નવા ડે.મેયરની વરણી 6 માસ નહીં ત્રણ વર્ષ માટે કરાઇ તેવી સંભાવના

મેયર પદની હવે પછીની ટર્મ મહિલાઓ માટે અનામત હોય ડે.મેયર પદે પુરૂષ કોર્પોરેટરની વરણીની શક્યતા

રાજકોટ પ્રશ્ચિમ વિધાનસભા બેઠક પરથી ચૂંટાઇ ધારાસભ્ય બનેલા ડો.દર્શિતાબેન શાહે તાજેતરમાં ડેે.મેયર પદેથી રાજીનામું આપી દેતાં હાલ કોર્પોરેશનમાં આ જગ્યા ખાલી પડી છે. વર્તમાન પદાધિકારીઓની અઢી વર્ષની ટર્મ પૂરી થવાના આડે હવે માત્ર 6 મહિના જેટલો જ સમયગાળો બાકી રહ્યો છે. ત્યારે નવા ડે.મેયરની વરણી સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા માત્ર 6 મહિના માટે નહિં પરંતુ ત્રણ વર્ષ માટે કરાઇ તેવી શક્યતા જણાઇ રહી છે.

નવા ડે.મેયરની વરણી કરવા માટે આવતા સપ્તાહે ખાસ બોર્ડ માટે એજન્ડા પ્રસિદ્વ કરી દેવામાં આવે તેવી સંભાવના પણ જણાઇ રહી છે. વિધાનસભાની ચૂંટણીમાં જે કોર્પોરેટરો ધારાસભ્ય તરીકે ચુંટાયા છે અને પદાધિકારી તરીકે હોદ્ો ભોગવી રહ્યાં છે. તેઓની પાસેથી એક વ્યક્તિ એક હોદ્ાના નિયમનુસાર પ્રદેશ હાઇકમાન્ડ દ્વારા રાજીનામા લેવામાં આવી રહ્યાં છે. રાજકોટ ડે.મેયર પદેથી ડો.દર્શિતાબેન શાહે ગત સોમવાર રાજીનામું આપી દીધા બાદ ગઇકાલે વડોદરાના મેયર પદેથી કેયુર રોકડીયાએ પણ રાજીનામું આપી દીધું હતુંં.

રાજકોટ અને વડોદરા માટે ભાજપ દ્વારા એક સરખો જ નિર્ણય લેવામાં આવે છે. હાલ સૂત્રોના જણાવ્યાનુસાર નવા ડે.મેયરની નિમણૂંક 6 મહિના માટે નહિં પરંતુ ત્રણ વર્ષ માટે કરવામાં આવશે. ટૂંક સમયમાં ડે.મેયરની વરણી કરવા માટે ખાસ બોર્ડ-બેઠક બોલાવવામાં આવશે. જેમાં નિયુક્તી કર્યા બાદ સપ્ટેમ્બર માસમાં ફરી મુખ્ય પાંચેય પદાધિકારીઓની નિયુક્તી માટે બોર્ડ મળશે. જેમાં મેયર, સ્ટે.કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા અને પક્ષના દંડક તરીકે નવા ચહેરાની નિયુક્તી કરવામાં આવશે. જ્યારે ડે.મેયરને રિપીટ કરી દેવાની ઘોષણા કરાશે.

વર્તમાન બોર્ડના પ્રથમ અઢી વર્ષ માટેના પદાધિકારીઓની મુદ્ત આગામી સપ્ટેમ્બર માસમાં પૂર્ણ થઇ રહી છે. મેયર પદ માટેની હવે પછીની અઢી વર્ષની ટર્મ મહિલાઓ માટે અનામત હોય આવામાં ડે.મેયર તરીકે પુરૂષ કોર્પોરેટરની વરણી કરવામાં આવે તેવી સંભાવના જણાઇ રહી છે. પ્રદેશમાંથી આદેશ આવ્યા બાદ ખાસ બોર્ડ માટેની તારીખ જાહેર કરવામાં આવશે. પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડમાં નવા ડે.મેયરનું નામ નક્કી કરવામાં આવશે. ત્યારબાદ બોર્ડના દિવસે બંધ કવરમાં આ નામને શહેર ભાજપ પ્રમુખને મોકલી આપવામાં આવશે. બોર્ડ પૂર્વે ભાજપના કોર્પોરેટરોની સંકલન બેઠકમાં નવા ડે.મેયરનું નામ જાહેર કરાશે.