Abtak Media Google News

મોરબી રોડ આરોગ્ય કેન્દ્રમાં દવાના સ્ટોકનો જથ્થો બરાબર, સળગાવાયેલી દવા કોર્પોરેશનની ન હોવાનો આરોગ્ય અધિકારી ડો.જયેશ વકાણીનો દાવો: સાંજ સુધીમાં તપાસ રિપોર્ટ આવી જશે

શહેરની લાલપરી નદીમાં એક્સપાયર થયેલી દવાનો જથ્થો સળગાવી દેવાના પ્રકરણમાં ઇન્ચાર્જ મ્યુનિ.કમિશનર અનિલ ધામેલીયાના આદેશ બાદ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. સાંજ સુધીમાં તપાસ રિપોર્ટ આવી જશે. દરમિયાન આરોગ્ય અધિકારી ડો.જયેશ વકાણીએ એવો દાવો કર્યો છે કે મોરબી રોડ આરોગ્ય કેન્દ્ર પર દવાનો સ્ટોક બરાબર છે. જે દવા સળગાવી દેવામાં આવી છે તે જથ્થો કોર્પોરેશનનો નથી. સરકારની એજન્સી દ્વારા અન્ય સંસ્થાને ફાળવવામાં આવેલી દવા સળગાવવામાં આવી છે કે કેમ? તેની તપાસ હાલ ચાલી રહી છે.

સામાન્ય રીતે એક્સપાયર થયેલી દવાનો જથ્થાનો નિકાલ બાયો મેડીકલ વેસ્ટનું કલેક્શન કરતી એજન્સીને આપવાનો થતો હોય છે. દરમિયાન ગઇકાલે લાલપરી નદીમાં મોટાપાયે દવાનો જથ્થો સળગાવી દેવાયાની ઘટના પ્રકાશમાં આવી હતી. રાજકોટ મહાનગરપાલિકાના મોરબી રોડ આરોગ્ય કેન્દ્ર પરથી ફાર્માસિસ્ટ અને મેડીકલ ઓફિસરે આ દવાનો જથ્થો નિયમ વિરૂધ સળગાવી દીધાની શંકા સેવાઇ રહી હતી. આ ઘટનાના પગલે ઇન્ચાર્જ મ્યુનિ.કમિશનર અનિલ ધામેલીયા દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. આજે સવારે તપાસ અધિકારી એવા આસિસ્ટન્ટ મ્યુનિ.કમિશનર જસ્મીન રાઠોડ અને આરોગ્ય અધિકારી ડો.જયેશ વકાણી સહિતના અધિકારીઓએ સ્થળ વિઝિટ લીધી હતી. દરમિયાન આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે લાલપરી નદીના પટ્ટમાં સળગાવી દેવામાં આવેલો એક્સપાયર દવાનો જથ્થો મોરબી રોડ આરોગ્ય કેન્દ્રનું હોવાની શંકાના આધારે આજે કેન્દ્ર પર સ્ટોકની ચકાસણી કરવામાં આવી હતી. આરોગ્ય કેન્દ્ર પર તમામ સ્ટોક બરાબર છે. દરમિયાન અર્ધ સળગેલી દવાના નમૂના લઇ બેંચ નંબરના આધારે આ દવા ક્યા સેન્ટરની ફાળવવામાં આવેલી હતી. તેની તપાસણી કરવામાં આવી રહી છે.

તેઓએ વધુ ઉમેર્યું હતું કે રાજ્ય સરકારની એજન્સી દ્વારા કોર્પોરેશન ઉપરાંત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના આરોગ્ય કેન્દ્રોને પણ સરકારી દવાની ફાળવણી કરવામાં આવે છે. બેંચ નંબરના આધારે ખ્યાલ આવશે કે સળગાવેલો જથ્થો ક્યા આરોગ્ય કેન્દ્રોનો છે. સામાન્ય રીતે નિયમ મુજબ કોઇપણ બાયો મેડીકલ વેસ્ટનો નિકાલ જાહેર કરી શકાતો નથી. નિયમ અનુસાર તેનો નાશ કરવાનું રહે છે. આ ઘટના સંદર્ભે ગુજરાત પ્રદૂષણ બોર્ડના અધિકારીઓનું પણ ધ્યાન દોરવામાં આવ્યું છે. સાંજ સુધીમાં તમામ તપાસ પૂર્ણ થઇ જશે અને તપાસ રિપોર્ટ મ્યુનિ.કમિશનરને સોંપી દેવામાં આવશે.

કોર્પોરેશનના મોટાભાગના આરોગ્ય કેન્દ્રો પર સ્ટોકની તપાસણી કરતા સ્ટોક બરાબર મળી આવ્યો છે. દરમિયાન સળગાવાયેલી દવા નો જથ્થો ખાનગી મેડીકલ સ્ટોરનો છે કે એજન્સી કે અન્ય આરોગ્ય કેન્દ્રનો તે અંગે તપાસ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.