Abtak Media Google News

કરદાતાઓએ ભરેલા કરની રકમ યોગ્ય જગ્યાએ વાપરવી એ સરકારનો ધર્મ : અતિ ગરીબ લોકોને મદદ જરૂરી, પણ સક્ષમને મદદ કરવી અયોગ્ય

કરદાતાઓએ ભરેલા કરની રકમ યોગ્ય જગ્યાએ વાપરવી એ સરકારનો ધર્મ અને ફરજ છે. ખરેખર મદદ એવા લોકોને અપાઈ જે ગરીબમાં ગરીબ હોય, નહિ કે સક્ષમ હોય તેવા લોકોને. જેને જરૂર છે તેવા લોકોને મદદ કરી પ્રોટેક્ટ કરવા જરૂરી છે. પણ સક્ષમને મદદ કરીને પ્રોટેક્ટ કરવાથી તેઓ આળસુ બની જાય છે. જેનાથી દેશની ઉત્પાદકતામાં ન પુરી શકાય તેવી ખોટ પડી શકે તેમ છે. પ્રજા પણ મફતને ભેટ માની લ્યે છે. પણ તે પ્રજાના ખભ્ભે જ બોજ વધારે છે.

અત્યારના સમયમાં અનેક રાજકીય પક્ષોએ મફતની લ્હાણીની જાહેરાતોનો જાણે ટ્રેન્ડ બનાવી દીધો છે. આડેધડ જાહેરાતો કરવામાં આવે છે. જેની પાછળ માત્રને માત્ર એક જ કારણ હોય છે પ્રજાને આકર્ષિત કરવી. પ્રજાને આકર્ષિત કરી તેના મત મેળવવા રાજકીય પક્ષો અર્થતંત્રને નુકસાનકારક એવી મફતની રેવડીનું વિતરણ કરવાની બેફામ જાહેરાત કરે છે. પણ આવું કરવાથી પ્રજાની જ હેરાનગતિ વધવાની છે તેનાથી પ્રજા વાકેફ નથી.

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે રાજકીય પક્ષો મતદારોને રીઝવવા માટે મફતમાં આપવાની જાહેરાતો કરે છે. જે પ્રજાને મત મેળવવા માટે અપાયેલી એક પ્રકારની લાલચ કહી શકાય. તેને મત માટે રીશ્વત આપી હોવાનું પણ ગણી શકાય. અમુક નિષ્ણાંતો ચૂંટણી જીતવા માટે થયેલી મફતમાં આપવાના વાયદાની જાહેરાતો ને ભ્રષ્ટાચાર તરીકે પણ મૂલવે છે. નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે મફતમાં અપાતી વસ્તુઓ અર્થતંત્રને ઘણું નુકસાન કરે છે. જેનું ઉદાહરણ શ્રીલંકા અને પાકિસ્તાન પણ છે. જો કે આ ઘટના અંગે હવે સુપ્રીમ કોર્ટ પણ ગંભીર છે.

ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષોની મફતની લ્હાણી અટકાવવા સુપ્રીમનો કેન્દ્રને આદેશ

દેશમાં ચૂંટણી દરમિયાન મફત વસ્તુઓનું વિતરણ કરવાનું વચન આપનાર રાજકીય પક્ષોની માન્યતા રદ કરવા સુપ્રીમ કોર્ટ સમક્ષ માંગ કરાઈ છે. આના પર, સુપ્રીમ કોર્ટે કેન્દ્રને નાણાં પંચ પાસેથી જાણવા માટે કહ્યું કે શું પહેલાથી જ દેવામાં ડૂબેલા રાજ્યમાં મફત યોજનાઓના અમલીકરણને રોકી શકાય છે? વધુમાં કેન્દ્રને આ મફતની લ્હાણીને રોકવાના પગલાં ભરવા પણ કહ્યું હતું.

સુપ્રીમ કોર્ટે મંગળવારે મુક્ત ચૂંટણી વચનો વિરુદ્ધ દાખલ અરજી પર સુનાવણી કરી.  કોર્ટે કેન્દ્રને જવાબ માંગતી નોટિસ સાથે વધુ સુનાવણી 3 ઓગસ્ટના રોજ નિયત કરી છે. એપ્રિલમાં આ અરજીની સુનાવણી દરમિયાન ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે ચૂંટણી પહેલા કે પછી મફત ભેટ આપવી એ રાજકીય પક્ષોનો નીતિગત નિર્ણય છે.  તે રાજ્યની નીતિઓ અને પક્ષો દ્વારા લેવામાં આવતા નિર્ણયોને નિયંત્રિત કરી શકતા નથી.

પંચે કહ્યું કે આવી નીતિઓની નકારાત્મક અસરો શું છે?  તેઓ આર્થિક રીતે સક્ષમ છે કે નહીં?  આ નક્કી કરવાનું કામ મતદારોનું છે.  કમિશને તેના સોગંદનામામાં કહ્યું હતું કે ચૂંટણી પહેલાં અથવા પછી કોઈપણ મફત સેવાની ઓફર/વિતરણ એ સંબંધિત પક્ષનો નીતિગત નિર્ણય છે અને શું આવી નીતિઓ આર્થિક રીતે સધ્ધર છે કે રાજ્યના આર્થિક સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર કરે છે. , રાજ્યના મતદારોએ આ પ્રશ્નનો વિચાર કરીને નિર્ણય લેવો જોઈએ.

એડવોકેટ અશ્વિની કુમાર ઉપાધ્યાય દ્વારા દાખલ કરવામાં આવેલી પીઆઈએલના જવાબમાં ચૂંટણી પંચે આ એફિડેવિટ દાખલ કરી હતી.  પિટિશનમાં દાવો કરવામાં આવ્યો હતો કે ચૂંટણી પહેલા અતાર્કિક મફત અથવા જાહેર નાણાંનું વિતરણ મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીના મૂળને હચમચાવે છે.  ચૂંટણી પ્રક્રિયાની ચોકસાઈને નબળી પાડે છે.  પક્ષોએ શરત રાખવી જોઈએ કે તેઓ જાહેર ભંડોળમાંથી વસ્તુઓ મફતમાં વહેંચશે નહીં અથવા તેનું વચન આપશે નહીં.

  • કેજરીવાલની “દિલ્હીવાળી” ગુજરાતમાં ચાલશે ?
  • દિલ્હીમાં 300 યુનિટથી ઓછો વપરાશ કરતા માત્ર 14 લાખ કનેક્શન, જ્યારે ગુજરાતમાં આવા 1.21 કરોડ કનેકશન

Whatsapp Image 2022 07 27 At 2.02.02 Pm

300 યુનિટ મફત વીજળી પૂરી પાડવાની આમ આદમી પાર્ટીની જાહેરાતનો સામનો કરવા માટે ભાજપ સરકાર હવે અહેવાલ સાથે પ્રજા સમક્ષ આવવાની તૈયારી કરી રહી છે. એવું માનવામાં આવી રહ્યું છે કેજરીવાલની દિલ્લીવાળી ગુજરાતમાં ચાલે તેમ નથી. કારણકે મફત વીજળીથી ગુજરાત ઉપર દર વર્ષે 7,700 કરોડ રૂપિયાનો નાણાકીય બોજ પડવાનો અંદાજ છે.

સૂત્રએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં કુલ 1.61 કરોડ ઘરગથ્થુ વીજ જોડાણોમાંથી, જેઓ દર મહિને 300 યુનિટ કરતાં ઓછી વીજળી વાપરે છે તેમની સંખ્યા લગભગ 1.21 કરોડ જેટલી છે.  “રાજ્ય સરકારે 1.21 કરોડ જોડાણોને મફત વીજળી આપવા માટે રૂ. 7,700 કરોડની વધારાની જોગવાઈ કરવી પડશે, બીજી તરફ સરકાર અગાઉથી જ  દર વર્ષે ખેડૂતોને 8,400 કરોડ રૂપિયાની કૃષિ પાવર સબસિડી આપે  જ છે.

દિલ્હી અને ગુજરાત માટે સમાન માપદંડ લાગુ કરવાનું શક્ય ન હોવાનું જણાવતા, સૂત્રોએ જણાવ્યું હતું કે દિલ્હીમાં 58.30 લાખ ઘરગથ્થુ વીજ જોડાણો છે, જેમાંથી માત્ર 14.10 લાખ જ દર મહિને 300 યુનિટ કરતાં ઓછી વીજળી વાપરે છે.  “ગુજરાતમાં સબસિડીનો બોજ બહુ વધારે છે એટલું જ નહીં, પરંતુ ગુજરાતમાં ફ્યુઅલ એડજસ્ટમેન્ટ ચાર્જીસ પણ દિલ્હી કરતા ઘણા ઓછા છે,” સૂત્રોએ જણાવ્યું હતું.

સૂત્રોનો દાવો છે કે રાજ્યની ભાજપ સરકારનું માનવું છે કે રાજકીય લાભ માટે આવી કોઈપણ વધારાની સબસિડીથી રાજ્યની તિજોરી અને કરદાતાઓ પર લાંબા ગાળાનો બોજ પડશે, જે લાંબા ગાળે ભાજપની રાજકીય સંભાવનાઓ માટે હાનિકારક સાબિત થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.