શું જુનાગઢમાં લઠ્ઠાકાંડ ?? શંકાસ્પદ પ્રવાહી પીવાથી ૨ લોકોના મોત

થોડા સમય પહેલા જ બોટાદમાં ઝેરી દારૂ પીવાથી અનેક લોકોના મોત થયા હતા જેના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા હતા ત્યારે જુનાગઢમાં શંકાસ્પદ પ્રવાહી પીવાથી ૨ લોકોના મોત થયા હતા. મળતી માહિતી મુજબ આ ઘટનમાં ગઈ કાલે રાતની જ્યાં બે રિક્ષા ચાલકોએ એક બોટલમાંથી ઝેરી પીણું પી લેતા મોત નીપજ્યા હતા.

શું હતી ઘટના

જુનાગઢમાં સાંજના સમયે ગાંધીચોક પાસે રિક્ષા સ્ટેન્ડ પર રફીક ઘોઘારી નામના શખ્સની ઝેરી પીણું પી લેવાથી તબિયત લથડી હતી ત્યારબાદ એ જ બોટલમાંથી જોન નામના યુવકે પીણું પી લેતા તેની પણ તબિયત લથડી હતી. બન્નેને અન્ય રિક્ષા ચાલકો દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓ મૃત્યુ પામ્યા હતા. બે રિક્ષા ચાલકોને શંકાસ્પદ મોત નીપજતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને કેફી પીણાની બોટલ જપ્ત કરીને આગળની તપાસ હાથ ધરી હતી.

આ ઘટનાને પગલે ધારાસભ્ય ભીખાભાઈ જોશી, પોલીસના ઉચ્ચ અધિકારી તેમજ લોકોના ટોળે-ટોળા ઉમટી પડ્યા હતા. હોસ્પિટલ ખાતે પોલીસની કિલ્લેબંધી કરવામાં આવી હતી. જે પ્રવાહી પીવાથી બંન્નેના મોત થયા હતા તે બોટલ જપ્ત કરીને તપાસ માટે મોકલવામાં આવ્યું હતું.