જામનગર: અકસ્માતમાં ઉદ્યોગપતિનું મોત ટ્રક પાછળ કાર ઘુસી જતા સર્જાયો અકસ્માત

જામનગર તાલુકાના શેખપાટ ગામના પાટીયા નજીક કાર ટ્રક પાછળ ધડાકાભેર ઘુસી જતાં કાર આગળથી ભુકકો બોલી ગઈ હતી અને કારમાં સવાર ઉદ્યોગપતિ વિપુલ હરિયા નામના યુવાનનું મોત નિપજ્યું હતું. ગમખ્વાર અકસ્માતના બનાવની મળતી માહિતી મુજબ જામનગર તાલુકાના શેખપાટ ગામના પાટીયા નજીક  રાત્રિ ના સમયે જીજે-10-એપી-7407 નંબરની કાર આગળ જતાં ટ્રક પાછળ ધડાકાભેર અથડાતા અકસ્માત થયો હતો.

આ અકસ્માતમાં આગળનો ભાગનો ભુકકો બોલી ગયો હતો. જેના કારણે કારમાં સવાર વિપુલ જેન્તીભાઈ હરિયા (ઉ.વ.47) નામના યુવાનને ગંભીર ઈજા પહોંચી હતી. બનાવની જાણ થતા જામનગર ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને કારમાં ફસાયેલ યુવાનને બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર કારગત નિવડે તે પહેલાં જ યુવાનનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણ થતા પોલીસ કાફલો હોસ્પિટલે પહોંચી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલવા કાર્યવાહી હાથ ધરી હતી.