શું વિધાર્થીઓની જેમ શિક્ષકો માટેનો ડ્રેસકોર્ડનો સમય પાકી ગયો છે?

શિક્ષકો ઉપરાંત બિનશેક્ષણિક કર્મચારીઓ માટે ડ્રેસકોર્ડ લાવવા શિક્ષણ બોર્ડના સભ્ય ડો.પ્રિયવદન કોરાટે દરખાસ્ત મૂકી

રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકો માટે ડ્રેસકોર્ડ લાવવા માટે દરખાસ્ત મુકાઈ છે. આજે શિક્ષણ બોર્ડની સામાન્ય સભા મળી હતી. શિક્ષકો ઉપરાંત બિનશેક્ષણિક કર્મચારીઓ માટે ડ્રેસકોર્ડ લાવવા  શિક્ષણ બોર્ડના સભ્ય ડો.પ્રિયવદન કોરાટે દરખાસ્ત મૂકી છે. જો કે અમુક શિક્ષકોના વાંકે બધાને ડ્રેસકોર્ડ ફરજીયાત થશે? શિક્ષણ એક પવિત્ર કાર્ય છે અને તેમાં ફરજ બજાવતા શિક્ષકો અનુરૂપ કપડાં પહેરે તે જરૂરી છે અને વિધાર્થીઓ તમામ વસ્તુ શિક્ષકો પાસેથી શીખતાં હોય છે ત્યારે હવે શું વિધાર્થીઓની જેમ શિક્ષકો માટેનો ડ્રેસકોર્ડનો સમય પાકી ગયો છે?

ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ શિક્ષકોના પહેરવેશને લઈને પરિપત્રો બહાર પડયા હતા તેમાં વિવાદ ઉભા થયા હતા અને તેના પગલે ભારે વિરોધ પણ થયો છે. 2015માં મહેસાણા જિલ્લામાં એક વર્ષ પહેલા ડીપીઈઓ દ્વારા તમામ પ્રાથમિક સ્કૂલની મહિલાઓને ફરિજયાત સાડી પહેરીને જ આવવા માટે આદેશ કર્યો હતો. આ આદેશને લઈને વિવાદ ઊભો થયો હતો. ત્યારબાદ રાજ્યના શિક્ષણ વિભાગને તેમાં દખલ કરવાની ફરજ પડી હતી અને ત્યારબાદ મહેસાણા ડીપીઈઓ દ્વારા મહિલાઓને ફરજિયાત સાડી પહેરવાનો આદેશ પરત ખેંચવાની ફરજ પડી હતી.

જો કે આજે હવે શિક્ષણ બોર્ડની બેઠક મળી હતી તેમાં આ મામલે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ડો.પ્રિયવદન કોરાટે ડ્રેસકોર્ડ સિવાય પણ અન્ય ઘણા પ્રશ્નો મામલે દરખાસ્ત મૂકી છે. જેમાં કમ્પ્યુટરની ફીમાં 50થી વધુ કરી 400 રૂપિયા રાખવાની માંગ કરી છે. આ સિવાય જે કોઈ નવી સ્કૂલ શરૂ કરવા માંગતા હોય પણ ગ્રાઉન્ડની સુવિધા ઉપલબ્ધ ના હોય તો નજીકની સ્કૂલ જે ગ્રાઉન્ડ માટે મંજૂરી આપે તો નવી સ્કૂલ શરૂ કરવા મંજૂરી મળે તેની દરખાસ્ત પણ મુકાઈ છે. ત્યારે હવે તમામ દરખાસ્તને લઈ શું નિર્ણય આવે બધા ને મીટ છે.

શિક્ષક ભાઈ-બહેનો શાળા ફરજ દરમિયાન અનુરૂપ કપડાં પહેરે: ડો.પ્રિયવદન કોરાટ

સમગ્ર મામલે અબતક મીડિયા દ્વારા ડો.પ્રિયવદન કોરાટે જણાવ્યું હતું કે, શિક્ષણ એક પવિત્ર કાર્ય છે તેમાં ફરજ બજાવતા શિક્ષક ભાઈઓ-બહેનો અનુરૂપ કપડાં પહેરે તે જરૂરી બન્યું છે. કેમ કે વિધાર્થીઓ શિક્ષકો પાસેથી જ તમામ વસ્તુઓ શીખતાં હોય છે. પોરબંદરથી મને એક રજૂઆત આવી હતી કે, ઘણા શિક્ષકો કાબર ચિતરા કપડાં પહેરીને ભણાવા આવે છે જેથી દરખાસ્ત કરી છે. વધુમાં તેઓએ જણાવ્યુ હતું કે, જે સ્કૂલોમાં કોઈ કહેવા વાળું નથી તેવી સ્કૂલોમાં ઘણા ખરા શિક્ષકો મનઘડત કપડાં પહેરતા હોય તેવું સામે આવ્યું છે. એટલે મારી માંગ ફક્ત એટલી જ છે કે શિક્ષકો શિક્ષકોને શોભે તેવા અનુરૂપ કપડાં પહેરે તે જરૂરી બન્યું છે.