Abtak Media Google News

સ્વ. રાજકુમારસિંહજી ક્રિપાલસિંહજી પરમાર મેમોરીયલ રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટ

કુલ 15 ટીમો વચ્ચે મહાસંગ્રામ જેવો માહોલ : વકીલોમાં ભારે ઉત્સાહનો માહોલ

સ્વ. રાજકુમારસિંહજી ક્રિપાલસિંહજી પરમાર મેમોરીયલ રાત્રી પ્રકાશ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જબરો રોમાંચ જોવા મળ્યો હતો. વકીલોએ ચોગ્ગા – છગ્ગા વરસાવતા આઈપીએલ જેવો માહોલ સર્જાયો હતો. રાજકોટ બાર એસોસિએશન અને વોઇસ ઓફ લોયર્સ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે સ્વ. રાજકુમારસિંહજી ક્રિપાલસિંહજી પરમાર મેમોરીયલ આયોજિત રાત્રી પ્રકાશ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ – 2023નું રાજકોટની ભાગોળે પરાપીપળીયા ગામ ખાતે ક્રિષ્ના ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

ત્રિ દિવસય ક્રિકેટ ટુર્નામેન્ટમાં સેમીફાઇનલ સહીત કુલ 15 મેચ અને અંતમાં ફાઇનલ મેચ યોજાયો હતો. કુલ 15 ટીમો વચ્ચે ક્રિકેટનો મહાસંગ્રામ ખેલાયો હતો. ટુર્નામેન્ટના પ્રારંભથી જ વકીલોમાં ભારે ઉત્સાહની હેલી જોવા મળી હતી.

ટુર્નામેન્ટના અંતિમ દિવસે પ્રથમ મેચ રેવન્યુ બાર ઇલેવન અને અમીધારા ઇલેવન વચ્ચે યોજાયો હતો. જેમાં રેવન્યુ બાર ઇલેવનનો વિજય થયો હતો. આ મેચમાં વિદિત ડોબરીયાને 3 ઓવરમાં 26 રન આપી 2 વિકેટ લેવા તેમજ 12 બોલમાં 22 રન કરવા માટે મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા. જે બાદ પ્રથમ સેમીફાઇનલ મેચ કલેકટર રેવન્યુ ઇલેવન અને ટીમ ઇન્ડિયા ઇલેવન વચ્ચે રમાયો હતો. જેમાં કલેકટર રેવન્યુ ઇલેવનનો વિજય થતાં કલેકટર રેવન્યુ ઇલેવનની ટીમ ફાઇનલમાં પહોંચી હતી. આ મેચમાં સાગર પટેલને 18 બોલમાં 38 રન કરવા તેમજ 3 ઓવરમાં 30 રન આપી 1 વિકેટ લેવા બદલ મેન ઓફ ધ મેચ જાહેર કરાયા હતા.

બીજો સેમીફાઇનલ મેચ રેવન્યુ બાર ઇલેવન અને એલ. એસ. એફ. (એ) ઇલેવન વચ્ચે રમાયો હતો. જેમાં રેવન્યુ બાર ઇલેવનનો વિજય થયો હતો. જેમાં નરેશ પટેલને 3 ઓવરમાં 17 રન આપી 3 વિકેટ લેવા તેમજ 12 બોલમાં 18 રન કરવા બદલ મેન ઓફ ધ મેચ જાહેર કરાયા હતા. આ જીત સાથે જ રેવન્યુ બાર ઇલેવનની ટીમ પણ ફાઇનલમાં પહોંચી હતી.

અંતિમ દિવસે પ્રિન્સિપાલ ડીસ્ટ્રીકટ જજ યુ. ટી. દેસાઈ, એડી. ડિસ્ટ્રિક્ટ જજ જે. ડી. સુથાર, એડી. ડિસ્ટ્રિક્ટ જજ બી બી જાદવ, એડી. ડિસ્ટ્રિક્ટ જજ એસ. વી. શર્મા, સિનિયર સિવિલ જજ એસ સી મકવાણા, સિનિયર સિવિલ જજ વાય બી ગામીત, સિનિયર સિવિલ જજ એ પી ડેર, સિનિયર સિવિલ જજ એન એન દવે, સિનિયર સિવિલ જજ બી કે દાસુંદી, સિનિયર સિવિલ જજ ટી જે દેવડા, સિનિયર સિવિલ જજ કે એમ ગોહેલ, સ્મોલ કોઝ કોર્ટનાં જજ સી પી ચારણ તેમજ રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ લલિતસિંહ શાહી, ઉપપ્રમુખ એન જે પટેલ, સેક્રેટરી દિલીપ જોશી, લાઈબ્રેરી સેક્રેટરી જયદેવ શુક્લ ઉપરાંત સિનિયર ધારાશાસ્ત્રી રૂપરાજસિંહ પરમાર, તુલસીદાસભાઈ ગોંડલીયા, પી સી વ્યાસ, અશોકસિંહ વાઘેલા, રાજભા ઝાલા, ડી ડી મહેતા, પૂર્વ સરકારી વકીલ ગિરીશ ભટ્ટ, સરકારી વકીલ એસ કે વોરા, મુકેશ પીપળીયા, તરુણ માથુર સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.

ફાઇનલ મેચમાં કલેકટર રેવન્યુ ઇલેવન અને રેવન્યુ બાર ઇલેવન વચ્ચે કાંટે કી ટક્કર

ફાઇનલ મેચમાં કલેકટર રેવન્યુ ઇલેવન અને રેવન્યુ બાર ઇલેવનની ટીમ ટકરાઈ હતી. જેમાં કલેકટર રેવન્યુ ઇલેવનની ટીમે પ્રથમ દાવ લેતા 86 રનનો સ્કોર ખડક્યો હતો. જેનો પીછો કરતાં અંતિમ ઓવરમાં રેવન્યુ બાર ઇલેવનની ટીમને વિજય મળ્યો હતો. રેવન્યુ બાર ઇલેવને 7 વિકેટે મેચ જીત્યો હતો પણ મેચ અંતિમ ઓવર સુધી ચાલતા ભારે રોમાંચ જોવા મળ્યો હતો.

ટુર્નામેન્ટના શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ખેલાડીઓને સન્માનિત કરાયાં

ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ખેલાડીઓને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. બેસ્ટ બેટ્સમેન તરીકે જયદીપ મારકણાં, બેસ્ટ બોલર તરીકે વિદિત ડોબરીયા તેમજ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ તરીકે પણ જયદીપ મારકણાને નવાજવામાં આવ્યા હતા. ઉપરોક્ત બંને ખેલાડીઓ રેવન્યુ બાર ઇલેવનમાંથી રમ્યા હતા.

‘અબતક’ના જીવંત પ્રસારણને અભૂતપૂર્વ પ્રતિસાદ : રાજ્યભરમાંથી વકીલોએ લાઈવ નિહાળ્યું

ત્રી દિવસય ક્રિકેટ ટુર્નામેન્ટના તમામ મેચ અબતક મીડિયાના ડિજિટલ માધ્યમ થકી જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટ અબતકના લાઈવ માધ્યમથી રાજ્યભરના વકીલો અને તેમના પરિવારો સહીત લખો લોકોએ માણ્યો હતો. અબતકના લાઈવ માધ્યમ પરથી જીવંત મેચ નિહાળી ઠેર ઠેરથી આયોજકો તેમજ અબતક મીડિયાના પ્રતિનિધિઓ પર શુભેચ્છાઓબો ધોધ વરસ્યો હતો. ઉલ્લેખનીય છે કે, કદાચ ગુજરાત બાર એસોસિએશનના ઇતિહાસના પ્રથમવાર કોઈ ક્રિકેટ ટુર્નામેન્ટનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ ઘટના ઐતિહાસિક બની ગઈ હતી.

બાર અને બેન્ચ વચ્ચે યોજાયો ફ્રેન્ડલી મેચ

રાજકોટ બાર એસોસિએશન વતી એલ. એસ. એફ. (બી) ઇલેવન અને જજીસ ઇલેવન વચ્ચે ફ્રેન્ડલી મેચ રમાયો હતો. જેમાં જજીસ પણ બેટ અને બોલ પકડીને ચોગ્ગા છગ્ગા વરસાવતા નજરે પડ્યા હતા. રોમાંચક મેચમાં અંતે એલ. એસ.એફ. ઇલેવનનો વિજય થયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.