જામનગર ભગવાન ભરોસે: વેઈટીંગમાં રહેલા 10 કોરોનાગ્રસ્ત દર્દીઓએ ગુમાવ્યા પ્રાણ, 50થી વધુ એમ્બ્યુલન્સ કતારમાં

0
19

હાઇપ્રોફાઇલ લાગવગવાળા દર્દીઓને આડેથી હોસ્પિટલમાં દાખલ કરાતા હોવાનો પણ એક દર્દીના સગાનો ચોંકાવનારો આક્ષેપ

 

જામનગરની જી.જી.કોવિડ હોસ્પિટલમાં છેલ્લા 21 દિવસમાં 1000થી વધુ દર્દીઓના મૃત્યું નિપજ્યા છે. પરિણામે કોરોનાની પ્રથમ લહેરમાં ચીનના વુહાનની જે સ્થિતિ હતી તેથી પણ વધુ ગંભીર સ્થિતિ જામનગરની જોવા મળે છે. બે દિવસ દરમ્યાન હોસ્પિટલમાં બેડ ખાલી ન હોવાથી વેઇટીંગમાં રહેલા 10 દર્દીઓએ પ્રાણ ગુમાવવા પડયા છે. જામનગરમાં કોરોનાનો દાવાનળ દરરોજ અનેકને દઝાડી રહ્યો છે અને ભરખી રહ્યો છે. મંગળવારે 483 અને ગઇકાલે બુધવારે 509 પોઝીટીવ કેસ જિલ્લાના નોંધાયા છે. કોરોનાનો દાવાનળ આટલી મોટી સંખ્યામાં લોકોને દઝાડી રહ્યો છે. પોઝીટીવ કેસની સંખ્યા દરરોજ આગલા દિવસના આંક કરતા વધુ નોંધાઇ રહી છે. પરિણામે કોરોનાની ચેન હવે લોકડાઉન સિવાય તોડવી મુશ્કેલ બની છે છતા સરકારના પેટનું પાણી હલતું નથી.મોટી સંખ્યામાં પોઝીટીવ કેસ નોંધાવાની સાથે કોવિડ હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દીઓના ટપોટપ મોત થઇ રહ્યા છે. દર 15-20 મિનિટે એક દર્દી ફાની દુનિયા છોડી રહ્યો છે. મંગળવારે 14 વર્ષની એક તરૂણીનું કોવિડ હોસ્પિટલની બહાર વેઇટીંગમાં જ મૃત્યું નિપજ્યું હતું. કુદરતની ક્રૃરતા ગઇકાલે ફરી આગળ વધી હતી. ગઇકાલે બપોરે અઢી વાગ્યા આસપાસ વધુ બે કરૂણ ઘટના બની હતી.જેમાં પણ હોસ્પિટલમાં બેડ ન મળવાથી વેઇટીંગમાં કતારમાં ઉભેલ બે દર્દીએ વાહનમાં જ દમ તોડી દિધો હતો. દર્દીઓને સમયસર હવે 108 કે ખાનગી એમ્બ્યુલન્સ પણ મળતી ન હોવાથી જે વાહન મળે તે લઇને તેના સગા જી.જી.કોવિડ હોસ્પિટલ પહોંચે છે. પરંતુ કમનશીબે દરેક દર્દીને તાત્કાલિક બેડ પણ મળતો નથી એટલે 108ના સ્ટાફ તેમજ હોસ્પિટલનો સ્ટાફ બહાર આવીને દર્દીની સારવાર કરી રહ્યો છે.

પરંતુ ખાનગી એમ્બ્યુલન્સ કે અન્ય વાહનોમાં વેન્ટીલેટર જેવી સુવિધા ન હોવાથી જીવ ગુમાવવા પડી રહ્યો છે. 1232 બેડની સામે 2000 જેટલા દર્દીઓ હોસ્પિટલની અંદર સારવાર લઇ રહ્યા છે એટલુ જ નહીં પરંતુ ગઇકાલે રાતથી આજે સવાર સુધી હોસ્પિટલ પરિસરમાં જ સરકારી અને ખાનગી વાહનોમાં 60થી વધુ દર્દીઓ વેઇટીંગમાં જોવા મળ્યા હતા.ગઇકાલે બપોરે બેડની અછતને લીધે હોસ્પિટલ પરિસરમાં વેઇટીંગમાં ઉભેલ ધ્રોલ પંથકના દર્દી નયનાબા હરપ્રિતસિંહ ગોહિલ નામના 78 વર્ષના વૃધ્ધાનું 108 એમ્બ્યુલન્સમાં જ પ્રાથમિક સારવાર ચાલુ હતી તે વેળાએ જ પ્રાણપંખેરૂ ઉડી ગયું હતું. આવી જ રીતે અન્ય એક ઘટનામાં ઓટો રીક્ષામાં જી.જી.હોસ્પિટલ પહોંચેલ જામનગર તાલુકાના શેખપાટ ગામના 60 વર્ષના વૃધ્ધા રાધાબેન કાનજીભાઇ કણજારીયા નામના મહિલા દર્દીનું પણ કમનસીબે તેણીનું હોસ્પિટલમાં સારવાર મળેતે પહેલા જ મૃત્યું નિપજ્યું હતું. કુદરતની ક્રુરતા આ પછી પણ અટકી ન હતી અને આખી રાત્રી દરમ્યાન પણ આ ઘટનાનું રિપીટેશન ચાલુ રહ્યું હતું. કાલાવડ તાલુકાના પિયર ગામનો એક યુવાન તેના નાનાભાઇને કોરોનાની સારવાર કરાવવા જામનગર જી.જી.હોસ્પિટલમાં ગઇકાલે સાંજે આવ્યો હતો. જેને આજે સવાર સુધી હોસ્પિટલમાં એડમીશન મળેલ નથી પરંતુ એમ્બ્યુલન્સમાં જ ઓક્સિજન ઉપર રાખવામાં આવેલ છે. આ યુવાને ગમગીન સ્થિતિમાં લાચારીનું વર્ણન કર્યુ હતું. જે સાંભળીને ભલભલાના રૂવાડા ઉભા થઇ જાય તેવી સ્થિતિ તેમના કહેવા મુજબ તે આખી રાત પોતાના ભાઇનું ધ્યાન રાખવા જાગતો હતો. રાત્રી દરમ્યાન 6 થી 7 દર્દીઓએ હોસ્પિટલમાં બેડ ન મળવાથી વેઇટીંગમાં જ એમ્બ્યુલન્સ તેમજ ખાનગી વાહનમાં પ્રાણ ગુમાવી દિધા છે અને જો સરકાર જરૂરી વ્યવસ્થા તાકિદે નહી કરે તો આ કમકમાટીભરી ઘટનાઓ દરરોજ બનશે.આ યુવાને એવો પણ ચોંકાવનારો આક્ષેપ કર્યો હતો કે વગદાર લોકોને આડેથી હોસ્પિટલમાં દાખલ કરાવાઇ રહ્યા હોવાથી સામાન્ય લોકો મોતને ભેટવા લાગ્યા છે. આ અંગે સરકારે માનવતાના ચશ્મા પહેરવાની અને લાગવગશાહીના ચશ્મા ઉતારવાની જરૂર છે. જામનગરમાં કોરોના સંક્રમણને નાથવા તેમજ સંક્રમિત દર્દીઓની સારવાર માટે હોસ્પિટલના ડોક્ટરો, નર્સીંગ સ્ટાફ સહિતના કર્મચારીઓ દિવસ-રાત એક કરી રહ્યાં છે.

24 કલાકમાં કોરોના 120 દર્દીઓને ભરખી ગયો

જામનગર જિલ્લામાં કોરોનાએ કાળો કેર મચાવતા કોવિડની સારવાર દરમિયાન દર્દીઓના ટપોટપ મોત થઈ રહ્યા છે. જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન કોવિડની સારવાર દરમિયાન 120 જેટલા દર્દીઓએ દમ તોડી દીધો છે. તો 24 કલાક દરમિયાન જિલ્લામાં અત્યાર સુધીના રેકોર્ડબ્રેક 564 કેસ નોંધાયા છે.જામનગર જિલ્લામાં આજે જે કેસ નોંધાયા છે તેમાં 336 કેસ શહેરી વિસ્તારમાં અને 228 કેસ ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયા છે. તો 279 દર્દીઓ કોરોનાને માત આપવામા સફળ રહેતા આજે ડીસ્ચાર્જ કરવામા આવ્યા હતા. તો આજે કોવિડ હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન 120 દર્દીઓના મોત નિપજ્યા હતા. જામનગર શહેરમાં અત્યાર સુધીમાં 3 લાખ 01 હજાર 106 લોકોના અને ગ્રામ્ય વિસ્તારમાં 2 લાખ 35 હજાર 775 લોકોના સેમ્પલ લેવામા આવ્યા છે. જામનગર જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણની ચેઈન તોડવા માટે ગયા સપ્તાહે શુક્રવારથી રવિવાર સુધી ત્રણ દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન રાખવામા આવ્યું હતું. જો કે, ત્યારબાદ પણ શહેરમાં દરરોજ રેકોર્ડબ્રેક કેસ નોંધાવાનો સિલસિલો યથાવત છે. અને ચિંતાજનક રીતે સારવાર દરમિયાન દર્દીઓના મોત પણ થઈ રહ્યા છે. તેમ છતા સંક્રમણની ચેઈન તોડવા માટે અન્ય આયોજનનો અભાવ દેખાઈ રહ્યો છે.

કાળમુખા કોરોનાએ વધુ એક ભાજપના વોર્ડ પ્રમુખનો ભોગ લીધો

જામનગરમાં કોરોનાના સંક્રમણના કારણે અનેક દર્દીઓથી હોસ્પિટલોમાં વેઇટીંગ ચાલી રહ્યું છે ત્યારે કોરોનાએ શહેર ભાજપના બીજા વોર્ડ પ્રમુખનો આજે સવારે કોરોનાએ ભોગ લીધો હતો. શહેરના રાજપુત સમાજના આગેવાન અને વોર્ડ.નં.15ના ભાજપના વોર્ડ પ્રમુખ નિલેષસિંહ જાડેજાનું કોરોનાની સારવાર દરમ્યાન મૃત્યું નિપજ્યું હતું. જેનાથી ભાજપ પરિવારમાં શોકની લાગણી ફેલાઇ છે.ભાજપના વોર્ડ.નં.16ના વોર્ડ પ્રમુખ અને રાજપુત સમાજના આગેવાન એવા નિલષસિંહ જાડેજાનું સારવાર દરમ્યાન આજે વહેલી સવારે મૃત્યું નિપજ્યું હતું. આમ કોરોનાની સારવાર દરમ્યાન વોર્ડ નં.3ના પ્રમુખ અશ્ર્વિનભાઇ છાપીયાના મૃત્યું પછી બીજી મૃત્યું ભાજપના વોર્ડ.નં.16ના પ્રમુખ નિલેષસિંહ જાડેજાનું મૃત્યું થતા ભાજપ પરિવારમાં શોકની લાગણી ફેલાઇ છે. આમ બબ્બે વોર્ડ પ્રમુખને કોરોના ભરખી ગયો છે. કારણ કે નિલેષસિંહ જાડેજા તા.20ના રોજ કોરોનાના સારવાર લેવા માટે કોવિડ હોસ્પિટલમાં દાખલ થયા હતા. જેઓનું આજરોજ વહેલી સવારે સારવાર દરમ્યાન મૃત્યું નિપજ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here