Abtak Media Google News

આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ નથી આ લેબલ હટાવાશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેનેટની ચૂંટણીમાં આમ આદમી તમામ બેઠકો પર ઝંપલાવશે

આમ આદમી પાર્ટીના પ્રદેશ અગ્રણી ઈશુદાનભાઈ ગઢવી આજરોજ અબતક મીડિયા હાઉસ ની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. અબતક મીડિયાના મેનેજીંગ તંત્રી શ્રી સતિષકુમાર મહેતા સાથેની મુલાકાતમાં ઈશુદાન ભાઈએ જણાવ્યું હતું કે આગામી વિધાનસભામાં આમ આદમી પાર્ટી 100 વધુ બેઠકો મેળવશે તે પ્રકારે સંગઠન મજબૂત કરીને આમ આદમી પાર્ટી કાર્ય કરી રહી છે.

ઈશુદાન ભાઈએ વધુમાં જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ આગામી સેનેટ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ઝંપલાવશે જેમાં સેનેટ ચૂંટણી ઈન્ચાર્જ તરીકે રાજભા ઝાલા રહેશે.

સ્થાનિક સંગઠન ને લઈ ને ઈશુદાન ભાઈએ જણાવ્યું હતું કે તેઓ માને છે કે સંગઠન નબળું છે લોકોને સામેથી આમ આદમી પાર્ટીમાં જોડાઈને સંગઠનને મજબૂત બનાવવા આહવાન કર્યું છે.

ભાજપની બી ટિમ એટલે આમ આદમી પાર્ટી તેવું લેબલ પણ કાઢી આમ આદમી પાર્ટીને વધુ મજબૂત બનવવા ગ્રાઉન્ડ લેવલે કાર્યકરો સાથે પણ ચર્ચા વિચારણા શરૂ કરી દેવામાં આવી છે.ગુજરાતના યુવાનોને જાગૃત કરી જ્ઞાતિ જાતિના રાજકારણથી દુર કરી ભ્રષ્ટાચાર વિરુદ્ધ મતદાન કરવા પ્રેરિત કરવા આમ આદમી પાર્ટી કમર કસી રહી હોવાનું જણાવ્યું હતું.

અબતક મીડિયાનું “મારો મત, મારું ભવિષ્ય” અભિયાનને ઈશુદાન ગઢવીએ બિરદાવ્યું, 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને ચૂંટણી કાર્ડ મેળવી લેવા આમ આદમી પાર્ટીની અપીલ

અબતક મીડિયા દ્વારા મારો મત મારું ભવિષ્ય અભિયાન ને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે માત્ર 2 જ દિવસમાં 400 જેટલા યુવાનો અને શહેરીજનોએ ચૂંટણી કાર્ડ કેટલું જરૂરી તેમજ તેમનો એક મત કેટલો કિંમતી તે બાબતે જુદા જુદા મંતવ્ય જણાવ્યા હતા ત્યારે ઈશુંદાન ગઢવીએ અબતક મીડિયાના પ્રજા લક્ષી, નવ યુવાનો લક્ષી આ અભિયાન ને બિરદાવ્યું હતું તેમજ રાજકોટ સહિત ગુજરાતના તમામ 18 વર્ષ થી વધુ ઉંમર ના લોકોને ચૂંટણી કાર્ડ મેળવી લેવા અપીલ કરી હતી.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને એ ગ્રેડ યુનિવર્સિટી બનાવવા આમ આદમી મેદાને

ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી  કૌભાંડોનું ઘર બની ગઈ છે આવા સમયે શિક્ષણ ક્ષેત્રે વ્યાપક ભ્રષ્ટ્રાચાર અને કૌભાંડોમાંથી યુનિવર્સિટીને બહાર કાઢવા આમ આદમી પાર્ટી ઈમાનદાર, નિડર અને લડાયક યુવાનોને યુનિવર્સિટીની સેનેટની ચૂંટણી લડાવશે અને ભાજપ કોંગ્રેસની મિલીભગતને પડકારશે.

ડ્રગ્સ મામલે સુપ્રીમ કોર્ટના નિવૃત જજ ની કમિટી બનાવી તપાસ કરવા આમ આદમી પાર્ટીની માંગ

ગુજરાતમાંથી મળતા ડ્રગ્સ મામલે ઈશુંદાન ગઢવીએ ભાજપ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં હજારો કરોડનું ડ્રગ્સ પકડાય છે. ગુજરાતનું યુવાધન બરબાદ થઇ રહ્યું છે અને ઉડતા પંજાબના બદલે ઉડતા ગુજરાત બની રહ્યું છે. વારંવાર ડ્રગ્સ પકડાય છતાં પણ મુખ્ય આરોપી કોણ તે સામે નથી આવતું ત્યારે મારો સીધો આક્ષેપ છે કે, આ પાછળ ભાજપના મોટા નેતાનો હાથ છે. ઈશુંદાનભાઈએ વધુમાં જણાવ્યું હતું કે ડ્રગ્સ મામલે સુપ્રિમ કોર્ટના નિવૃત્ત જજની કમિટી બનાવી તપાસ કરવામાં આવે તેવી આમ આદમી પાર્ટીની મુખ્ય માંગ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.