જામનગરના શક્તિ ગ્રહ ઉદ્યોગના સંચાલક બે ભાઈઓએ બે વર્ષ પહેલાં સોદો કર્યા પછી નાણાં નહીં ચૂકવી છેતરપિંડી કર્યાની ફરિયાદ
જામનગરના શંકર ટેકરી ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલા મહાજન વેપારીના બે શેડ ખરીદવાના બહાને જામનગરના શક્તિ ગ્રહ ઉદ્યોગના સંચાલક બે ભાઈઓએ બે વર્ષથી રૂપિયા નહીં ચૂકવી એક કરોડ ચાલીસ લાખની છેતરપિંડી કરવા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવાતા ભારે ચકચાર જાગી છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં હરિયા સ્કૂલ સામે મહાવીર એપાર્ટમેન્ટમાં રહેતા અને ઉદ્યોગ નગર વિસ્તારમાં મુંબઈના મહાજન વેપારી મિલકતો વગેરે સંભાળતા અને કારખાના નું એકમ ચલાવતા મેહુલભાઈ વીરચંદ શાહ નામના મહાજન વેપારીએ જામનગરના શક્તિ ગ્રહ ઉદ્યોગના સંચાલક મુકેશ મંગળજી મકવાણા તેમજ તેમના ભાઈ શાંતિ લાલ મંગળજીભાઈ મકવાણા સામે રૂપિયા એક કરોડ ચાલીસ લાખની છેતરપિંડી કર્યાની ફરિયાદ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર મૂળ મુંબઈના મહાજન વેપારી રાજન ગડા કે જેઓના શંકર ટેકરી ઉદ્યોગ નગર વિસ્તારમાં બે પ્લોટ આવેલા છે, અને તેમાં શેડ ઊભા કર્યા બાદ તેનું સંચાલન ફરિયાદી મેહુલભાઈ શાહ ગણાં વર્ષોથી કરી રહ્યા છે.
જે બંને પ્લોટમાં ઊભા કરેલા સેડ એક કરોડ 65 લાખ માં બંને ભાઈઓએ આજથી બે વર્ષ પહેલાં શોદો કરીને ને સુથી પેટે 51,000ની રકમ આપી હતી, જયારે કેટલીક રકમ ચેક મારફતે પણ ચૂકવી હતી, અને તેના કાગળો તૈયાર કરાવ્યા હતા.
જ્યારે બાકીની 1.40 કરોડ ની રકમ પોતે લોન મેળવીને ચૂકવી દેશે તેમ જણાવ્યું હતું. પરંતુ બે વર્ષનો સમયગાળો વીતી ગયો હોવા છતાં બાકીની 1કરોડ 40 લાખની રકમ ચૂકવી ન હતી, અને મૂળ માલિક રાજનભાઈ ગડાની હાજરી વગર નોટરી કરાર વગેરે કરાવી લીધા હતા, અને બાકીના નાણા નહીં ચૂકવતાં વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હોવાથી મામલો પોલીસ મથકમાં લઈ જવાયો હતો.
જે ફરિયાદ ના આધારે સીટી સી. ડિવિઝન ના પી.એસ.આઇ. આર.ડી. ગોહિલે આઇપીસી કલમ 406 અને 420 મુજબ બંને ભાઈઓ સામે ગુન્હો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.
અહેવાલ : સાગર સંઘાણી