Abtak Media Google News

રાજકીય ક્ષેત્રનો અને આર્થિક ક્ષેત્રનો ગંદવાડ માઝા મૂકે તે પહેલા સાર્વત્રિક તિર્થંકર સંસ્કૃતિ અને શ્રી ગણેશ-સંસ્કૃતિનાં સાથિયા અંકિત થઈ જાય એ જ આજનો તકાજો !

પિતૃપ્રિય ભાદરવાને વધાવતી વખતે મંગલમૂર્તિ શ્રી ગણેશ વિઘ્નેશ્વર પ્રભુને પણ આપણો દેશ અને આપણો સમાજ હોંશે હોંશે અને હૈયાનાં હેતથી વધાવે છે. આની સાથે સાથે આપણા સમાજે સંવત્સરી પર્વ ઉજવ્યું તેનો દિવ્યાતિદિવ્ય અને હૃદય-મનને સંશુધ્ધ તથા પરમ પવિત્ર કરતા પ્રકાશની તેજસ્વિતા ઝીલી છે. અને ‘મિચ્છામિ દુકકડમ્’નો મહામંત્ર પણ આપણા જીવનમાં ઉતાર્યો છે.

આપણુ રાજકીય ક્ષેત્ર અને તેના નેતાઓને ‘મિચ્છામિ દુકકડમ્’ની પરસ્પર આપ-લે કરવાનું સુઝયું હોત તો અમંગળ એંધાણની છાયા આપણા દેશ ઉપર ન પડી હોત એવી ટકોર આપણે કાને પડી છે.

આપણા રાજકીય ક્ષેત્રનો અને આર્થિક ક્ષેત્રનો સતત વધતો રહેલો ગંદવાડ એના નેતાઆને સાચુ સુઝવા દેતો નથી. અને આપણી સંસ્કૃતિને અને સંસ્કારને છિન્નભિન્ન કર્યે જાય છે. આવા નેતાઓ એકબીજાને ધૂત્કારવાને બદલે અને હલકા પાડવાને બદલે ‘મિચ્છામિ દુકકડમ’ ના મહામંત્ર સાથે એક બીજાને સાચા દિલે આલિંગન કરતા હોત તો તે દેશના તથા સમાજના હિતમાં બની રહેત !

ક્ષમા માગવી એનાંકરતા ક્ષમા આપવી અધરી છે અને મહત્વની પણ છે. રાજકીય ક્ષેત્ર અને વહિવટી ક્ષેત્ર ગંદવાડથી ખદબદે છે. એ વધ્યે જ જાય છે.

આ ગંદવાડે દેશને બરબાદ કર્યો છે અને સવા અબજ પ્રજાજનોના મોંઘેરા માનવજીવનને ધૂળધાણી કર્યા છે. એ માઝા મૂકે તે પહેલા એને તિર્થંકર સંસ્કૃતિ અને ગણપતિ સંસ્કૃતિથી પુન: નિર્મળ અને નિષ્પાપ કરવા ઘટે છે.

સાધારણ રીતે રાજકીય પક્ષોની સ્થિતિ ડાહી સાસરે ન જાય અને ગાંડીને શિખામણ આપવાની વિશેષ રહી છે ને તેમાં ભાજપ કે કોંગ્રેસ એકબીજાથી ચાર ચાસણી ચડે તેવા છે. રાજકારણનો એક જ અર્થ બચ્યો છે ને તે છે આરોપો સામા પક્ષ પર સતત આરોપો મૂકતા રહો ને જાતને થીગડા મારતા રહો. આટલું જ બચ્યું છે આજના રાજકારણમાં આમાં કોંગ્રેસ કે ભાજપ અપવાદ નથી જ. કોઈ એક પક્ષ બીજાની ખોડ કાઢે તો બીજો પક્ષ વખોડી કાઢશે ને એટલા છાજીયા લેવો કે પ્રજા ભૂલી જશે કે ઝઘડાનું મૂળ શું છે ?

આજના રાજકારણની એક દિશા, પ્રજાને સતત અંધારામાં અને અવઢવમાં રાખવાની છે. પ્રજા કોઈ સાતું તે નકકી જ કરી શકે છે. એ રીતે સામસામે પાટલા પડે છે. અને ચીંથરા જેવી વાતો એટલુ ચુંથાય છે કે મૂળ પ્રશ્ર્નો તરફ પક્ષોનું અને પ્રજાનું ધ્યાન અને ભાન રહે જ નહી સેવા હવે સંપૂર્ણ પણે આઉટ ડેટેડ છે જો કોઈ સેવાની વાત કરતું હોય તો તે જુઠુ બોલે છે અથવા મનોરોગી છે એ હદે સેવાનું અવમૂલ્યન થયું છે.

એવાજ સમાચાર ગરીબી રેખા નીચે જીવતા પરિવારોને મફત રાંધણ ગેસ જોડાણ આપવાની છે. જોડાણના ૧૪૦૦ રૂા.ની સબસીડી સરકાર આપશે આમાં ગરીબોને મદદ કરવા કરતા હેતુ તો ગ્રામીણ વિસ્તારોમાં ગેસ જોડાણ આપવાનો છે જેથી સરકારની સિધ્ધિ ખાતે તેને ખતવી શકાય. ગેસ પર ગરીબો રાંધશે શું? તે ચિંતા સરકાર કરતી હોય તેવું જણાતુ નથી.

આપણા દેશની સંસ્કૃતિ દયા, કરૂણા અને ક્ષમાના પાયા ઉપર ઉભી છે. એને લીધે જ મિચ્છામિ દુકકડમનો મંત્ર ‘મહામંત્ર’ બન્યો છે. અને આખા જગતે એ સ્વીકાર્યો છે.

આપણા દેશમાં દયા-કરૂણા અને ક્ષમાની મૂર્તિ સમા સંત-મહંતો અને કોઈકોઈ વાર રાજકર્તાઓ પણ અહીંની ભૂમિએ નિહાળ્યા છે.

છેલ્લે, મધર ટેરેસાનું ઉદાહરણ આપી શકાય તેમ છે.

કરૂણામૂર્તિ મધર ટેરેસાને જવાહર નેહરૂ આંતરરાષ્ટ્રીય સદ્ભાવ એવોર્ડ (પુરસ્કાર) મળ્યો એવા કોઈ કોઈ પ્રસંગે લાગે કે દયાહીનતા, કુટિલતા અને સ્વાર્થાધતા સિવાય બીજા પણ ઘણા ઉમદા માનુષી અને દૈવીભાવો ઉપર આ વિશ્વનો વ્યવહાર ચાલે છે. એમાનો એક ભાવ છે તે સ્વાર્પણયુકત પ્રેમ, પ્રેમમાં સ્વાર્પણની શકિત ન હોય ત્યાં ક્ષણિક દયાભાવ જન્મે, જે તત્કાળ કાંઈક કરી છૂટે, પણ એનામાં દુખને, દર્દને દૂર થવા સુધીની માનવતાભરી માવજત કરવાની શકિત નથી હોતી, એ તો કરૂણામાં જ હોય, જો કે ખ્રિસ્તીધર્મમાં મર્સી દયા વિશિષ્ટ અર્થમાં વપરાય છે.

શ્રી ગણેશ પણ શુભકર્તા, વિઘ્ન હર્તા અને દયા-કરૂણા તેમજ જ્ઞાનના ભંડાર હતા.

આપણે આપણા તહેવારો અને એની સાથે વણાયેલા સંસ્કાર-સંસ્કૃતિને નવું બળ આપીને આપણા તમામ ક્ષેત્રનાં ગંદવાડને એમાં છંકારી દઈને આ દેશને સુવર્ણ યુગમાં પ્રવેશ કરાવીએ તોજ એની સાર્થકતા !

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.