જય સરદાર, જય પાટીદાર’ના નારા સાથે હળવદ ધોરીમાર્ગ ગુંજી ઉઠયોઃ હાર્દિક પટેલનો રોડ શૉ

અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલે અમદાવાદથી સોમનાથ સુધીની સંકલ્પ યાત્રાનો પ્રારંભ કર્યો હતો અને રોડ શૉ દરમિયાન ઠેરઠેર ઢોલનગારા સાથે સ્વાગત કરાયું હતું.પાસના કન્વીનર હાર્દિક પટેલની સંકલ્પ યાત્રા દરમિયાન 182 કારના કાફલા સાથે નિકળી સાંજે 6 કલાકે હળવદના સરા ચોકડી પહોંચતા ભવ્ય આતશબાજી અને ફુલોના હારથી હાર્દિક પટેલનું સ્વાગત કરાયું હતું. આ વેળાએ પાટીદાર સમાજનો લોકો અને પાસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા અને ‘જય સરદાર, જય પાટીદાર’ના નારા સાથે હાર્દિક પટેલનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે હાર્દિક પટેલનું આગમન થતાં પાસના કાર્યકરોએ સેલ્ફી લેવા ઉત્સુક બન્યા હતા. આ તકે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ડ્રોન કેમેરા સાથે પોલીસ કાફલો તૈનાત કરાયો હતો.આ સંકલ્પ યાત્રા સૌરાષ્ટ્રના અનેક ગામોમાંથી પસાર થઈ કેશોદ પહોંચી રાત્રી રોકાણ કર્યા બાદ આવતીકાલે સોમનાથ પહોંચશે. હળવદ પહોંચેલી સંકલ્પ યાત્રામાં હાર્દિક પટેલે જણાવ્યું કે, હળવદના લોકોને ખબર છે કે વિકાસ હવે ગાંડો થયો છે તે કટાક્ષ કરતા ઉમેર્યું કે હળવદના રોડ-રસ્તા કેવા છે? તે સૌ કોઈ જાણે છે.હળવદ સરા ચોકડી પહોંચેલી સંકલ્પ યાત્રામાં મનોજ પનારા, નિલેશ એરવડીયા, ગીતાબેન પટેલ, ધર્મેશ પટેલ, અનિરૂદ્ધ ઝાલા, વાસુદેવ પટેલ ભીખાભાઈ પટેલ સહિતના રોડ શૉના કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.