Abtak Media Google News

સર્વોચ્ચ અદાલતે સામાન્ય વર્ગના ગરીબ લોકો માટે અનામતની વ્યવસ્થા પર પોતાની મંજૂરીની મહોર મારી દીધી છે.  પ્રથમ દૃષ્ટિએ આ નિર્ણય વ્યાજબી જણાય છે.  પણ હકીકત તો એ છે કે અનામતની કાખઘોડી ન માત્ર સામાન્ય વર્ગ પણ બીજા કોઈને પણ ન પકડાવી જોઈએ. અનામત જ્ઞાતિ જાતિ આધારિત નહિ, સ્થિતિ આધારિત હોવી જોઈએ.

તેમાં કોઈ શંકા નથી કે ઉચ્ચ જાતિઓમાં પણ આર્થિક રીતે નબળા એટલે કે ગરીબોની સંખ્યા ઘણી મોટી છે. એમાં કોઈ શંકા નથી કે પરિવારની આર્થિક સ્થિતિ શૈક્ષણિક અને નોકરીની તકો મેળવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે.

આજકાલ દરેક પરીક્ષા ટ્યુશન અને કોચિંગ પર આધારિત છે. આર્થિક નબળા માતા-પિતાને સંતાન માટે મોંઘા કોચિંગ પરવડી શકતા નથી, તો ઉચ્ચ શિક્ષણ અને નોકરીની પરીક્ષાઓમાં સફળ થવાની સંતાનની તકો ઘણી ઓછી થઈ જાય છે.  દેખીતી રીતે, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો સિવાય, સામાન્ય વર્ગના ગરીબ પરિવારોના બાળકો માટે કેટલીક વ્યવસ્થા કરવી જરૂરી છે.

અનામત એ ગરીબીના રોગની યોગ્ય દવા છે?  આ સવાલ અત્યારે ઉદ્દભવીત થઈ રહ્યો છે. તો તેનો જવાબ ના છે. કારણકે અનામતના મુદ્દે પહેલેથી જ ઘમાસાણ ચાલી રહ્યા છે. અગાઉ ડો. બાબા સાહેબ આંબેડકરે જે અનામતનો વિચાર મુક્યો હતો. તે ત્યારની સ્થિતિ પ્રમાણેનો શ્રેષ્ઠ નિર્ણય હતો. કારણકે ત્યારે જે સમુદાયને અનામતનો લાભ આપવાની વાત હતી તે સમુદાય વર્ષોથી અત્યાચારો સહન કરતો હતો, તેને વિકાસની એક પણ તક મળી ન હતી. માટે જ ત્યારે તેમને 10 વર્ષ માટે અનામત આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેથી 10 વર્ષમાં તેઓને સામાન્ય સ્થિતિમાં લાવીને સામાન્ય લોકોની શ્રેણીમાં સમાવી શકાય. પણ 10 વર્ષ બાદ પણ અનામત અમલમાં જ રહી હતી.

ખરેખર ગરીબી દૂર કરવી હોય તો અનામત એ તો ક્ષણિક રાહત આપતી દવા છે. આનો ઉપાય તો સર્જાયેલી અસમાનતા સુધારવી જોઈએ તે છે. આના માટે વધુ સારી શાળા વ્યવસ્થા, શિષ્યવૃત્તિ અને અન્ય શૈક્ષણિક સુવિધાઓ પૂરી પાડવી વધુ સારું રહેશે.  જો આપણે ખરેખર ગરીબોને શિક્ષણ અને નોકરીની સારી તકો પૂરી પાડવા માંગતા હોય તો સૌ પ્રથમ શિક્ષણનું ખાનગીકરણ અટકાવવું જોઈએ, જેના કારણે ગરીબ ઘરના બાળકોને સારું શિક્ષણ મેળવવું મુશ્કેલ બન્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.