આંતરરાષ્ટ્રીય નર્સિંગ દિવસ: સફેદ વસ્ત્રોમાં પી.પી.ઈ કીટ સાથે કોરોના સામે જંગે ચડતી ”ફ્લોરેન્સ” સિસ્ટર્સ

ઘાયલ સૈનિકોની સારવાર નહીં પરંતુ કોરોના સામેના જંગમાં દેવદૂત બની બહાદુરીપૂર્વક લડતી રાજકોટ સીવીલની વીરાંગનાઓ

આ સમય સરહદ પરના ઘાયલ સૈનિકોની સારવારની વાતનો નહીં, પરંતુ સમગ્ર વિશ્વને કોરોના રૂપી દૈત્યએ જયારે ભરડો લીધો છે ત્યારે દેવદૂત બની સફેદ વસ્ત્રમાં પી.પી.ઈ. કીટ પહેરી દર્દીઓની સારવાર માટે યોદ્ધા બની અનેક ફ્લોરેન્સ વીરાંગનાઓની બહાદુરીની ગાથાનો સમય છે.

પરિવારની દેખભાળ સાથે દર્દીઓની સારવારમાં જીવનું જોખમ છે, પરંતુ સેવા અને ફરજનિષ્ઠ સિસ્ટર્સ એક પણ દિવસની રજા લીધા વગર આ જવાબદારીને ઈશ્વરનો પ્રસાદ માની નિભાવી રહી છે. રાજકોટ સીવીલ હોસ્પિટલ અને તેની હેઠળ આવતી તમામ સંસ્થાઓમાં હાલમાં કુલ મળી 552 મહિલા નર્સ તરિકેની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી રહી છે, તેમ નર્સીંગ સુપ્રિટેન્ડન્ટ હિતેન્દ્ર ઝાખરિયા જણાવે છે.


આપણે જે સિસ્ટર ફ્લોરેન્સ નાઇટિંગલના જન્મદિવસ નિમિત્તે 12 મી મેના દિવસે ‘વિશ્વ નર્સિંગ દિવસ’ મનાવીએ છીએ, જો આજ તેઓ જીવિત હોત તો કોવીડમાં સારવાર આપતી નર્સ બહેનોને જોઈ તેણી ચોક્કસ ગૌરવ સાથે કહેત કે આ સેવા માનવતાની ગરિમાને ઉજાગર કરતી ઉત્તમ સેવા છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલના મેટ્રન નીરુબેન મહેતા 32 વર્ષથી ડોક્ટર્સ સાથે ખભે ખભા મિલાવી દર્દીઓની સારવાર કરી રહ્યા છે. હાલ 200થી વધુ નર્સિંગ સ્ટાફના સંચાલનની જવાબદારી તેઓ અદા કરી રહ્યા છે. કોરોનાના દર્દીઓની યોગ્ય સારવાર ચાલે તે માટે તેમના સતત નિદર્શન હેઠળ રોજેરોજ સ્ટાફ સાથે સંકલન, દર્દીઓની ડોક્ટરની સૂચના મુજબની સારવાર થાય છે કે નહીં સહિતનું માર્ગદર્શન તેઓ કરી રહ્યા છે. સાથોસાથ પરિવારની જવાબદારી તો ખરી જ.

5 સભ્યોના પરિવારમાં તેઓના પતિ અને નણંદ કોરોના પોઝિટિવ આવ્યા. પરંતુ 10 દિવસની રજાને બાદ કરતા કોઈ અન્ય રજા લીધા વગર રોજ 10 કલાકથી વધુ સમય સારવાર માટે ફાળવે છે. નિરુબેન આગળ વાત કરતા જણાવે છે કે, ‘તેને થાક લાગે પરંતુ એક સાથે આટલા બધા દર્દીઓ જીવન મરણ વચ્ચે જોલા ખાતા હોઈ ત્યારે સઘળું કરી છૂટવાની ઈશ્વર શક્તિ આપે છે.’


નીરુબેન તેના સ્ટાફ વિશે વાત કરતા કહે કે, ‘સારવાર દરમ્યાન માત્ર દવા જ નહીં, પરંતુ દર્દીને સાંત્વના, જરૂરી સમાન અને ક્યારેક મોબાઈલ પર પરિવાર જોડે વાત કરાવી આપવામાં પણ અમારી બહેનો મદદરૂપ બનતી હોઈ છે. દર્દી જયારે સાજો થઈ તેમના પરિવાર સાથે હસતો રમતો આશીર્વાદ આપી ઘરે જાય તે ક્ષણ અમારા જીવનની સૌથી શ્રેષ્ઠ ક્ષણ હોય છે.’

આવા જ એક કર્મનિષ્ઠ સિસ્ટર કાજલબેન સોઢાતર છે, જેમના સિરે કોવિડ હોસ્પિટલને કોરોના વાયરસ મુક્ત રાખવાની અને બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટની જવાબદારી છે. રોજે રોજ દવાની ખાલી બોટલો , સિરીંજ સહિતનો વેસ્ટ અલગ અલગ પ્લાસ્ટિકની બેગમાં જમા કરી તેને સેન્ટ્રલ સ્ટોરમાં જમા કરવાનો. તે સાથે તેનો યોગ્ય નિકાલ થાય તે જોવાનું કાર્ય પણ તેમના હવાલે છે. માત્ર તેટલું જ નહિ પરંતુ તમામ વોર્ડમાં હાઇપો ક્લોરાઇડ કેમિકલ વડે સફાઈ, બેડની રોજેરોજ ચાદર બદલાઈ તેમજ પલંગ અને ડ્રોઅર સહિતની તમામ વસ્તુ આ કેમિકલથી સૅનેટાઇઝ કરવાની પણ સૌથી મહત્વની જવાબદારી તેમના સંચાલન હેઠળ કરવામાં આવે છે.


કાજલબેન તેમની ટિમની જવાબદારી વિશે વધુ વિગતો આપતા કહે છે કે, ‘નર્સિંગ સ્ટાફમાં કોઈને નીડલ ઈંજરી થાય તેઓને ઇન્ફેક્શન ન લાગે તેની પણ દેખભાળ રાખવાની, લોહીના ટીપા ઢોળાયા હોઈ તો તેને પણ યોગ્ય રીતે સફાઈ થાય, આવા બધા કામો ખુબ ચોકસાઈ રીતે કરવા, તેવી બધી બાબતોનું અમારી ટિમ સંપૂર્ણ ધ્યાન રાખે છે.’

16 વર્ષથી નર્સિંગ ડ્યુટી કરતા કાજલબેન જણાવે છે કે, ‘પહેલા HIV,કમળો કે સ્વાઈન ફલૂ વખતે ઇન્ફેક્શનનો ભય નહોતો પણ, અત્યારે ચેપ લાગવાનો ભય છે. ત્યારે અમારે વધારે સાવધાનીપૂર્વક કામ કરવું પડે છે સાથોસાથ પરિવારના સભ્યોથી પણ અંતર રાખવું પડે છે.


રાજકોટ સિવિલમાં જ હેડનર્સ તરીકે ફરજ બજાવી હાલમાં આસી.નર્સીંગ સુપ્રિન્ટેન્ડટ તરીકે કાર્યરત જીન્નતબેન અબળા કહે છે કે, ‘હાલના સંજોગોમાં દર્દીઓની સારવાર એ જ અમારી પ્રાથમિકતા હોય છે. આ માટે અમે વોર્ડના 4 વિભાગોમાં જરૂરીયાત મુજબ સ્ટાફની ફાળવણી કરીએ છીએ. સાથો-સાથ સારવાર માટે ઉપયોગમાં લેવાતી આઈટમ પણ પૂરી પાડીએ છીએ. જો કોઈ સંજોગોમાં દર્દીનું મૃત્યું થાય તો તેની જાણ અમે દર્દીના પરિવારજનોને કરીને મૃતકના બોડીને કોવીડની માર્ગદર્શિકા મુજબ પેક પણ કરીએ છીએ.’

“જીવન ચલને કે નામ” આ સમય ભલે કપરો હોઈ પરંતુ રોજના અનેક દર્દીઓને મોતના મુખમાંથી બચાવવા હોસ્પિટલની રીડની હડ્ડી સમાન આ વીરાંગનાઓ માત્ર પોતાના પરિવાર જ નહિ, પરંતુ સમગ્ર માનવજાત ને બચાવવા કમર કસી રહી છે. ત્યારે આ ફોલરેન્સના અવતાર રૂપી સિસ્ટર્સ હંમેશા નર્સિંગ સેવાને નવી ઊંચાઈ અપાવી માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડી રહી છે.