- ચીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં અમેરિકાની સર્વોપરિતા તોડી
ચીને સાવ સસ્તું એઆઈ મોડેલ લોન્ચ કરી વિશ્ર્વભરમાં હડકંપ મચાવ્યો: અમેરિકાના મેગ્નિફિસન્ટ સેવન તરીકે ઓળખાતા આલ્ફાબેટ, એમેઝોન, એપલ, મેટા, માઈક્રોસોફ્ટ, એનવીડિયા અને ટેસ્લા જેવા ટેક જાયન્ટસને ડીપસિકની ધોબી પછડાટ: નાસ્ડેકમાં 3.07 ટકા અને એસએન્ડપી 500માં 1.46 ટકાનો કડાકો
ચીનના એઆઈ મોડલથી દુનિયાભરમાં હડકંપ મચ્યો છે. ચીનની ડીપસીક એઆઈ લેબે તેનું નવું એઆઈ મોડેલ ડીપસીક -વી 3 લોન્ચ કર્યું છે. નવી ડીપસેક-વી3 એ તેના લોન્ચિંગ સાથે જ ગ્લોબલ ટેક વર્લ્ડને હચમચાવી નાખ્યું હતું. ચીનના ‘ચેટજીપીટી’ મોડેલે અમેરિકાની દિગ્ગજ આઈટી ટેકનોલોજી કંપનીઓને ચિંતામાં મૂકી દીધા છે કારણ કે તેનાથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં અમેરિકાનો નંબર 1નો તાજ છીનવાય શકે છે. અન્ય જે એઆઈ સર્વિસ આપે છે. તેનાથી 3 ટકા કોસ્ટમાં જ ડિપસિક સર્વિસ આપે છે. જેથી અન્ય એઆઈના અસ્તિત્વ ઉપર પણ સવાલ ઉભો થયો છે. આ ઉપરાંત મેગ્નિફિસન્ટ સેવન તરીકે ઓળખાતા આલ્ફાબેટ, એમેઝોન, એપલ, મેટા, માઈક્રોસોફ્ટ, એનવીડિયા અને ટેસ્લા જેવા ટેક જાયન્ટસને પણ ધોબી પછાડ મળી છે.
છેલ્લાં કેટલાંક વર્ષોથી ઓપનએઆઈ, મેટા અને ગૂગલ જેવી કંપનીઓ અમેરિકામાં એઆઈ ડેવલપમેન્ટમાં મોખરે છે. પરંતુ હવે ચીને ડીપસીક-વી3 સાથે મોટો દાવ ખેલ્યો છે. ડીપસેક-વી3 એક એવું મોડેલ છે જે વિશ્વની કેટલીક શ્રેષ્ઠ એઆઇ સિસ્ટમને પડકારી રહ્યું છે, જ્યારે તેના નિર્માણ પાછળનો ખર્ચ ઘણો ઓછો રહ્યો છે.
રસપ્રદ વાત એ છે કે, ચીનના ડીપસિક મોડેલનું લોન્ચિંગ પણ આશ્ચર્યજનક છે કારણ કે અમેરિકાએ ચીનને તેની પ્રગતિને ધીમી પાડવા માટે એનવીઆઇડીઆઇએના પાવરફુલ ચિપસેટ જેવા મુખ્ય એઆઇ હાર્ડવેરનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. આ પડકારો છતાં, ડીપસીકે સાબિત કર્યું છે કે ઇનોવેશન દરેક સંજોગોમાં થઈ શકે છે.અહેવાલ મુજબ નાસ્ડેક 3.07 ટકા અથવા 612 પોઈન્ટ ઘટીને 19341 પર બંધ થયો. જ્યારે એસએન્ડપી 500 1.46 ટકા ઘટીને 6012 ના સ્તરે પહોંચ્યો છે.
સ્માર્ટ અને વાજબી ઇનોવેશન ટેકનોલોજીથી ચીને ખેલ્યો મોટો દાવ
ડીપસીક વી3 અન્ય એઆઇ (અઈં) મોડેલોની જેમ જ કામગીરી બજાવે છે, પરંતુ તેને બનાવવા માટે ખૂબ જ ઓછા નાણાંનો ખર્ચ થાય છે. ચીન પર એડવાન્સ્ડ હાર્ડવેર પ્રતિબંધોને કારણે પણ આ મહત્વપૂર્ણ છે. સામાન્ય રીતે, કોમ્પિટિટિવ એઆઇ સિસ્ટમ્સના નિર્માણ માટે અબજો ડોલરની જરૂર પડે છે, અને ડીપસીકની સફળતા દર્શાવે છે કે સર્જનાત્મક અભિગમ સાથે મર્યાદિત બજેટમાં પણ પાવરફુલ એઆઇ મોડેલો ડેવલપ કરવું શક્ય છે. જો કે, સૌથી મોટી હકીકત એ છે કે ડીપસીક-વી3 ઓપન-સોર્સ છે, જેનો અર્થ એ છે કે દુનિયાભરના ડેવલપર્સ તેને એક્સેસ કરી શકે છે, એવી જગ્યાઓ પર પણ જ્યાં મોંઘા એઆઈ ટૂલ્સમાં રોકાણ કરવા માટે ઓછા પૈસા છે.
ચીને અમેરિકાના પ્રતિબંધોનો જડબાતોડ જવાબ
ડીપસીક-વી3નું લોન્ચિંગ ઘણું મહત્વનું છે. મોટા એઆઈ મોડેલોને તાલીમ આપવા માટે જરૂરી મુખ્ય એઆઈ ચિપ્સની એક્સેસને અવરોધિત કરવા માટે અમેરિકા એ લાંબા સમયથી ચીન પર પ્રતિબંધો લાદયા છે. આ પ્રતિબંધોનો હેતુ ચીનને એઆઈમાં ઝડપથી આગળ વધતા અટકાવવાનો હતો, પરંતુ ડીપસિક ની સફળતા દર્શાવે છે કે આ પ્રતિબંધો અમેરિકાની અપેક્ષાઓ મુજબ કામ કરી શક્યા ન હતા. મોંઘા હાર્ડવેર પર આધાર રાખવાને બદલે, ડીપસિકના ઇજનેરોએ હાલની ટેકનોલોજીને વધુ કાર્યક્ષમ બનાવવા માટે નવી રીતો શોધી કાઢી અને ચાઇનીઝ ટેક ઉદ્યોગને એઆઇ સિસ્ટમ્સ કેવી રીતે કાર્ય કરે છે તે વિશે વિચારવાની ફરજ પાડી.
ટેક શેરોમાં ભૂકંપ, એનવીઆઇડીઆઈએને 500 બિલિયન ડોલરથી વધુનું નુકસાન
શરૂઆતના વેપારમાં ચિપમેકર એનવિઆઈડીઆઈએ ના શેર 11 ટકા ઘટ્યા. બાદમાં એનવિઆઈડીઆઈએના શેર 18 ટકા જેટલા ઘટ્યા, જે માર્ચ 2020 પછીનો સૌથી મોટો ઘટાડો છે. બ્લૂમબર્ગના એક અહેવાલમાં જણાવાયું છે કે સપ્ટેમ્બરમાં નોંધાયેલા 9% ના અગાઉના રેકોર્ડને તોડી 560 બિલિયનના નુકસાનમેં વટાવી ગયું છે. અહેવાલ મુજબ, માઇક્રોસોફ્ટના શેરમાં 3.8%, મેટા પ્લેટફોર્મ્સમાં 3.1% અને આલ્ફાબેટમાં 3.3%નો ઘટાડો થયો છે.
યુરોપિયન ટેક શેરો પણ ગગડયા
અહેવાલ મુજબ, યુરોપિયન ટેક શેરોમાં લગભગ 4%નો ઘટાડો થયો છે, જે ઓક્ટોબર પછીના સૌથી ખરાબ દિવસ માટે તૈયાર છે. ચિપ ઉત્પાદક એએસએમએલ 8.9% ઘટ્યો હતો, અને સિમેન્સ એનર્જી, જે એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ઇલેક્ટ્રિક હાર્ડવેર પ્રદાન કરે છે, તેનો શેર લગભગ 20% ઘટ્યો હતો. જાપાનના નિક્કી શેરબજારમાં લગભગ 1%નો ઘટાડો થયો. એઆઈ-કેન્દ્રિત સ્ટાર્ટઅપ રોકાણકાર સોફ્ટબેંક ગ્રુપ 8% થી વધુ ઘટ્યો.
ડીપસીક-વી3 ઓપન સોર્સ હોવાનો દાવો
ડીપસીક-વી3 ઓપન સોર્સ હોવાનો દાવો છે, જેનો અર્થ એ છે કે તેનો ઉપયોગ દુનિયાભરના ડેવલપર્સ કરી શકે છે, જેમાં વિકાસશીલ દેશોમાં નાની કંપનીઓ અને સંશોધકોનો પણ સમાવેશ થાય છે. તે દુનિયામાં એઆઈ ટેકનોલોજી વિસ્તૃત કરવામાં અને મોટી નાણાકીય સહાય ન ધરાવતા દેશો માટે ઇનોવેશન માટે સુલભ બનાવવામાં મદદ કરી શકે છે. જો કે આના માટે ચાઈનીઝ નંબરથી રજિસ્ટ્રેશન થવું જરૂરી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.હવે જ્યારે ચીન એઆઈની દુનિયામાં એક મજબૂત અને મોટો ખેલાડી બની ગયો છે, ત્યારે વૈશ્વિક એઆઈ નેતૃત્વ માટેની સ્પર્ધા વધુ સંતુલિત રહેશે અને એઆઈનું ભવિષ્ય ફક્ત અમેરિકા જ નહીં પરંતુ વિશ્વના ઘણા દેશો દ્વારા નક્કી કરવામાં આવશે.