હાર-જીત કરતા રમતમાં ભાગ લેવો મહત્વનું છે: મેયર ડો. પ્રદીપ ડવ

સ્પોર્ટસ કાર્નિવલ અંતર્ગત 18મી સુધી વિવિધ ગેમ્સ અને એકિટવિટીઝ યોજાશે

36મી નેશનલ ગેઇમ્સ ગુજરાત-2022ની હોકી અને સ્વિમિંગની સ્પર્ધાઓ રાજકોટમાં  યોજાનાર છે  હાલ  સ્પોર્ટસ કાર્નિવલ ચાલી રહ્યો છે.ગુરૂવારે મેજર ધ્યાનચંદ હોકી મેદાન ખાતે  ગુજરાત એ અને ગુજરાત બી ટીમ વચ્ચે હોકી મેચ રમાયો હતો.  મેયર પ્રદીપ ડવે કહ્યું હતું કે, મેચમાં હારવું જીતવું એ રમતનો એક ભાગ છે અને હારવા-જીતવા કરતા રમતમાં ભાગ લેવો એ વધુ મહત્વનું હોય છે.

છેલ્લે સને-2015માં કેરલ ખાતે નેશનલ ગેમ્સ રમાઈ હતી, અને 7 વર્ષ પછી હવે ગુજરાતને નેશનલ ગેમ્સના યજમાન બનવાનો ગૌરવપૂર્ણ અવસર પ્રાપ્ત થયો છે. હોકી મેચની ઇવેન્ટ બાદ શ્રી શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી રેસકોર્સ ખાતે યોજાયેલ મેઈન સ્ટેજ પ્રોગ્રામનો પ્રારંભ થયો હતો.

મેયર પ્રદિપ ડવે  ઉમેર્યું હતુ કે એક સમયે આપણે સૌ ટીવી પર ગેમ્સ નિહાળતા હતાં, અને આજે હવે એ ગેમ્સ ઘર આંગણે લાઈવ નિહાળીશું. રાજકોટ માટે ખુબ જ ગૌરવની વાત છે કે, આપણે 36મી નેશનલ ગેમ્સની હોકી અને સ્વિમિંગ ઈવેન્ટ્સનાં યજમાન બન્યા છીએ.   સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન   પુષ્કરભાઇ પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું, જ્યારે મ્યુનિ. કમિશનર શ્રી અમિત અરોરાએ કાર્યક્રમની રૂપરેખા આપતા એમ કહ્યું હતું કે, ગુજરાતમાં યોજાયેલ નેશનલ ગેમ્સમાં રાજકોટને હોકી અને સ્વિમિંગ ઈવેન્ટ્સ આપવામાં આવેલ છે એ આપણા સૌનું સદભાગ્ય છે. સાત વર્ષ પછી નેશનલ ગેમ્સ યોજાઈ રહી છે અને એ પણ આપણા આંગણે, ત્યારે  18 સુધી રેસકોર્સમાં અહીં સવારે અને સાંજે વિવિધ ગેમ્સ અને એકટીવીટીઝ યોજાનાર છે જેમાં મોટી સંખ્યામાં લોકો તેમાં સામેલ થઈને રમતવીરોને પ્રોત્સાહન આપે અને સમગ્ર ગેમ્સની મજા માણે તેવી અપીલ કરૂ છું.આ પ્રસંગે જિલ્લા કલેકટર  અરૂણ મહેશ બાબુએ પ્રાસંગિક ઉદબોધન કરતા એમ કહ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જ્યારે પણ કોઈ ઇવેન્ટ યોજાય છે ત્યારે તેનું ખુબ સારૂ આયોજન થાય છે. આજે સવારે સાઈકલોથોનનું પણ ખુબ સારૂ આયોજન થયું હતું. રેસકોર્સ આપણા રાજકોટનું હાર્ટ સમાન સ્થળ છે અને સામાન્ય દિવસોમાં પણ મોટી સંખ્યામાં લોકો અહીં આવતા હોય છે.