Abtak Media Google News

તમિલનાડુના તમામ મંદિરોમાં મોબાઈલ પર પ્રતિબંધ મુકતી હાઇકોર્ટ !!

મંદિરોની પવિત્રતા જાળવવા અને અમુક તત્વો દ્વારા મંદિરોમાં મોબાઈલ ફોન થકી કરતા ન્યુસન્સને અટકાવવા માટે મદ્રાસ હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. હાઇકોર્ટે આ મામલે અવલોકન કર્યું છે કે, અમુક તત્વો મંદિર પરિસરમાં મોબાઈલ થકી ઉપદ્રવ મચાવતા હોય છે જેને અટકાવવું ખૂબ જ જરૂરી છે ત્યારે હવે મંદિરોમાં મોબાઈલ લઈને પ્રવેશ આપવામાં આવશે નહીં.

મદ્રાસ હાઇકોર્ટની જસ્ટિસ આર. મહાદેવન અને જસ્ટિસ જે. સત્યનારાયણ પ્રસાદની ખંડપીઠે આ અવલોકન કરતા સ્પષ્ટ જણાવ્યું હતું કે, દેશભરના તમામ મંદિરોમાં મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ હોવો જોઈએ જેથી મંદિરોની પવિત્રતા જાળવી શકાય. જો કે, મદ્રાસ હાઇકોર્ટે આપેલો ચુકાદો હાલ તમિલનાડુ પૂરતું સીમિત છે પરંતુ ટૂંક સમયમાં આ નિર્ણયની અમલવારી  દેશભરમાં થાય તો પણ નવાઇ નહીં.

મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેન્ચે તમિલનાડુ સરકારને મંદિરની અંદર ભક્તોને મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ મૂકવાનો નિર્દેશ આપ્યો છે. રાજ્યમાં મંદિરોની પવિત્રતા જાળવવા માટે બેન્ચે આ આદેશ આપ્યો છે. મદ્રાસ હાઈકોર્ટે મંદિરોને લઈને તમિલનાડુ સરકારને આદેશ આપ્યો છે. મદ્રાસ હાઈકોર્ટે કહ્યું છે કે મંદિરોમાં ભક્તોના મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ હોવો જોઈએ. કોર્ટે શુક્રવારે આ ચુકાદો આપ્યો જેથી મંદિરોની અંદર પવિત્રતા જાળવી શકાય. પ્રશાસનને મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ મૂકવાની કડક સૂચના આપવામાં આવી છે અને શક્ય તેટલી વહેલી તકે આદેશોનું પાલન કરવામાં આવે.આ અંગે તમિલનાડુના સંબંધિત વિભાગોને આદેશ જારી કરવામાં આવ્યા છે. રાજ્ય ના તમામ મંદિરોમાં મોબાઈલ સંબંધિત નિયમો લાગુ કરવામાં આવશે. મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેંચે સ્વીકાર્યું કે તિરુચેન્દુર મંદિર પ્રશાસને પહેલાથી જ મંદિરોમાં મોબાઈલ પર પ્રતિબંધ મૂકવા માટે ઘણા પગલાં લીધાં છે. મંદિર પ્રશાસને એવી પણ અપીલ કરી છે કે ભક્તો તિરુચેન્દુર મંદિરમાં યોગ્ય વસ્ત્રો પહેરીને આવે.

વાસ્તવમાં તિરુચેન્દુર મંદિર તંત્રએ 14 નવેમ્બરથી એક નિયમ લાગુ કર્યો છે કે ભક્તો અને મંદિરમાં કામ કરતા લોકો મંદિરની અંદર મોબાઈલ ફોન લાવી શકતા નથી.  મોબાઈલ જમા કરાવવા માટે ટોકન સિસ્ટમ પણ શરૂ કરવામાં આવી છે. જો કોઈની પાસે મોબાઈલ મળી આવશે તો તેને જપ્ત કરી લેવામાં આવશે અને મોબાઈલ પરત કરવામાં આવશે નહીં તેવું જણાવવામાં આવ્યું છે. હવે મદ્રાસ હાઈકોર્ટે સમગ્ર તમિલનાડુમાં આ નિયમ લાગુ કરવાનો આદેશ આપ્યો છે. સંબંધિત વિભાગને આપવામાં આવેલા આદેશમાં હાઈકોર્ટે કહ્યું છે કે આ આદેશનું વહેલી તકે પાલન કરવામાં આવે. આ નિયમો તમિલનાડુ રાજ્યના તમામ મંદિરોમાં લાગુ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.