Abtak Media Google News

૬૮ વર્ષે એર ઇન્ડિયાની ‘ઘરવાપસી’!!

બીડમાં ૧૮,૦૦૦ કરોડની સૌથી ઊંચી બોલી લગાડી એર ઇન્ડિયાને હસ્તગત કરતું ટાટા ગ્રુપ

ટાટા સન્સે અંતે ૬૮ વર્ષે ફરી એક વખત પોતે સ્થાપેલી એર ઈન્ડિયાનું સુકાન સંભાળવાની તૈયારી કરી લીધી છે. જે.આર.ડી. તાતાએ આ સ્વપ્ન જોયું હતું પરંતુ જે તે સમયની સરકારે એર ઇન્ડિયાનું રાષ્ટ્રીયકરણ કરી નાખતા સ્વપ્ન અધૂરું રહી ગયું હતું. કેન્દ્ર સરકારે દેવામાં ડૂબેલી સરકારી એરલાઈન એર ઈન્ડિયાનો ૧૦૦ ટકા હિસ્સો વેચવા માટે તાતા સન્સની રૂ. ૧૮,૦૦૦ કરોડની બોલી સ્વીકારી લીધી છે.

સરકારે શુક્રવારે તાતા સન્સ બોલી જીત્યું હોવાની સત્તાવાર જાહેરાત કરી હતી. કેટલાક દિવસ પહેલાં જ સરકારની જાહેરાત પહેલાં જ આ માહિતી મીડિયામાં લીક થઈ ગઈ હતી. જોકે, તે વખતે સરકારે આ અંગે કોઈ નિર્ણય નહીં લેવાયાની જાહેરાત કરી હતી. રોકાણ અને જાહેર અસ્કયામત સંચાલન વિભાગના સચિવ તુહિન કાન્તા પાંડેએ શુક્રવારે કહ્યું કે, એર ઈન્ડિયાનો ૧૦૦ ટકા હિસ્સો ખરીદવા તાતા સન્સના એકમ ટેલેસ પ્રા. લિ.એ રૂ. ૧૫,૩૦૦ કરોડનું દેવું ટેકઓવર કરવા તથા રૂ. ૨,૭૦૦ કરોડની રોકડમાં ચૂકવણીની ઓફર કરી હતી. ડિસેમ્બર ૨૦૨૧ સુધીમાં આ સોદો પૂરો થવાની શક્યતા છે.

રોકાણ અને જાહેર અસ્કયામત સંચાલન વિભાગના સચિવ તુહિન કાન્તા પાંડેએ જણાવ્યું હતું કે, એર ઈન્ડિયાને ખરીદવા માટે સ્પાઈસ જેટના પ્રમોટર અજય સિંહે રૂ. ૧૫,૧૦૦ કરોડની ઓફર કરી હતી. સરકારે દેવામાં ડૂબેલી સરકારી એરલાઈનનો સંપૂર્ણ ૧૦૦ ટકા હિસ્સો વેચવા માટે રૂ. ૧૨,૯૦૬ કરોડની રિઝર્વ પ્રાઈસ નિશ્ચિત કરી હતી. મીઠાથી લઈને સોફ્ટવેર સુધી બનાવતા ટાટા જૂથ માટે ૮મી ઑક્ટોબર ઐતિહાસિક બની રહી છે.

ટાટા જૂથે લગભગ ૬૮ વર્ષ પછી તેણે જ સ્થાપેલી એર ઈન્ડિયા કંપનીનું સુકાન ફરીથી પોતાના હાથમાં લેવાની બીડ જીતી લીધી છે. આ બોલી જીતવા સાથે જ હવે ભારતીય ઉડ્ડયન ઉદ્યોગમાં તાતા જૂથનો દબદબો વધી જસે. તાતા જૂથ હવે દેશમાં ત્રણ એરલાઈન વિસ્તારા, એર એશિયા અને એર ઈન્ડિયાનું માલિક બની ગયું છે.

વર્ષ ૨૦૦૩-૦૪ પછી કોઈ સરકારી કંપનીનું આ સૌપ્રથમ સંપૂર્ણપણે ખાનગીકરણ હતું. એર ઈન્ડિયાની ખરીદી સાથે સેંકડો વિમાનો, હજારો તાલિમબદ્ધ પાઈલટ્સ અને ક્રૂ તથા સમગ્ર વિશ્વમાં આકર્ષક જમીન અને પાર્કિંગ સ્લોટ્સ તાતા જૂથના હાથમાં આવી ગયા છે. જોકે, તાતા સન્સના આ ટ્રાન્ઝેક્શનમાં રૂ. ૧૪,૭૧૮ કરોડના મૂલ્યની જમીન, ઈમારતો સહિતની નોન-કોર અસ્કયામતોનો સમાવેશ થતો નથી. આ ભંડોળ સરકારની એર ઈન્ડિયા એસેટ હોલ્ડિંગ લિમિટેડને ટ્રાન્સફર કરાશે.

દેશની સૌથી મોટી સરકારી એરલાઈન પર રૂ. ૬૧,૫૬૨ કરોડનું દેવું હતું. સરકારને દેવામાં ડૂબેલી એરલાઈનને વેચવામાં ત્રીજા પ્રયત્ને સફળતા મળી હતી. અગાઉ વર્ષ ૨૦૧૭માં સરકારે એર ઈન્ડિયાને વેચવા કાઢી હતી, પરંતુ કોઈ પણ કંપનીએ રસ લીધો નહોતો. ત્યાર પછી સંભવિત રોકાણકારોના ફીડબેક મેળવ્યા પછી ગયા વર્ષે ઑક્ટોબરમાં પણ સરકારે એરલાઈનને વેચવા માટે બીડ મગાવ્યા હતા.

આ વખતે સરકારે રોકાણકારોને એર ઈન્ડિયાનું દેવું ટ્રાન્સફર કરવા સંબંધિત નિયમમાં ફેરફાર કર્યો હતો. નવા રોકાણકારને ટેકઓવર માટે ૮૫:૧૫ના રેશિયોથી દેવાનું પ્રમાણ નિશ્ચિત કરવાની સુવિધા અપાઈ હતી. એર ઈન્ડિયાનું વર્ષ ૨૦૦૭માં સ્થાનિક ઓપરેટર ઈન્ડિયન એરલાઈન્સ સાથે જોડાણ કરાયું ત્યારથી તે દેવામાં ડૂબેલી હતી.

એરલાઈન પર કબજો કરવાની સાથે તાતા સન્સને ડોમેસ્ટિક એરપોર્ટ્સ પર ૪,૪૦૦ ડોમેસ્ટિક અને ૧,૮૦૦ આંતરરાષ્ટ્રીય લેન્ડિંગ અને પાર્કિંગ સ્લોટ તેમજ વિદેશના એરપોર્ટ્સ પર ૯૦૦ સ્લોટનું નિયંત્રણ મળશે. આ સાથે તાતા સન્સને લો-કોસ્ટ આર્મ એર ઈન્ડિયા એક્સપ્રેસનું ૧૦૦ ટકા અને એઆઈએસએટીએસનું ૫૦ ટકા નિયંત્રણ મળશે, જે મોટાભાગના ભારતીય એરપોર્ટ્સ પર કાર્ગો અને ગ્રાઉન્ડ હેન્ડલિંગ સેવા પૂરી પાડશે.

એર ઈન્ડિયા અને તેની સંલગ્ન કંપનીઓનું સંયુક્ત દેવુ રૂ. ૬૧,૫૬૨ કરોડ છે, જેમાંથી ટાટા રૂ. ૧૫,૩૦૦ કરોડનું દેવું ટેકઓવર કરશે. બાકીનું રૂ. ૪૬,૬૨૬ કરોડનું દેવું સ્પેશિયલ પરપઝ વ્હિકલ એર ઈન્ડિયા એસેટ્સ હોલ્ડિંગ લિ. (એઆઈએએચએલ)ને ટ્રાન્સફર કરાશે. પાંડેએ જણાવ્યું કે ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં એર ઈન્ડિયા સ્પેસિફિક ઓલ્ટરનેટિવ મિકેનિઝમ હેઠ ગ્રુપ ઓફ મિનિસ્ટર્સે તાતાના બીડને ૪થી ઓક્ટોબરે મંજૂર કર્યું હતું.

જહંગીર રતનજી દાદાભોય (જેઆરડી) તાતાએ વર્ષ ૧૯૩૨માં દેશની સૌપ્રથમ એરલાઈન તાતા એરલાઈનની સ્થાપના કરી હતી. ૧૯૪૬માં તાતા સન્સના એવિએશન ડિવિઝનનું એર ઈન્ડિયા તરીકે લિસ્ટિંગ થયું હતું અને ૧૯૪૮માં એર ઈન્ડિયા ઈન્ટરનેશનલે યુરોપની ફ્લાઈટ્સ લોન્ચ કરી હતી. આંતરરાષ્ટ્રીય સર્વિસ ભારતમાં સૌપ્રથમ જાહેર-ખાનગી ભાગીદારીમાંની એક હતી, જેમાં સરકાર ૪૯ ટકા હિસ્સો ધરાવતી હતી જ્યારે તાતા ૨૫ ટકા અને પબ્લિક બાકીનો હિસ્સો ધરાવતા હતા. જોકે, વર્ષ ૧૯૫૩માં સરકારે એર ઈન્ડિયાનું રાષ્ટ્રીયકરણ કરી નાંખ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.