Abtak Media Google News

મુખ્યમંત્રીનો પડધરી તાલુકાના ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય

જળાશયમાંથી પાણીનો ર૦૦ એમસીએફટી જથ્થો ખેડૂતોને સિંચાઇ માટે ફાળવાશે : મેટોડા-સરપદડ-બોડીઘોડી ગામોના કમાન્ડ વિસ્તાર બહારના ધરતીપુત્રોની વર્ષો જુની સિંચાઇ સમસ્યાનું નિવારણ આવશે

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ નિર્ણાયક નેતૃત્વના આગવા અભિગમની પ્રતીતિ કરાવતાં રાજકોટ જિલ્લાની ન્યારી-ર સિંચાઇ યોજનાના પાણીનો લાભ સિંચાઇ માટે વધુ ૧પ૭ હેકટર વિસ્તારને આપવાનો કિસાન હિતકારી નિર્ણય કર્યો છે.મુખ્યમંત્રીના આ નિર્ણયને પરિણામે રાજકોટ જિલ્લાના મેટોડા, સરપદડ અને બોડીઘોડી ગામોના ન્યારી યોજનાના કમાન્ડ વિસ્તાર બહારના જે ખેડૂતપુત્રો સિંચાઇ પાણીથી વંચિત રહી ગયેલા છે તેમને હવે ન્યારી-ર ના પાણીનો ર૦૦ એમ.સી.એફ.ટી જેટલો પાણીનો જથ્થો સિંચાઇ સુવિધા માટે ઉપલબ્ધ થશે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ વિસ્તારના કિસાનોની સિંચાઇ માટેના પાણીની વર્ષોજૂની સમસ્યાનું નિવારણ લાવતાં ન્યારી-ર જળાશયમાં રાજકોટ મહાનગર પાલિકા માટે અનામત રાખવામાં આવતો ર૦૦ એમ.સી.એફ.ટી જથ્થો હવે, ખેડૂતોને સિંચાઇ માટે પૂરતું પાણી મળે તે માટે આપવાનો સંવેદનાસ્પર્શી નિર્ણય કર્યો છે.

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના રંગપર પાસે ૧૯૮૬માં ન્યારી નદી પર નિર્માણ થયેલ આ ન્યારી-ર યોજનાની કુલ સંગ્રહશક્તિ ૪૩ર મીલીયન ઘનફૂટ છે અને કેનાલો મારફતે ૧૩૯૦ હેકટર વિસ્તારમાં સિંચાઇનું આયોજન કરવામાં આવેલું છે. પ્રવર્તમાન સ્થિતીએ ન્યારી-ર સિંચાઇ યોજનાના કમાન્ડ વિસ્તારના મેટોડા, રંગપર, સરપદડ, બોડીઘોડી, પાટી-રામપર તથા વણપરીના કુલ છ ગામોના ૧૦૯પ હેકટર વિસ્તારને સિંચાઇ લાભ પ્રાપ્ત થાય છે. મુખ્યમંત્રીવિજયભાઇ રૂપાણીએ હવે વધુ ૧પ૭ હેકટર વિસ્તારને ન્યારી-ર સિંચાઇ યોજનામાંથી સિંચાઇ માટે પાણી આપવાના કરેલા સંવેદનાસ્પર્શી નિર્ણયથી ખેડૂતોના ખેત ઉત્પાદનમાં વૃદ્ધિ થશે અને રાષ્ટ્રીય ઉત્પાદનમાં વધારો થવાથી કિસાનોની આવક બમણી કરવાનો ઉમદા હેતુ પાર પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.