કેન્દ્ર સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય હેઠળ કાર્યરત નેહરુ યુવા કેન્દ્ર-સુરત દ્વારા તા.27 ફેબ્રુ.થી 3 માર્ચ સુધી આંતર-જિલ્લા યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ’ યોજાઈ રહ્યો છે. રાષ્ટ્રીય એકતા, સાંસ્કૃતિક આદાન-પ્રદાન અને યુવા સશક્તિકરણને પ્રોત્સાહન મળે એ માટે સુરત આવેલા કચ્છ જિલ્લાના ૨૫ યુવાનો અને ૨ ટીમ લીડરોએ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત અને નાયબ પોલીસ કમિશનર વિજયસિંહ ગુર્જરની મુલાકાત કરી સંવાદ કર્યો હતો. આઈ.પી.એસ. એવા અનુપમસિંહે યુવાનોને શિક્ષણ, સખત મહેનત અને નિશ્ચયના મહત્વ વિષે સમજ આપી યુવાનોને તેમના અધિકારો અને જવાબદારીઓ પ્રત્યે જાગૃત રહેવા અને રાષ્ટ્ર નિર્માણમાં સક્રિયપણે સહભાગી બનવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને સામાજિક સંગઠનોનું પ્રતિનિધિત્વ કરતા કચ્છના યુવાનોએ કારકિર્દી વિકાસ, સામાજિક મુદ્દાઓ, સમાજસેવા વિષે માર્ગદર્શન મેળવ્યું હતું.
આ યુવાનો માટે સોફ્ટ કિલ્સ, ટીમ વર્ક, લીડરશીપ, કમ્યુનિકેશન અને કોર્પોરેટ કૌશલ્યની તાલીમ, નૈતિક મૂલ્ય નિર્માણ, મહિલાઓ, બાળકો અને વૃદ્ધ કલ્યાણ, રાષ્ટ્રીય પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં કારકિર્દીની તક જેવા વિવિધ પ્રકારના સત્રમાં ભાગ લીધો હતો. જેમાં પહેલા સત્રમા સોફ્ટ સ્કિલ અને કોર્પોરેટ ટ્રેનર અનમોલ રાનકા, બીજા સત્રમાં 16 વર્ષના અનુભવી બિઝનેસ ટ્રેનર, કોચ અને કન્સલ્ટન્ટ મૃગેશ ભટ્ટ અને ત્રીજા સત્રમાં ભૌતિક પ્રશિક્ષક, રાષ્ટ્રીય પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં 19 ગોલ્ડ મેડલ વિજેતા સૈયદ મોહમ્મદ તાજુદ્દીને યુવાનોનું જ્ઞાનવર્ધન કર્યું હતું. યુવાનોએ સુરતમાં અદાણી પોર્ટ, અતુલ બેકરી અને લક્ષ્મીપતિ ટેક્સટાઇલની મુલાકાત પણ લીધી હતી અને ઉદ્યોગોનો વ્યવહારૂ અનુભવ, ઉદ્યોગસાહસિકતા, કૌશલ્ય વિકાસ અને રોજગારની તકો વિષે સમજ મેળવી હતી. આ એકમોના મેનેજમેન્ટ અને કર્મચારીઓ સાથે વાતચીત કરી કામગીરી, પડકારો અને સફળતા વિશે વાકેફ થયા હતા.