Abtak Media Google News

દાણાપીઠ વેપારી એસોસિએશનના પ્રમુખ સહિતના હોદ્ેદારોએ રોડ-રસ્તા, ગંદકી અને યુરિનલના પ્રશ્ર્ને મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનને કરી રજૂઆત

અબતક, રાજકોટ

સૌરાષ્ટ્રભરના વેપારીઓ જ્યાં ખરીદી કરવા માટે આવે છે તે શહેરના હાર્દસમા વેપારી પીઠ્ઠા દાણાપીઠમાં અસુવિધાઓનો કોઇ પાર નથી. છેલ્લા 15 વર્ષથી મુખ્ય બજારમાં રોડ પણ બનાવવામાં આવ્યો નથી. અસુવિધાઓથી ત્રાહિમામ પોકારી ગયેલા વેપારીઓ આજે રજૂઆત કરવા માટે કોર્પોરેશનની કચેરીએ ધસી આવ્યા હતા. મેયર ડો.પ્રદિપ ડવ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી. ટૂંક સમયમાં દાણાપીઠમાં રોડ સહિતની સુવિધાઓ પૂરી પાડવાની પદાધિકારીઓ દ્વારા ખાતરી આપવામાં આવી હતી.

ધી રાજકોટ દાણાપીઠ વેપારી એસોસિએશનના પ્રમુખ વિપીનભાઇ કેશરિયા, ઉપપ્રમુખ જતિનભાઇ બગડાઇ, સેક્રેટરી મહેશભાઇ મહેતા અને ખજાનચી દિનેશભાઇ મણવર સહિતના હોદ્ેદારોએ આજે દાણાપીઠમાં પ્રાથમિક સુવિધાના અભાવ અંગે મેયર ડો.પ્રદિપ ડવ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ સમક્ષ રજૂઆત કરતા એવો બળાપો ઠાલવ્યો હતો કે દાણાપીઠ વિસ્તાર જાણે કોર્પોરેશનની હદમાં આવતો ન હોય તે રીતે અહીં કોઇ જ સુવિધા પૂરી પાડવામાં આવતી નથી. દાણાપીઠમાં આજથી 15 વર્ષ પહેલા ડામર રોડ બનાવવામાં આવ્યો હતો. જે હવે તદ્ન બિસ્માર થઇ ગયો છે. અહીં સૌરાષ્ટ્રભરના વેપારીઓ ખરીદી કરવા માટે આવતા હોય છે. ખખડધજ રોડના કારણે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

પ્રતિદિન હજારોની સંખ્યામાં વાહનોની અવરજવર રહેતી હોય તાત્કાલીક અસરથી રોડ બનાવવાની પણ માંગણી કરવામાં આવી છે. દાણાપીઠમાં સફાઇ કામદારો દ્વારા વ્યવસ્થિત પણ સફાઇ કરવામાં આવતી નથી અને જ્યાં-ત્યાં ધૂળના ઢગલા કરી દેવામાં આવે છે જેના કારણે હવે થર જામી ગયા છે. વેપારીઓએ એવી પણ રજૂઆત કરી હતી કે અહીં આવેલો એક માત્ર જાહેર યુરિનલની કોઇ દિવસ સફાઇ કરવામાં આવતી નથી. જેના કારણે બેફામ ગંદકી ફેલાઇ રહી છે. વેપારીઓએ નાછૂટકે દરજી બજારમાં આવેલી મૂતરડી સુધી લાંબુ થવું પડે છે. શહેરના વોર્ડ નં.3માં આવેલી મુખ્ય બજાર દાણાપીઠ જાણે કોર્પોરેશનની હદમાં આવતો ન હોય તેવો વ્યવહાર અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. તાત્કાલીક અસરથી સુવિધાઓ પૂરી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.