- ક્લીયરિંગ, રિસેકસનિંગ અને ડીસીલ્ટિંગની કામગીરી દરમિયાન ૧૦૪૨૧૫૦ ઘનમીટર માટી કાઢવામાં આવી
- લાંબાગાળાના દ્રષ્ટિકોણથી રૂ. ૮૦ કરોડના ખર્ચે ‘આજવા બેરેજ’ નિર્માણનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું
વડોદરા શહેરને વિશ્વામિત્રી નદીના પૂરથી બચાવવા માટે સિંચાઇ વિભાગ દ્વારા મારેઠા થી પિંગલવાડા સુધી ૨૫.૭૫ કિ. મી. નદીની ક્લીયરીંગ, રીસેકસનીંગ અને ડીસીલ્ટીંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ કામગીરી અંતર્ગત આશરે ૧૦૪૨૧૫૦ ઘનમીટર માટી કાઢવામાં આવી છે. આ માટી વડોદરા, કરજણ અને પાદરા તાલુકાના વિવિધ ગ્રામ પંચાયતોમાં તેમની માંગ મુજબ વિતરણ કરવામાં આવી છે.
ગત વર્ષે આવેલા પૂર બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિવારાત્મક પગલાં લેવા માટે રાજ્ય સરકારના વિવિધ વિભાગોને તાકીદ કરી હતી અને જરૂરી ગ્રાંટ ફાળવવા માટે આદેશો કરી હતી. એ બાદ મુખ્યમંત્રીએ વડોદરા શહેરમાં એક ઉચ્ચસ્તરીય બેઠક યોજી વિશ્વામિત્રી રિજુવેનાઇઝેશન કામગીરીની સમીક્ષા કરી હતી અને સ્થળ ઉપર જઇ કામગીરી નિહાળી હતી. મંત્રી કુંવરજીભાઇ બાવળિયા તથા પ્રભારી મંત્રી હર્ષભાઇ સંઘવીએ પણ સતત સમીક્ષા કરી છે.
શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની જળવહન ક્ષમતા વધારવાની કામગીરી વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે. જ્યારે, નદીના શહેર બહારના ભાગમાં રાજ્ય સરકારના સિંચાઇ વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી છે. તેમ કાર્યપાલક ઇજનેર મેહુલ ચૌધરી દ્વારા જણાવાયું હતું.
નદીમાં જોડાતી મુખ્ય કાંસોની સફાઈનું પણ વિશાળ અભિયાન હાથ ધરાયું છે. બીલ-ચાપડ, વરણામા-ઢાઢર, વડસલા-ઇટોલા, હંસાપુરા-પાતરવેણી અને રૂપારેલ કાંસ સહિત કુલ ૧૪ કિ.મી. લાંબી સફાઈ કામગીરી પૂરી કરાઈ છે. ઉપરાંત, જાંબુવા કોતર વિસ્તારમાં ૧૬ કિ.મી. સફાઈ કાર્ય પણ ૧૫ જૂન સુધી પૂર્ણ કરવાનું આયોજન છે.
ટુંકાગાળાના પગલાંરૂપે વિશ્વામિત્રી નદી પર કુલ ૬ ચેકડેમનું નિર્માણ, રીપેરીંગ થવાનું હતું. જેમાંથી ૫ ચેકડેમ રૂ. ૮૪ લાખના ખર્ચે પૂર્ણ કરવામાં આવ્યા છે અને બાકીના ૧ ચેકડેમની પ્રગતિ હેઠળ છે. પંચાયત સિંચાઈ વિભાગ દ્વારા સૂચિત કુલ ૮ ચેકડેમમાંથી ૪ ચેકડેમની કામગીરી રૂ. ૧૧૮.૧૭ લાખના ખર્ચે પૂર્ણ થઈ ચૂકી છે. બાકીના ૪ ચેકડેમનું રીપેરીંગ કાર્ય ૧૫ જૂન સુધીમાં પૂર્ણ થવાનું છે.
વિશિષ્ટ કામગીરી તરીકે નદીના પ્રવાહને સરળ બનાવવા માટે ખલીપુર અને કારલી નજીકના વિસ્તારોમાં નદી માટે આપેલ સેકશન કરતાં વિશાળ સેકશન બનાવવામાં આવ્યા છે. બુલેટ ટ્રેનના નિર્માણ દરમિયાન વિશ્વામિત્રી નદી પર ૭ જગ્યાએ કરાયેલા ડાયવર્ઝનને દુર કરવા માટે સિંચાઈ વિભાગ દ્વારા પત્ર મોકલવામાં આવ્યા છે, અને પ્રોજેક્ટના અધિકારીઓએ ચોમાસા પહેલા એ ડાયવર્ઝન દૂર કરવાની ખાતરી આપી છે.
આ કામગીરી સિંચાઇ વિભાગ માટે પડકારજનક હતી. કારણ કે, નદીને પહોળી કરવા માટે કિનારા સુધી જવા માટે રસ્તા નહોતા. ઝાડી હતી. આવા સંજોગોમાં પ્રથમ મશીનો સાથે કિનારા સુધી પહોંચવા માટે કાચા રસ્તા બનાવવા પડ્યા હતા. નદીમાં રહેલા જળચર જીવજંતુઓના સંરક્ષણ માટે મગરનાં દરો જેવી સંવેદનશીલ જગ્યાઓ પર વન વિભાગ તથા વોલેન્ટીયરોનાં માર્ગદર્શન હેઠળ જાળવણી સાથે છોડાઈ છે. લાંબાગાળાના દ્રષ્ટિકોણથી રૂ. ૮૦ કરોડના ખર્ચે ‘આજવા બેરેજ’ નિર્માણનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે, જે હાલમાં મંજુરી પ્રક્રિયામાં છે.