૃતિક કલાકૃતિઓ અને ઐતિહાસિક રેકોર્ડને સાચવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે,જેથી ભવિષ્યની પેઢીઓ તેમના ભૂતકાળ સાથે જોડાઈ શકે.સંગ્રહાલયો સ્થાનિક સમુદાયો સાથે જોડાય છે. સંવાદ,પ્રતિબિંબ અને સહયોગ માટે જગ્યા પૂરી પાડે છે.’આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ’એ વિશ્વભરના સંગ્રહાલયોની ઉજવણી અને સમર્થન કરવાની તક છે,જે સાંસ્કૃતિક વિનિમય, શિક્ષણ, સંરક્ષણ, સમુદાય જોડાણ,નવીનતા અને આર્થિક વિકાસમાં તેમના યોગદાનને માન્યતા આપે છે.’
‘આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ’નિમિતે બાળકો અને મુલાકાતીઓને સંગ્રહાલયના મહત્વ વિશે માહિતગાર કર્યા અને પુરાતત્વીય સંગ્રહાલયની માહિતી આપી. આ વર્કશોપમાં મુલાકાતીઓ,કલારસિકો તથા સંગ્રહાલયના કર્મચારીગણ હાજર રહ્યાં હતાં.
અહેવાલ: સાગર સંઘાણી