- ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે વધુ એક મસમોટું કૌભાંડ
- કરણસિંહજી રોડ પર ઓફિસ શરૂ કરી મિલન ચાવડા અને ઈરફાન પઠાણે મસમોટી છેતરપિંડી આચરી લીધાની રાવ
તાજેતરમાં જ બીઝેડ કૌભાંડ બાદ રાજકોટથી ક્રિપ્ટો કરન્સીના નામે 43 અરજદારો સાથે રૂ. 2.69 કરોડની છેતરપિંડી આચરી લેવાયાનો અહેવાલ ’અબતક’ દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવ્યો હતો. જે મામલે હજુ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે ત્યાં ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરી ત્રણ ગણું વળતર મેળવવાની લાલચ આપી બે ભેજાબાજોએ રૂ. 5 કરોડથી વધુની છેતરપિંડી આચરી લેવાયાનો ઘટસ્ફોટ થવા પામ્યો છે. કરણસિંહજી રોડ પર ઓફિસ ચાલુ કરીને મિલન ચાવડા અને ઈરફાન પઠાણ નામના શખ્સોંએ આ કૌભાંડ આચર્યાનું સામે આવ્યું છે.
સમગ્ર કૌભાંડ મામલે રેલનગરના આસ્થા ચોક નજીક આવેલ જય અંબે એપાર્ટમેન્ટમાં રહેતા અને બેંક ડીએસએ લોનનું કામ કરતા વિજય મનહરલાલ વાછાણીએ પોલીસ કમિશ્નરને સંબોધી કરેલી અરજીમાં મિલન ધનજીભાઈ ચાવડા(રહે. બ્લોક નંબર 9, જયગીત સોસાયટી-1, રેસકોર્સ પાછળ, રાજકોટ) અને ઈરફાન ઉમરાખાન પઠાણ(રહે ફ્લેટ નંબર બી-405, નરશી મહેતા ટાઉનશીપ, કુવાડવા રોડ, રાજકોટ)નું નામ જણાવ્યું હતું કે, તેઓ ડીએસએ લોનનું કામ કરતા હોવાથી ગત તા. 5-10-2021ના રોજ મિલન ધનજીભાઈ ચાવડાનો સંપર્ક થયો હતો. મિલન ચાવડા મોર્ગેજ લોન કરવા આવેલ હતો જેથી લોન ડોક્યુમેન્ટ લેવા માટે મિલન ચાવડાની કરણસિંહજી રોડ પર કેશુભાઈ હોસ્પિટલ સામે આવેલી સેન્ટર પોઇન્ટ સ્થિતઓફિસ નંબર-12માં અવાર નવાર આવવા જવાનું થતું હતું વધુમાં અરજદારે જણાવ્યું હતું કે, એક બીજાના સંપર્ક વધતાં મિલન ધનજીભાઈ ચાવડાએ તેના ક્રિપ્ટોના પ્લાન અંગે સમજાવતા હું તેના પ્રોજેકટ માં માર્ચ 2023 થી જોડાયા પછી મે મારા નજીકના કુટુંબી લોકો તથા વેપારી મિત્રો તથા હું જે તે બેન્ક માં કામ કરતો તેવા અધિકારીઓ પાસેથી રૂપિયા 72 લાખનું રોકાણ કરાવેલ હતું. તથા મારા સિવાયના બીજા ફરિયાદી દ્વારા પણ રોકાણ કરાવવામાં આવ્યું હતું જે રકમ રૂ. 5 કરોડ થવા પામે છે.
બંને ભેજાબાજોએ ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરી ત્રણ ગણા વળતરની લાલચ આપતાં સ્કીમ જણાવી હતી કે એમઆઈઈ ટેક્નોલોજી એલએલપી નામની કંપની તારીખ 29/06/2021 થી ચાલે છે. જેના માલિક મિલન ધનજીભાઇ ચાવડા અને તેના પાર્ટનર ઇરફાન ઉમરાખાન પઠાણએ રાજકોટ તથા નજીકના શહેરમાંથી 50 મહિના માટે દર મહિને 6% વળતરની લાલચ આપીને ટોટલ રૂપિયા 5 કરોડની મેટાબ્લોક ઇન્ટરચેઇન ઇવોલ્યુશન નામથી ક્રિપ્ટો ટોકન બહાર પાડી છેતરપિંડી કરેલ છે.રોકાણ કરેલા રૂપિયા 3 ગણા થઈ જશે તેવા વાયદા કરીને ચિટિંગ કરેલ છે. કંપનીએ ગોવા ટુરની ઓફર બહાર પાડી 6% રકમના વડતરની સ્કીમ 4 થી 5 મહિના વડતર આપી ગોવાની ટુર કરાવીને ત્યાં સેમિનાર કરીને બધાને વિશ્વાસમાં લઇને આગામી કેરાલા ટુરની ઓફર બહાર પાડીને આ સિવાયની વધારાની રકમની પણ છેતરપિંડી કરેલ હતી. ત્યારબાદ તમામ રકમ ઓળવી જઈ એમઆઈઈનો 50 મહિના નો પ્લાન તત્કાલીક ધોરણે બંધ કરેલ હતો. ત્યાર બાદ કેવાડા નામ રાખીને જૂનો પ્લાન બંધ કરીને ફરી એક વાર રોકાણ કરેલા રૂપિયા 6 ગણા થઈ જશે તેવા વાયદા સાથે એમઆઈઈમાથી કેવાડાના નામે ટોકન ટ્રાન્સફર કરવાના નામે કેવાડા ક્રિપ્ટો ટોકન રૂપિયા 4.10 માં ટ્રાન્સફર કરી આપેલ હતા અને એક્સ્ચેજ માં રૂપિયા 27ના ભાવથી લિસ્ટિંગ કરવામાં આવશે તેવા વાયદા સાથે કેવાડા ટોકન ટ્રોન લિંક પ્રો નામની એપ્લીકેશનમાં ટોકન ટ્રાન્સફર કરી આપેલ પરંતુ જ્યારે ટોકન તારીખ 23/02/2024 ના રોજ એક્સચેંજમાં લિસ્ટિંગ થયો ત્યારે ટ્રોન બ્લોકચેઈન કંપનીએ વેચાણ કરવાની છુટ નહિ આપતાં રોકાણકારો તેમના ટોકન વેચાણ કરી શકે નહિ તેવું જાણી જોઈને 3 રૂપિયા આસપાસ થી લિસ્ટિંગ કરી ને ફક્ત 1 મિનિટની અંદર 90% સુધી ડાઉન કરી ને 15 દિવસમાં ટોકનનો ભાવ ખાલી 0.05 પૈસા સુધી ડાઉન કરી નાખ્યા હતા.
ભેજાબાજોએ પોતાનું એક્સચેન્જ પણ બનાવી નાખ્યું
ટોકન કાયદેસરના એક્સચેન્જ પરથી ડી-લિસ્ટિંગ કરાવ્યા બાદ ભેજાબાજોએ પોતાનું કેવાડેક્ષ નામનું એક્સચેન્જ બનાવી નાખ્યું હતું પરંતુ એક્સચેન્જ પર છ મહિના સુધી ટોકનનું વેચાણ કરી શક્યા ન હતા. જેથી રોકાણકારોએ નાણાં પરત માંગતા ગલ્લા તલ્લા શરૂ કરી દેતા રોકાણકારો છેતરાઈ ગયાનો ભાસ થયો હતો.
બેંક લોન મેળવી રોકાણ કરો : ઈરફાન પઠાણે નાના માણસોને લોન લેવડાવી રોકાણ કરાવ્યું
જે કોઈ લોકો પાસે રૂપિયાની સગવડતા ન હોય તેવા લોકોને ઈરફાન ઉમરાખાન પઠાણ રાજકોટની ઓફિસમાં ઉદારહણ આપીને સમજાવતા કે તમે 5 લાખ રૂપિયાની લોન 48 મહિના માટે લેશો તો હપ્તો 15000 હજાર આસપાસ આવશે અને કંપની તમને 5 લાખના 6% એટલે કે દર મહિને 30000 રૂપિયા આપશે તો તમે બેન્કના રૂપિયા એટ્લે કે લોનના રૂપિયા 15000 હપ્તો ભર્યા પછી પણ 15000 નો ચોખો ફાયદો થશે. એટલે કે તમારે તમારી કેપિટલનું તો કઈ રોકાણ છે નહીં, જે રોકાણ છે તે તો લોનનું જ છે એટલે માણસોએ લોન અને વ્યાજના રૂપિયા લઈને રોકાણ કર્યા બાદ કંપનીએ તાત્કાલિક ધોરણે પ્લાન બંધ કર્યા પછી રોકાણકારો ને આજની તારીખ સુધી હપ્તા અને વ્યાજ ઘરમાંથી ભરવું પડે છે.
કોણે કેટલા ગુમાવ્યા?
ફૈઝાન બુખારીના રેફરેન્સથી તેમના મિત્ર જોહેબ અયુબ સલતે રૂપિયા 1.15 કરોડ, વિજય મનહરલાલ વાછાણીએ મિત્રો અને કૌટુંબિક પાસેથી લીધેલા રૂ. 72 લાખ, જુબેર બાદીએ રૂ. 80 લાખ, ઉવેશ બાદીએ રૂ. 40 લાખ, ડો. પરેશભાઈ રાંકએ રૂ. 10 લાખ, નિરવભાઈ મોલીયાએ રૂ. 1 લાખ અને કલ્પેશભાઈ સંખરવાએ રૂ. 50,000 એમ કુલ રૂ. 3,18,50,000નો આંકડો લેખિતમાં રજૂ કરવામાં આવ્યો છે.