રાષ્ટ્રપતિના આગમન પૂર્વે જડબેસલાક પોલીસ બંદોબસ્ત; રિહર્સલ યોજાયું

રાષ્ટ્રપતિ કાલે રાજકોટમાં ટૂંકુ રોકાણ કરશે આજે એરપોર્ટ પર ૫ હેલિકોપ્ટરનું રિહર્સલ,  સિવિલનો ત્રીજો માળ ઈમરજન્સી માટે સંપૂર્ણ રિઝર્વ

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને તેમના પત્ની સાથે આવતીકાલે શુક્રવારે રાજકોટ આવી રહ્યાં છે. રાજકોટ એરપોર્ટ અને સર્કિટ હાઉસ ખાતે તડામાર તૈયારીઓ શરુ કરવામાં આવી છે. રાષ્ટ્રપતિના કાફલા સાથે ૭૦ જેટલા અન્ય કર્મચારીઓ રાજકોટ આવી પહોંચ્યા છે. જે તમામની રહેવા-જમવા સહિતની સગવડતાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.

રાષ્ટ્રપતિના આગમનને લઈને રાજકોટ એરપોર્ટ પર આજે સવારે જ સુરક્ષાના ભાગરૂપે પાંચ હેલિકોપ્ટર રિહર્સલ કરી રહ્યાં છે. તેમજ એરપોર્ટ પર બંદોબસ્તમાં પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા છે. રાજકોટ સિવીલ હોસ્પિટલનો ત્રીજો માળ ઈમરજન્સી માટે સંપૂર્ણ રિઝર્વ રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત રાજકોટ એરપોર્ટ રોડ પરથી સિવિલ હોસ્પિટલ ચોક સુધીમાં બપોરના સમયે રિહર્સલ માં  પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ , ડિસપી ઝોન -૧ મનોહરસિંહ જાડેજા, ડીસીપી ઝોન ૨ પ્રદીપ મિણા સહિત  ચાર એસીપી , ક્રાઇમ બ્રાન્ચ , એસ.ઓ.જી સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો.આ ઉપરાંત અન્ય સહ કર્મચારીમાં એરપોર્ટ ઓથોરિટી, જિલ્લા કલેકટર તંત્ર, માર્ગ અને મકાન વિભાગ, સિવીલ હોસ્પિટલ, ૧૦૮ એમ્બ્યુલન્સ સહિતના મોટાભાગના સરકારી અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા.

૭૦૦ જવાનોનો પોલીસ કાફલો ખડેપગે

નાતાલ પર્વ  નીમીતે દેશના રાષ્ટ્રપતિ દિલ્હીથી વાયા રાજકોટ થઇ દિવ જનારા છે. બાદમાં દિવથી રાજકોટ પરત થઇ દિલ્હી રવાના થશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દિવમાં નાતાલ વર્ષ મનાવવાના હોય દિલ્હીથી તા.રપ શુક્રવારના રાજકોટ એરપોર્ટ પહોચી ત્યાંથી દિવ જશે. બે દિવસના રોકાણ બાદ તા.ર૮ સોમવારના દિવથી વાયા રાજકોટ થઇ દિલ્હી પરત ફરશે. રાજકોટ એરપોર્ટ પર રાષ્ટ્રપતિ ટુંકુ રોકાણ કરનારા હોય પોલીસ તંત્ર દ્વારા ચકલુ પણ ના ફરકી શકે તેવો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. જે માટે એક જેસીપી, એક ડીસીપી, આઠ એસીપી, આઠ પોલીસ ઇન્સ્પેકટર પંચાવન પોલીસ સબ ઇન્સ્પેકટર, ચારસો અઢાર પોલીસ  પંદર એસઆરપી, એકસો ઇઠોતેર ટીઆરબી, આઠ હોર્ષ તથા એક ડોગ મળી સાતસો જેટલો પોલીસ સ્ટાફ બંદોબસ્ત જાળવશે. આ રીતે રાષ્ટ્રપતિનો સુરક્ષાની વિશિષ્ટ વ્યવસ્થા કરાઇ છે.