મેંદરડા-સાવરકુંડલામાં લૂંટ, અપહરણ અને હથિયારના ગુનામાં સંડોવાયેલા પ્રતાપ ગીડા અને કેતન હડિયાએ સુરતમાં વૃઘ્ધની હત્યા કરી લૂંટ ચલાવી

સુરતના ડુમસ ગામના વૃઘ્ધને લૂંટી મુંબઈના બદલાપુરમાં રૂ.160 કરોડની લૂંટ ચલાવવાનો પ્લાન 

બનાવ્યાની સ્ફોટક કબુલાત: સુરત ક્રાઈમ બ્રાંચે પાંચ શખ્સોને બે પિસ્તોલ સાથે ઝડપી લીધા 

મેંદરડા અને સાવરકુંડલામાં લૂંટ, અપહરણ અને હથિયારના ગુનામાં સંડોવાયેલા પ્રતાપ ગીડ અને કેતન હડિયાએ સુરતના ડુમસ ગામ કાંદી ફળીયામાં પટેલ વૃધ્ધની હત્યા અને લૂંટની ઘટનાનો સુરત ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે સીસીટીવી ફુટેજના આધારે ભેદ ઉકેલી મેંદરડા અને સાવરકુંડલાના શખ્સો સહિત પાંચની ધરપકડ કરી તેની પાસેથી રૂા.2.46 લાખનો મુદામાલ કબ્જે કરાયો છે. ઝડપાયેલા પાંચેય શખ્સોએ વૃધ્ધ પાસે રૂા. 4 કરોડ હોવાની ટ્રીપના આધારે લૂંટ ચલાવી હત્યા કર્યાની પરંતુ તેના મકાનમાંથી માત્ર 4 લાખ મળ્યાની અને મુંબઇના બદલાપુરમાં રૂા.160 કરોડની લૂંટ ચલાવવાનો પ્લાન બનાવ્યાની કબુલાત આપી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સુરતના ડુમસ ગામ કાંદી ફળીયામાં રહેતા નિવૃત એન્જિનીયર ભૂપેન્દ્રભાઇ ગોવિંદભાઇ પટેલ નામના 61 વર્ષના વૃધ્ધની ગત તા. 2 એપ્રિલના રોજ હત્યા કરી રૂા.4 લાખની લૂંટ ચલાવવાના ગુનામાં સંડોવાયેલા ગોડાદરાના વિશાલ લાખા વાણીયા, મુળ મેંદરડાના વતની અને હાલ ગોડાદરા રહેતા પ્રતાપ હરસુખ ઉર્ફે ચીના ગીડા, મુંબઇના કલ્યાણ વિસ્તારના મિથુન ઉર્ફે સેટી મોહન વાણીયન, વેસ્ટ મુંબઇના પિન્ટ અર્જુન ચૌધરી અને મુળ સાવરકુંડલાના વતની અને ગોડાદરા રહેતા કેતન રહેશ હડીયા નામના શખ્સોને સીસીટીવી ફુટેજના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ઝડપી લીધા છે.

નિવૃત એન્જિનીયર ભૂપેન્દ્રભાઇ પટેલને જમીન વેચાણના રૂા.4 કરોડ મળ્યાની તેના પાડોશમાં રહેતી ચેતનાએ મુંબઇ ખાતે રહેતી પોતાની બહેન સીમાને જાણ કરી તેઓ એકલા જ રહેતા હોવાથી લૂંટ ચલાવી સરળ હોવાની ટ્રીપ આપીહતી.  ચેતનાએ પોતાના પરિચિત પ્રતાપ ગીડા અને કેતન હડીયાને ટ્રીપ આપી ભૂપેન્દ્રભાઇ પટેલને લૂંટી લેવા પ્લાન બનાવ્યો હતો.

પ્રતાપ ગીડા અને કેતન હડીયાએ લૂંટના પ્લાનમાં પોતાની સાથે મિથુન ઉર્ફે સેટી, પિન્ટુ અર્જુન ચૌધરી અને વિશાલ વાણીયાને સામેલ કરી લૂંટ ચલાવવા સુરત આવ્યા હતા. પાંચેય શખ્સોએ બે બાઇકની ચોરી કરી ભૂપેન્દ્રભાઇના પાડોશમાં રહેતી સીમાના ઘરે રોકાઇ રેકી કર્યા બાદ ગત તા.2 એપ્રિલના રોડ ભૂપેન્દ્રભાઇ પટેલના ઘરે રાત્રે ત્રાટકયા હતા ત્યારે તેમના હાથ-પગ બાંધી હત્યા કરી તમામ માલ-સામાન વેર વિખેર કર્યો હતો તેમના મકાનમાંથી રૂા.4 કરોડ નહી પરંતુ રૂા.4 લાખ જ મળ્યાની પાંચેય શખ્સોએ કબુલાત આપી છે.

ભૂપેન્દ્રભાઇએ પોતાના મકાનનો મોડે સુધી દરવાજો ન ખોલતા પાડોશમાં રહેતા મિશાલ બળવંતભાઇ પટેલ ડેલી કુદીને તપાસ કરતા ભૂપેન્દ્રભાઇ પટેલ બેઠક રૂમમાં નીચે પડેલા હતા અને તેઓના હાથ-પગ દોરી વડે બાંધેલા જોવા મળ્યા હતા તેમજ કબાટ ખુલ્લા હતા તમામ માલ-સામાન વેર વિખેર પડયો જોવા મળતા તેઓએ પોલીસને જાણ કરી હતી.ડુમસ પોલીસની સાથે તપાસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી સ્ટાફ જોડાયો હતો અને તેમના મકાનના સીસીટીવી કેમેરાની તપાસ કરતા પાંચ શખ્સોને ભાગતા જોવા મળ્યા હતા.ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે વાંઝગામથી પાંચેય શખ્સોને ઝડપી તેની પાસેથી બે પિસ્તોલ, બે બાઇક અને એક લાખ રોકડા તેમ આઠ મોબાઇલ મળી રૂા.2.46 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. પાંચેય શખ્સોની પૂછપરછ દરમિયાન તેઓએ મુંબઇના બદલાપુર હાઇ-વે પર આવેલા બંગલામાં રૂા.160 કરોડની લૂંટ કરવાનો પ્લાન બનાવી રેકી કરી હતી પરંતુ પૈસાની જરૂર હોવાથી પ્રથમ સુરતના ભૂપેન્દ્રભાઇ પટેલને ત્યાં લૂંટ ચલાવ્યા બાદ મુંબઇ ખાતેની લૂંટ ચલાવવાનું નક્કી કર્યુ હોવાની કબુલાત આપી છે.મેંદરડાના પ્રતાપ ગીડા અને સાવર કુંડલાના કેતન હડીયા સામે લૂંટ, અપહરણ અને હથિયાર સહિત અનેક ગુનામાં સંડોવાયેલા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.