Abtak Media Google News

દરેક વોર્ડમાં બે બેડ વયોવૃધ્ધ નાગરિકો માટે અનામત રખાશે: ઓપીડી પણ ખાસ વ્યવસ્થા

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક  આવી રહી છે. ત્યારે રાજયની ભાજપ  સરકાર દ્વારા  વિવિધ  કલ્યાણકારી હિતકારી યોજનાઓની જાહેરાત કરવામાં આવી રહી છે.  સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે.  તમામ આરોગ્ય સંસ્થાઓમાં સિનિયર  સિટીઝન માટે અલાયદી  સુવિધાઓ ઉભી કરવામાં આવશે સરકાર હોસ્પિટલોમાં દરેક વોર્ડનાં બે બેડ અનામત રાખવામાં આવશે.

રાજયના વયોવૃધ્ધ-સીનિયર સીટીઝન નાગરિકોને આરોગ્યલક્ષી સુવિધાઓ સત્વરે મળી રહે એ માટે રાજ્યની તમામ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલો,જીલ્લા હોસ્પિટલો તેમજ આરોગ્ય કેંદ્રો ખાતે વયોવૃધ્ધો-સિનિયર સિટિઝન એટલે કે 60 વર્ષથી ઉપરની વય વ્યક્તિઓ માટે આરોગ્યલક્ષી સેવાઓ માટે અલાયદી સુવિધાઓ પુરી પાડવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.

વયોવૃધ્ધ વ્યક્તિઓ એટલે કે,60 વર્ષ કે તેથી ઉપરની વયનાં લોકો માટે રાજ્યની તમામ જીલ્લાઓની સરકારી હોસ્પિટલો, મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલો, પેટા જીલ્લા હોસ્પિટલો, સામુહિક આરોગ્ય કેંદ્રો તથા કોર્પોરેશન હસ્તકનાં અર્બન હેલ્થ સેંટરો તેમજ હોસ્પિટલો ખાતે વયોવૃધ્ધ વ્યક્તિઓ માટે જે સુવિધાઓ પુરી પાડવામાં આવનાર છે જેમાં તમામ સરકારી હોસ્પિટલો તથા આરોગ્ય કેંદ્રો પર ઓ.પી.ડી., કેસબારી, ફિઝિયોથેરાપી સેંટર, લેબોરેટરી, દવા બારી વિગેરે સ્થળ પર વયોવૃધ્ધ વ્યક્તિઓને મુશ્કેલી ન થાય તે માટે અલગ લાઇનની વ્યવસ્થા કરાશે જેમાં તેઓને વયોવૃધ્ધને પ્રાધાન્ય પણ અપાશે તથા શક્ય હોય તેવી જગ્યાએ અલાયદી ઓપીડી ની વ્યવસ્થા ઉભી કરાશે.

આ ઉપરાંત મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ,મ્યુ. કોર્પો. હોસ્પિટલ, જીલ્લા હોસ્પિટલ, પેટા જીલ્લા હોસ્પિટલ તથા સામુહિક આરોગ્ય કેન્દ્રો ખાતે વયોવૃધ્ધ વ્યક્તિઓ માટે અલગ વોર્ડ પણ નિયત કરાશે. જો તેમ શક્ય ન બને તો દરેક વોર્ડમાં ઓછામાં ઓછા બે બેડ(2-પથારી) આરક્ષિત રાખવામાં આવશે.આ તમામ સેવાઓ અગેનાં સાઇનેજ બોર્ડ પણ લગાડવામાં આવશે

તેમજ જો કોઇ નિરાધાર વયોવૃધ્ધ જણાય તો સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા ચલાવવામાં આવતી 24સ7 એલ્ડર હેલ્પલાઇન-14567નો સંપર્ક કરી જરૂરી સહાય પણ કરાશે.આ  હેલ્પલાઈન દ્વારા વૃધ્ધોને લગતા પ્રશ્નો જેવા કે સાર-સંભાળ કાળજી, સલામતી, આરોગ્યની સેવાઓ, પરામર્શ, બચાવ અને પુન: સ્થાપનની કામગીરી પણ કરવામાં આવે છે. જેને ધ્યાને લઇ આવી કોઈ જરૂરીયાત ઉભી થાય તો તેમાં સહાય કરી સેવાઓ પુરી પડાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.