Abtak Media Google News

પંજાબ અને હરિયાણા ખેડૂતો પાસેથી ઘઉંની ખરીદી કરીને રૂ. 13 હજાર કરોડની સીધી ચુકવણી કરતી કેન્દ્ર સરકાર 

કેન્દ્ર સરકારે ઘઉંની ખરીદી ટેકાના ભાવે શરૂ કરી હતી. જે અંતર્ગત દેશભરમાથી આશરે 2.2 કરોડ ટન ઘઉંની ખરીદી કરીને સરકારી ભંડારો ભરી દેવામાં આવ્યા છે. તેમાં પણ ખાસ કુલ ખરીદીના 38% પંજાબના ખેડૂતો અને 32% હરિયાણાના ખેડૂતો પાસેથી ખરીદી કરીને બંને રાજ્યોના ખેડૂતોને આશરે રૂ. 13 હજાર કરોડની ચુકવણી પણ લરી દેવામાં આવી છે. ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે કે, આ ખરીદી અને ચૂકવણીથી પ્રથમ તો દેશમાં ઘઉંની અછતને સંપૂર્ણ ખાળી દેવામાં આવશે. સાથોસાથ ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવો મળ્યા છે. જે રીતે દેશમાં ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે તેમાં મોટાભાગના ખેડૂત આંદોલનકારીઓ પંજાબ અને હરિયાણાના છે ત્યારે આ બંને રાજ્યોના ખેડૂતો પાસેથી મહત્તમ ખરીદી કરીને પૈસાની ચુકવણી કરીને બંને રાજ્યોના ખેડૂતોને રિજવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. જેનો ફાયદો આગામી દિવસોમાં કેન્દ્ર સરકારને થઈ શકે છે. જ્યાં એકબાજુ આ બને રાજ્યોના ખેડૂતોમાં ટેકાના ભાવ સહિતની ખેડૂત કાયદાની બાબતો અંગે રોષનો માહોલ ઉભો થયો હતો ત્યાં આ પ્રકારે ખરીદી કરીને કેન્દ્ર સરકાર ખેડૂત વિરોધી નથી તેવું સરકારે સાબિત કરવાનો પ્રયત્ન કર્યો છે.

સરકારે સોમવારે કહ્યું હતું કે, સરકારે પંજાબના ખેડુતોના ખાતામાં આશરે રૂ. 8180 કરોડ રૂપિયા અને હરિયાણાના ખેડુતોને તેમના ઘઉંના પાકના વેચાણ પેટે રૂ. 4670 કરોડ સીધા તેમના ખાતામાં ટ્રાન્સફર કરી દીધા છે. સોમવાર સુધીમાં રવિ માર્કેટિંગ સિઝન દરમિયાન 2.2 કરોડ ટન ઘઉંની ખરીદી કરવામાં આવી હતી, જે ગત વર્ષના સમાન ગાળામાં 70 મિલિયન ટન રહી હતી. વર્ષ 2020 પાકમાં આ સમયગાળા દરમિયાન ખરીદી ઓછી હતી, કારણ કે દેશભરમાં કડક લોકડાઉન કરવામાં આવ્યું હતું.

મંત્રાલયે તેવું પણ કહ્યું હતું કે, અત્યાર સુધીમાં લગભગ 38% ખરીદી પંજાબથી થઈ છે, ત્યારબાદ હરિયાણા 32% અને મધ્યપ્રદેશ 23% સાથે ત્રીજા ક્રમાંકે છે.  હાલ સુધીમાં આશરે 2.2 કરોડ ટન ઘઉંની ખરીદી ખેડૂતો પાસેથી કરીને ભંડારો ભરી દેવામાં આવ્યા છે જેના કારણે હવે દેશવાસીઓને ઘઉં માટે કોઈ ચિંતા કરવાની જરૂરિયાત તો નથી જ સાથોસાથ ખેડૂતોને તેમના પાકના સારા ભાવ પણ મળ્યા છે.

આશરે 43,912 કરોડ રૂપિયાની ખરીદી ટેકાના ભાવે  ખરીદીથી ખેડુતોને ફાયદો થયો છે. નોંધનીય છે કે, હરિયાણા અને પંજાબમાં પ્રથમ વખત અનાજની ખરીદી ટેકાના ભાવે કરીને પૈસાની ચૂકવણી તેમના બેંક ખાતાઓમાં સીધી ટ્રાન્સફર કરવામાં આવી છે.  મંત્રાલયે કહ્યું કે, આનાથી ખેડૂતોને કોઈ પણ વિલંબ અને કાપ કર્યા વિના તેમની ચુકવણી મેળવવાની ખાતરી મળી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.