Abtak Media Google News

 

શ્રેષ્ઠ અને સ્વસ્થ સમાજનું સર્જન કરવા ઇન્ટરનેટ સુરક્ષાના અધિનિયમો પાળવા જરૂરી

અબતક, રાજકોટ
વર્તમાન સમયમાં વિશ્વ આખું એક ગામડું બન્યું છે ત્યારે આ પાછળ ઈન્ટરનેટની વધુ પડતી પ્રસિદ્ધિ અને ઉપયોગીતા જવાબદાર છે તેવું ચોક્કસપણે કહી શકાય. એક રીતે જોઈએ તો ઈન્ટરનેટ ખુબ જ ઉપયોગી સાબિત થયું છે. આજે વિશ્વનાં કોઈ એક ખૂણામાં રહેતો માણસ ઈન્ટરનેટથકી પ્રસિદ્ધિ પામી શકે છે તો બીજી તરફ લોકોનાં ધંધા રોજગાર પણ ઈન્ટરનેટ થકી વધ્યા છે, વળી આમાં દેશ આર્થિક વૃદ્ધિ પામે એ તો ખરું જ પરંતુ શું આ ઈન્ટરનેટ લોકો માટે, સમાજ માટે ખરેખર સુરક્ષિત છે ખરું ? પ્રાઈવસી પોલીસીથી લઈને ઓટીટી પ્લેટફોર્મમાં પ્રસારિત થતું ક્ધટેન્ટ, અવારનવાર થતા સાઈબર ક્રાઈમ્સ શું એ જ સુરક્ષિત ઈન્ટરનેટનું પરિમાણ છે ?

ખાસ કરીને ઓટીટી પ્લેટફોર્મ પર પ્રસારિત થતાં કાર્યક્રમ પર નિયમન આવ્યું હોવા છતાં હજુ ગંદી ગાળો,અશ્લીલતા અને વ્યભિચાર, માંસ મટન આરોગતા દ્રશ્યો, સુરુચિ ભંગ થાય તેવા દ્રશ્યો, સનાતન સંસ્કૃતિ વિરુદ્ધના દ્રશ્યો વગેરે ઘણું બધું સતત દર્શાવવાંમાં આવે છે.અમુક કાર્યક્રમો માતા-પુત્ર, સસરા-વહુ, દિયર-ભાભી, શિક્ષક-વિદ્યાર્થીનાં પવિત્ર સંબંધને વ્યભિચારનાં સ્વરૂપે દર્શાવે છે, જે ભારતીય સંસ્કૃતિની વિરુદ્ધ છે. આ ઉપરાંત આવા કાર્યક્રમને જોવાથી વ્યક્તિનાં માનસ પર વિકૃત અસર થાય છે. ઓટીટી પર પ્રસારિત થતાં કાર્યક્રમની નવી ગાઈડલાઇનમાં ગંદી ગાળો અને અશ્લીલતાઓને શબ્દશ: મંજૂરી આપવામાં આવી છે,જે ચિંતાનો વિષય છે. ઓટીટીનાં કારણોસર દેશમાં હિંસા, વ્યભિચાર, નારી હિંસા, ઘરેલુ હિંસા, યૌન શોષણ, તલાક જેવા કિસ્સાઓમાં વધારો થયો છે. જ્યાં નારીને પૂજવાની વાત કરવામાં આવે છે ત્યાં વ્યભિચાર દર્શાવીને તેનું ઓટીટી દ્વારા અપમાન કરવામાં આવે છે. કોરોના મહામારીને કારણે બાળકોનું શિક્ષણ ઓનલાઈન થયું છે ત્યારે તેમને આવા પ્લેટફોર્મ પરથી દુર રાખવા ખુબ જ મુશ્કેલ બને છે. જેની તેમની માનસ પર ખરાબ અસર પડે છે. શ્રેષ્ઠ અને સ્વસ્થ સમાજનું સર્જન કરવા માટે ઈન્ટરનેટ સુરક્ષાનાં જે અધિનિયમો છે તેને પાળવું જરૂરી છે અને આવા સંચાર માધ્યમોનો બની શકે તેમ વધુમાં વધુ હકારાત્મક રીતે ઉપયોગ કરવો જોઈએ.
– મિતલ ખેતાણી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.