બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલીયાની બીજી ઈનીંગ ૩૦૦ સુધી સીમીત રાખવી અતિ જરૂરી!

ભારતની લીડ કાંગારૂને ભારે પડશે?

મેચ પાંચમાં દિવસે જશે તો ભારત માટે જીતવું મુશ્કેલ બનશે: કાંગારૂ ટીમની બીજી ઈનીંગમાં બન્સ, લાબુશેન બાદ સ્ટીવ સ્મિથ પણ પેવેલીયનમાં પરત

બોક્સિગં ડે ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલીયાની બીજી ઈનીંગ ૩૦૦ સુધી સીમીત રાખી ભારતીય ટીમ માટે જરૂરી બની ગઈ છે. જો ઓસ્ટ્રેલીયા ૩૦૦ રનમાં જ ઓલઆઉટ થાય તો મેચ ચોથા દિવસના અંત સુધીમાં પતી જશે પરંતુ આ મેચ પાંચમાં દિવસે જશે તો ભારત માટે કપરૂ સાબીત થશે. ભારતે ટેસ્ટ મેચના બીજા દિવસે ખુબજ સારૂ પ્રદર્શન કર્યું અને ૧૩૧ રનની લીડ મેળવી હતી. જો કે આજે ત્રીજા દિવસે કાંગારૂ બેટ્સમેનોએ ૮૦ રનની અંદર જ ૩ વિકેટ ગુમાવી હતી. જો કે ટી ટાઈમ સુધીમાં ભારતીય બોલરોએ ૨ વિકેટ ઝડપી હતી. ત્યારે જો આજે કાંગારૂ બેટ્સમેન લીડ કાપીને વધારાના ૨૦૦થી વધુ રન કરશે તો ભારતને ૨૦૦ રન કરવા અઘરા પડી શકે તેમ છે. એટલે કહી શકાય કે બીજી ઈનીંગમાં ૩૦૦ સુધી કાંગારૂ બેટ્સમેનોને સીમીત રાખવા જરૂરી બનશે અને જો મેચ પાંચમા દિવસે જશે તો ભારતીય ટીમને જીત મળવી મુશ્કેલ સાબીત થઈ શકે તેમ છે.

સીરીઝમાં જીતની દોડમાં યથાવત રહેવા માટે ભારતીય ટીમે આ મેચ જીતવી પણ જરૂરી છે. પહેલી મેચમાં ભારતને ૮ વિકેટથી હરાવીને ઓસ્ટ્રેલીયા સીરીઝમાં ૧-૦થી આગળ છે. ભારતીય ટીમ ઓસ્ટ્રેલીયા વિરુધ્ધ છેલ્લી બે સીરીઝ જીતુ ચૂકી છે એવામાં જો ભારતીય ટીમ આ સીરીઝમાં જીતીને ઈતિહાસ રચવા માંગશે. ટીમ ઈન્ડિયા અત્યાર સુધી ઓસ્ટ્રેલીયા વિરુધ્ધ સતત ૩ સીરીઝ નથી જીતી શકી.

બોક્સિગં ડે ટેસ્ટમાં ઓસ્ટ્રેલીયાએ પ્રથમ ઈનીંગમાં ૧૯૫ રન કર્યા હતા. જો કે, ભારતીય ટીમે મજબૂતાઈથી શરૂઆત કરતા ૩૨૬ રન ફટકાર્યા હતા. આ સાથે ભારતીય ટીમને ૧૩૧ રનની લીડ મળી હતી. બીજી ઈનીંગમાં ઓસ્ટ્રેલીયાએ આ લખાય છે ત્યારે ૩ વિકેટ ગુમાવી ૮૩ રન ફટકાર્યા હતા. હજુ ઓસ્ટ્રેલીયા ભારતીય ટીમને લીડથી ૪૭ રન પાછળ છે. પ્રથમ ઈનીંગમાં ભારતીય ટીમના કેપ્ટન રહાણેએ સદી ફટકારી હતી. રહાણેએ મેલબોર્નમાં બે સદી ફટકારી છે તે આવું કરનારો બીજો ભારતીય બેટ્સમેન બની રહ્યો છે. આ અગાઉ પૂર્વ ક્રિકેટર વિનુ માંકડે આ સિધ્ધી હાંસલ કરી હતી. રહાણે અને જાડેજાની આ ભાગીદારીથી ભારતીય ટીમ ૩૨૬ રન કરવામાં સફળ રહ્યું હતું. ત્યારબાદ ઓસ્ટ્રેલીયાની બીજી ઈનીંગમાં ભારતીય ફાસ્ટ બોલર ઈમેશ યાદવે ઓસ્ટ્રેલીયા ટીમની પ્રથમ વિકેટ ઝડપી હતી.

ઉમેશ યાદવે બન્સને પંતના હાથે કેચ કરી મેદાન બહાર કર્યો હતો. ત્યારબાદ લબુસાનેને અશ્ર્વિને આઉટ કર્યો હતો અને બુમરાહે ઓસ્ટ્રેલીયનના ખતરનાક બેટ્સમેન સ્ટીવન સ્મીથને ૮ રને બોલ્ડ કર્યો હતો. હવે જો ભારતીય ટીમ કાંગારૂ બેટ્સમેનોને ૨૫૦ રનની અંદર ઓલઆઉટ કરે તો ભારતીય ટીમ આ મેચ આસાનીથી જીતી શકશે. પરંતુ જો મેચ પાંચમાં દિવસે ગઈ તો ભારત માટે જીતવું ખુબજ અઘરૂ બની જશે.