ઈસુદાન ગઢવીએ પકડ્યું “ઝાડુ”, કહ્યું… ગુજરાતમાં ગંદકીનો કરીશું સફાયો, આપમાં જોડાવા પાછળ જણાવ્યુ આ મોટું કારણ

ગુજરાત વિધાનસભાની 2022માં આવનારી ચૂંટણીના પડઘમ અત્યારથી શરૂ થઈ ગયા છે. આ સાથે રાજકારણમાં પણ ગરમારો જોવા મળી રહ્યો છે. દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં પોતાની પાર્ટીનો વ્યાપ વધારવા આજે ગુજરાતની મુલાકાતે આવ્યા. અરવિંદ કેજરીવાલ સાથે રાજ્યના જાણીતા પત્રકાર ઇસુદાન ગઢવી તેમની મુલાકાતે આવ્યા.

પત્રકાર ઇસુદાન ગઢવી અને અરવિંદ કેજરીવાલ વચ્ચે મહત્વપૂર્ણ બાબતનો ચર્ચા થઈ. મિટિંગના થોડા સમય બાદ જ ગોપાલ ઇટાલિયાએ ઇશુદાન ગઢવીના આપમાં જોડાવવાની સત્તાવાર જાહેરાત કરી હતી. ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે, ‘ઇસુદાન ગઢવીના જોડાવવાથી પાર્ટી મજબૂત બનશે. અરવિંદ કેજરીવાલે ખેસ પહેરાવીને ઇસુદાન ગઢવીને આપમાં પ્રવેશ કરાવ્યો.’

ઇસુદાન ગઢવી આમ આદમી પાર્ટીમાં જોડાવાનો નિર્ણય આંદોલનકારી પ્રવિણ રામે આવકાર્યો છે. નિર્ણય આવકારતા પ્રવીણ રામે કહ્યું કે, ‘લોકોના વધુ કામ થઈ શકે એ માટે આમ આદમી માં જોડાવાનો ઇસુદાન ભાઈનો નિર્ણય યોગ્ય છે. દિલ્હી ખાતે કેજરીવાલજીના નેતૃત્વમાં આમ આદમી પાર્ટી ખૂબ સારું કામ કરી છે. ભવિષ્યમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટી મજબૂત વિકલ્પ તરીકે ઉભરી આવે એવી આશા છે.’

‘આપ’માં જોડાયા બાદ ઈસુદાન ગઢવીએ કહ્યું કે, ‘પત્રકાર ફક્ત સમસ્યાઓને લોકો સુધી લાવે છે. તે સરકાર સામે મુદ્દા ઉઠાવે છે. પણ આ બધાનો ઉકેલ લાવવા માટે અમારે રાજકારણમાં ઉતરવું પડે. ગુજરાતમાં ગંદકી વધી ગઈ છે. તેથી હું ‘આપ’માં જોડાયને ગુજરાતની ગંદકી સાફ કરીશ.’

ગુજરાતની જનતા જ તેનું યોગ્ય ભવિષ્ય પસંદ કરશે

ગુજરાતની મુલાકાતે આવેલા અરવિંદ કેજરીવાલે પત્રકાર પરિષદ સંબોધતાં કહ્યું હતું કે, ‘ગુજરાતના લોકોએ આઝાદીની લડાઇમાં મહત્વપૂર્ણ યોગદાન અને દેશને અનેક નેતાઓ આપ્યા છે. દેશ આઝાદ થયો ત્યારે અનેક પ્રાંતમાં વહેંચાયેલો હતો. પરંતુ સરદાર પટેલે તેને અખંડ બનાવ્યો હતો. જ્યારે કોઇની કારકિર્દી પૂર્ણ થાય ત્યારે તે રાજકારણમાં જોડાઇ તે સ્વાભાવિક છે, પરંતુ જોઇ કોઇ પોતાની મધ્યાહને તપતી કારકિર્દી છોડીને રાજકારણમાં જોડાઇ તો સમજજો કે તે પ્રજા માટે જોડાઇ છે.’

અરવિંદ કેજરીવાલે આગળ વાત કરતા જણાવ્યું હતું કે, ‘આમ આદમી પાર્ટી રાજ્યની તમામ 182 સીટો પર ઉમેદવાર ઉભા રાખશે. ગુજરાતના લોકો પાસે પહેલાં વિકલ્પ ન હતો, પરંતુ હવે ગુજરાતના લોકોને એક સક્ષમ વિકલ્પ મળશે. આમ આદમી પાર્ટી શિક્ષણ અને આરોગ્ય મુદ્દે ચૂંટણીના મેદાનમાં ઉતરશે. ગુજરાતની જનતા જ તેનું યોગ્ય ભવિષ્ય પસંદ કરશે.’

ગુજરાતમાં 27 વર્ષથી બંને પાર્ટીઓ વચ્ચે દોસ્તી ચાલે છે: કેજરીવાલ

કેજરીવાલે જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા 27 વર્ષથી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે દોસ્તી ચાલી રહી છે. એવું કહેવાય છે કે કોંગ્રેસ ભાજપના ખિસ્સામાં છે, અને ભાજપને જ્યારે-જ્યારે જરુર પડે ત્યારે માલ કોંગ્રેસ જ સપ્લાય કરે છે. તેમણે કહ્યું હતું કે, ગુજરાતના વેપારી ડરેલા છે, ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે, શિક્ષણ વ્યવસ્થા ખાડે ગઈ છે. છેલ્લા એક વર્ષમાં કોરોનાકાળ દરમિયાન ગુજરાતને અનાથ છોડી દેવામાં આવ્યું. ઈસુદાનના આપમાં જોડાવા અંગે કેજરીવાલે કહ્યું હતું કે, તેમણે પોતાની કારકિર્દીના પીક પર તેને છોડી રાજકારણમાં જોડાયા છે. સિસ્ટમની બહાર રહી આંદોલન કરી શકાય છે, ડીબેટ કરી શકાય છે, પરંતુ જો સામેવાળા બધા પક્ષ મળેલા હોય અને તેમને સાંભળવાની કોઈ પરવા જ ના હોય ત્યારે કિચડની અંદર ઉતરીને જ સફાઈ કરવી પડે છે.

હવે લોકો પાસે ઈમાનદાર નેતાનો વિકલ્પ: ઈસુદાન

આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યા બાદ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે તેઓ લોકો માટે કંઈક કરવા માગે છે, અને પોતાના આ પ્રયાસો માત્ર ટીવીની ડીબેટ પૂરતા મર્યાદિત ના રહે તે માટે તેઓ રાજકારણમાં જોડાઈ રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતના લોકો અવારનવાર કહેતા હોય છે કે તેમની પાસે કોઈ ઓપ્શન નથી, પરંતુ હવે એક ઈમાનદાર ઓપ્શન તેમની સામે છે. ઈસુદાને કહ્યું હતું કે સિસ્ટમને સાફ કરવા માટે તેમાં ઉતરવું જરુરી છે. આ કારણથી જ તેઓ રાજકારણમાં જોડાઈ રહ્યા છે. પોતે કેજરીવાલની રાજનીતિ તેમજ તેમની સરકારે દિલ્હીમાં કરેલા કાર્યથી પ્રભાવિત થયા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.