Abtak Media Google News

કોરોના પ્રોટોકોલના પાલન સાથે અષાઢી બીજની રથયાત્રા કાઢવા માટે રાજ્ય સરકાર દ્વારા અપાઈ મંજૂરી: ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કરી સત્તાવાર જાહેરાત

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મંગળા આરતી કરશે: પહિંદવિધિમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને સાધુ-સંતો જ હાજરી આપશે: રથયાત્રાના રૂટ પર કરફયુ લદાયો: નંદકુંવર દર્શન આપશે પણ પ્રસાદ નહીં

જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે રથયાત્રાને મંજૂરી આપવાના રાજ્ય સરકારના નિર્ણયને સહર્ષ વધાવી લીધો

ઓડિસ્સાના પુરી મંદિર સિવાય અન્ય સ્થળોએ અષાઢી બીજની રથયાત્રા નહીં યોજી શકાય તેવા સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ગઈકાલે ‘અબતક’ સાંધ્ય દૈનિક દ્વારા એવા સમાચાર આપી દેવામાં આવ્યા હતા કે, રૂપાણી જ સુપ્રીમ રહેશે અને અમદાવાદ સહિત ગુજરાતમાં અષાઢી બીજની રથયાત્રા કોરોના પ્રોટોકોલ સાથે યોજાશે. આ અહેવાલ પર આજે રાજ્ય સરકારે વિધિવત રીતે મંજૂરીની મહોર મારી દીધી છે. આગામી 12મી જુલાઈના રોજ અમદાવાદના સુપ્રસિધ્ધ જગન્નાથ મંદિરથી 144મી રથયાત્રા યોજાશે તેવી સત્તાવાર જાહેરાત ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કરી છે. નંદકુંવર નગરચર્યાએ નિકળી અમદાવાદવાસીઓને દર્શન ચોક્કસ આપશે પરંતુ પ્રસાદ વિતરણ સહિતની અનેક પાબંદીઓ લદાવી દેવામાં આવી છે. રથયાત્રાના રૂટ પર કરફયુ લગાવવામાં આવ્યો છે. એટલે લોકોએ લાઈવ પ્રસારણ જોઈ જગન્નાથજીના દર્શન કરવાના રહેશે.

આજે બપોરે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, અષાઢી બીજના દિવસે અમદાવાદ સહિત ગુજરાતના અલગ અલગ શહેરોમાં નિકળતી રથયાત્રાનું અલગ જ મહત્વ રહેલું છે. રથયાત્રા સાથે લાખો લોકોની શ્રધ્ધા જોડાયેલી છે. આ વર્ષે કોરોનાનું સંક્રમણ શાંત પડ્યું હોય. રથયાત્રા યોજવા માટે મંજૂરી આપવા માટે અનેક લેખીત અને મૌખીક રજૂઆત મળી હતી. રાજ્યમાં કોરોનાનું સંક્રમણ સતત ઘટી રહ્યું હોય ત્યારે અષાઢી બીજે અમદાવાદમાં જગન્નાથજીની 144મી રથયાત્રા યોજવા માટે મંજૂરી આપવાનો નિર્ણય રાજ્ય સરકારની હાઈપાવર કમિટી દ્વારા લેવામાં આવ્યો છે. રથયાત્રા કોરોનાના પ્રોટોકોલ સાથે યોજાશે.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, રથયાત્રા જે રૂટ પર નિકળવાની છે ત્યાં કરફયુની અમલવારી રહેશે. આ ઉપરાંત રથયાત્રામાં ગજરાજ, શણગારેલા ટ્રકો અને અખાડાને મંજૂરી આપવામાં આવી નથી. લોકો રથયાત્રાના દર્શન કરવા આવી શકશે નહી, વિવિધ ચેનલો દ્વારા કરવામાં આવતા લાઈવ પ્રસારણમાં ભગવાનના દર્શન કરવાના રહેશે. આટલું જ નહીં રથયાત્રા દરમિયાન કોઈપણ સ્થળે પ્રસાદનું વિતરણ કરવામાં આવશે નહીં. સરસપુર કે જ્યાં ભગવાનનું મોસાણ છે ત્યાં પણ નિયત કરેલા લોકો સીવાય વધારાના કોઈ ભાવિકો હાજરી શકશે નહીં. અષાઢી બીજે વહેલી સવારે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અમિતભાઈ શાહ દ્વારા ભગવાન જગન્નાથજીની મંગળા આરતી કરવામાં આવશે જ્યારે પરંપરાગત પહિંદવિધિમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ ઉપરાંત સાધુ-સંતો ઉપસ્થિત રહેશે.  ટૂંકમાં કોરોનાના પ્રોટોકોલ સાથે અષાઢી બીજે અમદાવાદમાં રથયાત્રા યોજવા માટે રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ગત વર્ષે કોરોનાનું સંક્રમણ ચરમસીમાએ હોવાના કારણે સરકારે અષાઢી બીજની રથયાત્રા યોજવા મંજૂરી આપી ન હતી. દરમિયાન આ વખતે કોરોના પ્રોટોકોલ સાથે કેટલીક શરતોને આધીન રથયાત્રાને મંજૂરી આપવામાં આવતા જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે રાજ્ય સરકારના આ નિર્ણયને સહર્ષ આવકાર્યો હતો અને તેઓએ કોરોનાને ધ્યાને લઈ સરકાર દ્વારા લગાવવામાં આવેલા નિયમોને પણ આવકારદાયક ગણાવ્યા હતા. સાથે સાથે ભાવિકોમાં આનંદની લાગણી વ્યાપી ગયાનું જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈકાલે જ ‘અબતક’ દૈનિક દ્વારા એવા અહેવાલ પ્રસિધ્ધ કરવામાં આવ્યા હતા કે, રૂપાણી સરકાર જ સુપ્રીમ બની રથયાત્રા માટે છુટછાટ આપશે જે અહેવાલ આજે અક્ષરસ: સાચા ઠર્યા છે. રાજ્ય સરકાર દ્વારા કેટલીક શરતોને આધિન રથયાત્રાને મંજૂરી આપવામાં આવી છે. ફક્ત 5 વાહનો સાથે રથયાત્રા નિકળશે. નીજ મંદિરથી નિકળ્યા બાદ ઠાકોરજીનો રથ કોઈપણ સ્થળે રોકાશે નહીં, રથયાત્રાના દિવસે કરફયુ અમલમાં રહેશે અને ચીજ મંદિરે જ્યારે ઠાકોરજી પરત ફરશે ત્યારે કરફયુનો અમલ રદ કરવામાં આવશે. પૂર્વ અને પશ્ર્ચિમ ઝોનના તમામ બ્રિજ રથયાત્રાના દિવસે બંધ રાખવાના નિર્ણય લેવામાં આવ્યા છે.

અષાઢી બીજે રથયાત્રા માટે રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવતા ભાવિકોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી છે. રથયાત્રા યોજવા માટે મંજૂરી આપવા અંગે નિર્ણય તો ગઈકાલે જ લેવાઈ ગયો હતો પરંતુ તેની સત્તાવાર જાહેરાત કરે અને જો કોઈ હિતશત્રુ કોર્ટમાં અરજી કરે તો રથયાત્રા પર જોખમ ઉભુ ન થાય અને રાજ્ય સરકારે કોર્ટમાં જવાબ આપવા સુધી જવું ન પડે તે માટે છેલ્લી ઘડીએ રથયાત્રા યોજવા શરતોને આધીન મંજૂરી આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.