જામનગર: વીજરખી ગામે ફાયરિંગ રેંજમાંથી છૂટેલી ગોળીએ ખેત મજૂરને વીંધી નાખ્યો

ખેતી કરતા મજૂરને પગમાં ગોળી ઘુસી જતા સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયો: ફાયરિંગ અન્ય સ્થળે કરવા ગ્રામજનોની રજૂઆત

જામનગરના વિજરખી ગામે ફાયરિંગ રેંજમથી છૂટેલી ગોળીએ ખેત મજૂરને વીંધી નાખતા તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ખેતી કરતી વેળાએ પ્રેક્ટિસ દરમિયાન છૂટેલી ગોળી શ્રમિકના પગમાં ધૂસી જતા ગ્રામજનોએ ફાયરિંગનું સ્થળ બદલવા માટે રજૂઆત કરવામાં આવી છે.

જામનગર નજીકના વિજરખી ફાયરિંગ રેન્જ પાસે ખેત મજૂરી કામ કરતા પરપ્રાંતીય મજૂરને ખેતી કામ કરતી વખતે ગોળી લાગી હોવાથી 108 મારફતે જામનગરની જી.જી હોસ્પિટલમાં સારવાર ખસેડવામાં આવ્યા હતા.

જામનગર તાલુકાના વિજરખી ગામમાં આજે સવારે એસઆરપીના જવાનો દ્વારા કરવામાં આવી રહેલી ફાયરિંગની પ્રેક્ટિસ દરમિયાન એક ખેત મજૂરને પગમાં ગોળી વાગી જતાં ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. જેને તાત્કાલિક અસરથી સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યો હતો.જ્યાંથી વધુ સારવાર માટે મજૂરને રાજકોટ સીવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

આ બનાવની વિગત એવી છેકે જામનગર નજીક વિજરખી રેન્જ એરિયામાં લશ્કરી દળ, પોલીસ અને એસઆરપી ગ્રૂપ વગેરે દ્વારા ફાયરિંગની પ્રેક્ટિસ કરવામાં આવે છે, અને સમયાંતરે આ વિસ્તારમાં ફાયરિંગ પ્રેક્ટિસ દરમિયાન લોકોએ -અવરજવર નહીં કરવા માટે વહીવટી તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવે છે. દરમિયાન આજેસવારે ગોંડલ એસઆરપી કેમ્પના જવાનો દ્વારા પ્રેક્ટિસ કરવામાં આવી રહી હતી. જે દરમિયાન વિજરખી ગામમાં રહેતા ખેડૂત વિક્રમભાઈ શિયાળની વાડીમાં ખેત મજૂરી કામ કરી રહેલા મૂળ મધ્યપ્રદેશના વતની એવા ગલિયાભાઈ સુલતાનભાઈ માવી નામના 35 વર્ષના પરપ્રાંતિય શ્રમિકને પગમાં ગોળી વાગી જતાં ભારે દેકારો બોલી ગયો હતો.

ખેત મજૂરી કરતા ખેતમજૂર મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલ વિજરખી ખાતે વારી વિસ્તારમાં પરપ્રાંતીય યુવકને ખેત મજૂરી કરતી વેળાએ પગમાં ગોળી લાગી હતી. જ્યારે ગોળી લાગતા નાસ ભાગ મચી હતી. તેમજ યુવકના પરિવારજનો તથા વાડી માલિકો દોડી આવ્યા હતા. તેમજ ત્યારબાદ ફાયરિંગ પ્રેક્ટિસ બંધ કરવા અને અન્ય જગ્યાએ ખસેડવા માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાઈ હતી તેમ જ હાલ ખેત મજૂરોમાં પણ ભારે ભયનો માહોલ ફેલાઈ ગયો છે અને ગ્રામજનોમાં પણ રોષ જોવા મળ્યો છે.