અમરેલીમાં મત ગણતરીને લઈ તંત્ર દ્વારા ઈવીએમના સ્થળે લોખંડી સુરક્ષા

સીસીટીવીથી રખાતી બાજ નજર, મતગણતરી માટે ગુરૂવારે સવારે વીડિયોગ્રાકી સાથે સ્ટ્રોંગરૂમ ખોલાશે

સાવરકુંડલા, રાજુલા અને અમરેલી સીટમા બુથની સંખ્યા વધુ હોય 22 રાઉન્ડ સુધી મતગણતરી ચાલશે

અમરેલી જિલ્લામા પાંચ વિધાનસભા સીટ માટે મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે. હાલ તમામ ઇવીએમને અમરેલીની પ્રતાપરાય આર્ટ્સ કોલેજ ખાતે સીટ દીઠ બનાવાયેલા અલગ અલગ પાંચ સ્ટ્રોંગરૂમમા સીલ કરી દેવાયા છે. આ સ્ટ્રોંગરૂમ આસપાસ કોઇ વ્યકિતને પ્રવેશ આપાતો નથી.

આ ઉપરાંત સ્ટ્રોંગરૂમની સજ્જડ સુરક્ષા માટે પ્રતાપરાય આર્ટ્સ કોલેજ ખાતે શ્રીલેયર સિકયોરીટી ગોઠવવામા આવી છે. અહિં ચૂંટણી ફરજની કામગીરી કરતા કર્મચારીઓને પણ આ થ્રીલેયર સિકયોરીટીમાંથી પસાર થવુ પડે છે. વિવિધ રાજકીય પક્ષના ઉમેદવારોના પ્રતિનિધિઓ ચકાસણી માટે જરૂર આવી શકે છે. પરંતુ તમન પણ કોલેજની અંદરની બિલ્ડીંગમા પ્રવેશ નથી. બહારની તરફ તેમને સ્ટ્રોંગરૂમ સામે ગોઠવેલા સીસીટીવી મારફત સ્ટ્રોંગરૂમના દ્રશ્યો બતાવવામા આવે છે. ત્યારે આગામી તા.8ના રોજ મતગણતરીના દિવસે સવારે ઓબ્ઝર્વર અને આર.ઓની હાજરીમા વીડિયોગ્રાફી સાથે સ્ટ્રોંગરૂમ ખોલવામાં આવશે.

બાદમાં કોલેજમા પાંચ અલગ અલગ સ્થળે પાંચ સીટની ગણતરી કરવામા આવશે. દરેક વિધાનસભા સીટની ગણતરી માટે 14- 14 ટેબલ ગોઠવાશે અને દરેક રાઉન્ડમા એકસાથે 14 ઇવીએમ સ્ટ્રોંગરૂમમાથી બહાર કાઢવામા આવશે. ટેબલ પર જ ઉમેદવારોના પ્રતિનિધિઓ સામે ઇવીએમનુ સીલ ખોલવામા આવશે અને એક પછી એક બટન દબાવી કયા ઉમેદવારને કેટલા મત મળ્યાં છે? તેની ગણતરી કરવામા આવશે. ઇવીએમમા જે ઉમેદવારના જેટલા મત દર્શાવાય તેની અલગ પત્રકમા નોંધ કરી પ્રથમ રાઉન્ડ પૂર્ણ થશે. ત્યારબાદ સ્ટ્રોંગરૂમમાથી બીજા 14 ઇવીએમ મંગાવાશે. આ રીતે એક પછી એક રાઉન્ડની ગણતરી કરાશે. જેમાં સાવરકુંડલા, રાજુલા અને અમરેલી સીટમા બુથની સંખ્યા વધુ હોય 22 રાઉન્ડ સુધી મતગણતરી ચાલવાની છે. જયારે ધારી સીટ પર 20 રાઉન્ડ સુધી અને લાઠી સીટ પર 18 રાઉન્ડ સુધી મત ગણતરી ચાલશે.

પ્રતાપરાય આર્ટ્સ કોલેજમાં ધારી અને લાઠી બેઠકની મત ગણતરી ઉપરના માળે હાથ ધરવામા આવશે. જયારે અમરેલી, સાવરકુંડલા અને રાજુલા સીટની મત ગણતરી નીચેના માળે હાથ ધરવામા આવશે. મોટાભાગે બપોરના 1 થી 2 વાગ્યા સુધીના સમયગાળા મા તમામ સીટની ગણતરી પૂર્ણ થાય તેવું અનુમાન છે. તો બીજી તરફ દરેક ટેબલ પર મત ગણતરી સુપરવાઇઝર, મત ગણતરી મદદનીશ અને માઇક્રો ઓબ્ઝર્વર અને એક પટ્ટાવાળા એમ ચાર કર્મચારી રહેશે. આ ઉપરાંત આરઓ, ઓબ્ઝર્વર સહિત અધિકારીઓ અને અન્ય સ્ટાફ મળી 100થી વધુ કર્મચારી, અધિકારીઓ કામ કરશે. 5 સીટ પર 550થી વધુ કર્મચારી, અધિકારી મત ગણતરીમા રોકાશે. આ ઉપરાંત મત ગણતરીના સ્થળે દરેક ટેબલ પર ઉમેદવારના મત ગણતરી એજન્ટ માટે સામેના ભાગે જગ્યા ફાળવવામા આવશે. ગણતરી કરતા કર્મચારીઓ ઇવીએમમા ડિસ્પલે થતા મત આ એજન્ટોને બતાવશે. ગણતરીની શરૂઆત સૌપ્રથમ પોસ્ટલ બેલેટથી કરવામા આવશે. જેની ગણતરી અલગ કર્મચારીઓ દ્વારા કરાશે.