સોનાની નગરી દ્વારિકાને લોઢાની મેખ ‘ગેરકાયદે દબાણો’

સરકારે કરેલા ‘વિકાસ કામો’નો ગેરલાભ લેવા ભૂમાફિયાઓ પણ મેદાને

વહીવટી તંત્રની નિંભરતાથી દબાણકારો બેફામ બન્યા

પહેલા ઝુંપડા કરી કે કેબીન મુકી દબાણ કરી લેવાય પછી પાકા બાંધકામ કરી લેવાય

યાત્રાધામોમાં મહત્વનું સ્થાન ધરાવતા દ્વારકામાં સ્થાનિક વહિવટી તંત્રની બેદરકારીના કારણે ઠેર ઠેર સરકારી જમીનો પર ગેરકાયદે દબાણો થઈ રહ્યાં છે. ઘણી જમીનો પર દબાણો કરી પાકા બાંધકામ કરી લેવાય તો કેટલીક જગ્યાએ કાચા મકાનના દબાણો થઈ ગયા છે. સ્થાનિક વહીવટી સત્તાવાળાઓની બેદરકારી કે દબાણકારો સામે આંખ મીંચામણાના કારણે બેફામ ગેરકાયદે દબાણો થઈ રહ્યાં છે.

નગરમાં કરોડોના ખર્ચે વિકાસ કામો થયા છે, થઈ રહ્યાં છે ત્યારે ભૂમાફીયા મેદાને પડ્યા હોય તેમ સરકારી જમીન પર બેરોકટોક દબાણો કરી રહ્યાં છે. સોનાની નગરી દ્વારકા નગરી કહેવાય છે એમાં પણ દ્વારકા યાત્રાધામ હોય છેલ્લા એક દાયકાથી દ્વારકામાં કરોડો રૂપિયાના વિકાસના કામો થયા છે દિવસેને દિવસે યાત્રાધામ દ્વારકામાં યાત્રિકોનો ધસારો વધતો જાય છે ત્યારે સરકારની લાખો કરોડો રૂપિયાની કિમતી જમીનો ઠેક ઠેકાણે ખુલ્લી પડી છે. છેલ્લા થોડા સમયથી ભુમાફિયાઓ જાણે મેદાનમાં ઉતર્યા હોય એમ ઠેક ઠેકાણે જયા જ્યા ખુલ્લી જગ્યાઓ દેખાય ત્યા પ્રથમ ગેરકાયદે લાકડાની કેબીનો મુકી દબાણો કરે છે તંત્ર ધટના સ્થળે ફરકે નહી અથવા દબાણ હટાવવાની નોટિસો અથવા દબાણ હટાવવા ન આવેતો તો પાકા બાંધકામો કરી દબાણો કરી સરકારની લાખો કરોડોની જમીનમાં વહેચી મારવાનો કારસો ભુમાફિયાઓ ચલાવી રહ્યા છે. ઉચ્ચ અધિકારીથી માંડી સ્થાનિક સમગ્ર તંત્રને જાણ હોવા છતા કુભકર્ણની નિંદ્રામાં હોય એમ આખ આડા કાન કરી રહ્યું છે.

મેઇન હાઇવે પર જ ગેકાયદે દબાણો

દ્વારકાના નેશનલ હાઇવે કહેવાતો ઇસ્કોનગેટથી રૂપેણ બંદર સુધીમાં રોડ ટચની બેફામ દબાણો દિવસેને દિવસે વધતા જતા હોય છે ત્યાથીજ સરકારી બાબુઓની ગાડીઓ પસાર થતી હોય છે. દ્વારકા ઇસ્કોટ ગેટથી લઈ છેક રૂપેણ બંદર સુધીમાં સરકારની કરોડો રૂપિયાની જમીનોમાં દબાણો થઈ ગયા છે તેમજ અન્ય ઠેકઠેકાણે ગેરકાયદ દબાણોનો રાફડો છે ત્યારે તંત્ર દ્વારા દબાણ હટાવા ઝુંબેશ હાથ ધરવામાં આવશે કે નહી કે પછી સોનાની નગરી દ્વારકામાં ભુમાફીયાઓ દ્વારા દબાણો વધારતા રહેશે તે આવનારા સમયમાં ખબર પડશે.