- વધુ એક યુધ્ધ શરૂ, વિશ્ર્વભરના બજારોમાં અસર
- અમેરિકા પાછલા બારણે ઇઝરાયેલનો સાથ આપે તેવા અહેવાલો: હુમલામાં ઈરાનના આર્મી ચીફ સહિતના વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ માર્યા ગયા હોવાનો ઇઝરાયેલનો દાવો
વિશ્વમાં વધુ એક યુદ્ધ શરૂ થતાં વેંત જ વૈશ્વિક બજારમાં તેની અસરો શરૂ થઈ ગઈ છે. ઇઝરાયલે ઈરાન પર હુમલો કર્યો છે. ઇઝરાયલના રક્ષામંત્રી ઇઝરાયલ કાત્ઝે આ વાતની પુષ્ટિ કરી અને કહ્યું કે તેમના લડાકુ વિમાનોએ શુક્રવારે સવારે દુશ્મન દેશ પર હુમલો કર્યો. ઇઝરાયલી સેનાએ તેહરાનની આસપાસના ઓછામાં ઓછા 6 લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. આ 6 સ્થળોમાંથી 4 સ્થળોએ પરમાણુ સામગ્રીઓ હતી.
ઇઝરાયલી હુમલામાં ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોપ્ર્સના કમાન્ડર હુસૈન સલામીનું મૃત્યુ થયું છે. ઈરાનના બે અગ્રણી પરમાણુ વૈજ્ઞાનિકો મોહમ્મદ મેહદી તેહરાનચી અને ફરદૂન અબ્બાસી પણ હુમલામાં માર્યા ગયા છે.ઇઝરાયલે દાવો કર્યો છે કે ઈરાનના આર્મી ચીફ મોહમ્મદ બાઘેરી, અન્ય વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ અને કેટલાક વરિષ્ઠ પરમાણુ વૈજ્ઞાનિકો પણ હુમલામાં માર્યા ગયા છે
ગત મોડી રાત્રે ઈઝરાયલે ઈરાનના સંખ્યાબંધ સ્થળોએ એર સ્ટ્રાઈક કરી હતી. ઈઝરાયેલે ઈરાનની ન્યુક્લિયર સાઈટ્સને નિશાન બનાવી હતી, આ હુમલામાં ઈરાનની સેના રિવોલ્યુશનરી ગાર્ડસના વડાનું પણ મોત થયું હોવાના અહેવાલ છે. આ હુમલા બાદ ઈરાને ઇઝરાયેલને વળતો જવાબ આપવાની ચીમકી ઉચ્ચારી છે. એવામાં વધુ એક યુદ્ધ શરુ થવાના ભણકારા વાગી રહ્યા છે, જેને ધ્યાનમાં રાખીને ભારતે ઈરાનમાં રહેતા ભારતીય નાગરિકોને સાવચેતી રાખવા માટે એક એડવાઇઝરી જાહેર કરી છે.
ઈરાનમાં ભારતીય દૂતાવાસના સત્તાવાર એક્સ એકાઉન્ટમાંથી એક પોસ્ટ કરી એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. એડવાઈઝરીમાં જણાવવામાં આવ્યું, ઈરાનમાં વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ઈરાનમાં રહેતા તમામ ભારતીય નાગરિકો અને ભારતીય મૂળના લોકોને સતર્ક રહેવા, બિનજરૂરી હિલચાલ ટાળવા, દૂતાવાસના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર ધ્યાન રાખવા કરવા અને સ્થાનિક અધિકારીઓ દ્વારા જાહેર કરવામાં આવેલા સેફટી પ્રોટોકોલનું પાલન કરવા વિનંતી કરવામાં આવે છે.
ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ જણાવ્યું હતું કે ઇઝરાયલે નાતાન્ઝમાં ઇરાનના પરમાણુ સુવિધા પર હુમલો કર્યો હતો અને વૈજ્ઞાનિકોને નિશાન બનાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે ઇરાન વિરુદ્ધ અભિયાન “જેટલા દિવસો લાગે તેટલા દિવસો સુધી ચાલુ રહેશે.”
ઇઝરાયલે તેહરાન દ્વારા બદલો લેવા માટે મિસાઇલ અને ડ્રોન હુમલાની આશંકાને કારણે કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે ઇરાન પાસે થોડા દિવસોમાં 15 પરમાણુ બોમ્બ બનાવવા માટે પૂરતી સામગ્રી છે.
માર્કો રુબિયોએ કહ્યું છે કે ઇઝરાયલે કોઈપણ યુએસ સહાય અથવા સંડોવણી વિના હુમલાઓ શરૂ કર્યા હતા.”અમે ઈરાન સામેના હુમલાઓમાં સામેલ નથી અને અમારી ટોચની પ્રાથમિકતા આ ક્ષેત્રમાં અમેરિકન દળોનું રક્ષણ કરવાની છે,” રુબિયોએ કહ્યું કે ટ્રમ્પ વહીવટીતંત્રે તેના દળોના રક્ષણ માટે પગલાં લીધાં છે અને પ્રદેશમાં ભાગીદારો સાથે વાતચીત જાળવી રાખી છે. તેમણે ઈરાનને અમેરિકન હિતો અથવા કર્મચારીઓને નિશાન બનાવવા સામે ચેતવણી પણ આપી હતી.
યુદ્ધનું અસર ભારતીય બજાર ઉપર: સેન્સેક્સમાં મોટો કડાકો
ઈરાન પર ઈઝરાયલના હુમલા પછી, આજે એટલે કે 13 જૂને શેરબજાર રેડ ઝોનમાં છે. સેન્સેક્સ 900 પોઈન્ટના ઘટાડા સાથે 80,800 ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટી પણ લગભગ 250 પોઈન્ટ ઘટીને 24,600 ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે.સેન્સેક્સના તમામ 30 શેર નીચે છે. બેંકિંગ, ઓટો અને આઈટી શેર સૌથી વધુ નીચે છે. ગઈકાલના એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના પછી, એરલાઈન કંપનીઓના શેર પણ ઘટ્યા છે. દેશની સૌથી મોટી એરલાઈન ઈન્ડિગોનો શેર 4% ઘટ્યો છે.સ્પાઈસજેટ લગભગ 3% ઘટ્યો છે. તે જ સમયે, એર ઈન્ડિયાનું સંચાલન કરતી ટાટા ગ્રુપના
બધા શેર નીચે છે. ઈઝરાયલે ઈરાન પર હુમલો કર્યો છે. બજારમાં ઘટાડાનું આ સૌથી મોટું કારણ છે. જ્યારે પણ બે મોટા દેશો વચ્ચે યુદ્ધ કે તણાવ થાય છે, ત્યારે રોકાણકારો ગભરાઈ જાય છે અને શેરબજારમાંથી પૈસા ઉપાડવાનું શરૂ કરે છે. આ વખતે ઇઝરાયલે ઇરાનના પરમાણુ મથકો અને લશ્કરી સ્થળો પર હુમલો કર્યો, જેના કારણે મધ્ય પૂર્વમાં યુદ્ધ વધુ વધવાની આશંકા છે.
ક્રૂડના ભાવમાં 12 ટકાનો ઉછાળો
ઇઝરાયલના હવાઈ હુમલાને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં ભારે ઉછાળો આવ્યો છે. બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 11.5% થી વધુ વધીને 78.50 ડોલર પ્રતિબે રલ થયો. જ્યારે નાયમેક્સ ક્રૂડ 12% થી વધુ વધીને 77.58 ડોલર પ્રતિ બેરલ થયો. ઇઝરાયલી વડા પ્રધાન નેતન્યાહૂએ કહ્યું કે આ ધમકીને દૂર કરવા માટે આ ઝુંબેશ જેટલા દિવસો લાગશે તેટલા દિવસો ચાલુ રહેશે. ઇઝરાયલે ઈરાનના કેટલાક પરમાણુ વૈજ્ઞાનિકો અને સેનાપતિઓને પણ નિશાન બનાવ્યા છે. ઈરાની રાજ્ય ટેલિવિઝનએ અહેવાલ આપ્યો હતો કે ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોપ્ર્સના વડા, હુસૈન સલામી માર્યા ગયા છે.નેતન્યાહૂની સરકારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ
ટ્રમ્પના સ્પષ્ટ વિરોધમાં હુમલો કરવાનો આદેશ આપ્યો હતો, જેમણે ગુરુવારે અગાઉ કહ્યું હતું કે તેઓ ઇઝરાયલ હુમલો કરવા માંગતા નથી અને તેમનું વહીવટીતંત્ર ઈરાન પરમાણુ મુદ્દાના રાજદ્વારી ઉકેલ માટે પ્રતિબદ્ધ છે! ટ્રમ્પે એમ પણ કહ્યું કે તેમને લાગતું ન હતું કે હુમલો થશે.
સોના- ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી
મધ્ય પૂર્વમાં વધતા ભૂરાજકીય સંઘર્ષ વચ્ચે સોના માટે સુરક્ષિત રોકાણમાં વધારો થવાને કારણે આંતરરાષ્ટ્રીય બુલિયન પર સોનાભાવમાં વધારો થયો છે. ચાંદીના ભાવમાં પણ વધારો ચાલુ રહ્યો. એમસીએકસ પર સોનાનો ભાવ રૂ.1,108 એટલે કે 1.12% વધીને રૂ.99,500 પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યો, જે તેની અગાઉની બંધ કિંમત રૂ.98,392 હતી. ભાવ રૂ.100,403 ની ઊંચી સપાટીએ પહોંચ્યો. એમસીએકસ પર ચાંદીનો ભાવ રૂ.565 એટલે કે 0.53% વધીને રૂ.1,06,450 પ્રતિ કિલોગ્રામ પર ખુલ્યો, જે તેની અગાઉની બંધ કિંમત રૂ.1,05,885 હતી. ચાંદી રૂ.1,06,748 પ્રતિ કિલોગ્રામની ઊંચી સપાટીએ પહોંચી.સવારે 9:50 વાગ્યે, એમસીએક પર સોનાનો ભાવ 1.87% વધીને રૂ.1,00,233 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે એમસીએક્સ પર ચાંદીનો ભાવ 0.62% વધીને રૂ.1,06,545 પ્રતિ કિલો થયો હતો.આંતરરાષ્ટ્રીય બજારોમાં, સોનાના ભાવ એક મહિના કરતાં વધુ સમયગાળામાં તેમના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયા હતા.
અનેક પરમાણુ વૈજ્ઞાનિકો પણ માર્યા ગયાના અહેવાલ: ઇરાનના ભારતીય દુતાવાસે એડવાઇઝરી જાહેર કરી