Abtak Media Google News

દર્દીઓની બેદરકારીથી તબીબો પણ કોરોનાની ઝપટે ચડે છે: લોકજાગૃતિ નહીં આવે તો કોરોનાને અંકુશમાં લેવો મુશ્કેલ બનશે

જી જી હોસ્પિટલમાં દર્દીઓના ટોળા અને ગંભીર બેદરકારી કોરોનાને વકરાવશે તેવી દહેશત વ્યકત થઈ રહી છે. કાળમુખા કોરોનાએ જામનગર પંથકને બાનમાં લીધુ હોય તેમ પોઝીટીવ કેસ અને મોતની સંખ્યાનો આંકડો રોજે-રોજ નવી ઉંચાઇએ જઇ રહ્યો છે. આવા કપરા કાળમાં પણ પ્રજા માસ્ક અને સોશ્યિલ ડિસ્ટન્સ બાબતે સમજવાનું નામ જ નથી લેતી આથી કોરોનાને મોકળું મેદાન મળી રહ્યું છે.

જામનગરની જી.જી. હોસ્પિટલમાં જાણે કોરોના કહેર ટાઢો પડી ગયો હોય તેમ દર્દીઓ અને ડોકટરો માસ્કના નિયમોનો ખુલ્લે આમ છેદ ઉડાવી રહ્યો છે. જી.જી.હોસ્પિટલની કેસબારી, દવાબારી, એકસ રે વિભાગ, ઓપીડી વિભાગ સહિતના સ્થળોએ દર્દીઓ ઉઘાડા મોઢે બેફામ આંડા ફેરા કરી રહ્યા છે. કોરોના ગાઇડલાઇનની ફરજ ચુકતા દર્દીઓને સિકયોરિટીવાળાઓ સમજાવવાનો પ્રયાસ કરે છે ત્યારે અમુક અણસમજુ દર્દીઓ સિકયુરીટીવાળાઓને પણ દાદ ન આપતા હોવાના કિસ્સાઓ હોસ્પિટલના આંગણે રોજ બને છે. કોરોનાની આવી કપરી ઘડીમાં જયારે શહેરીજનોનો સહકાર મહત્વનો છે આવા ખરે ટાણે જ લોકો બેદરકારી દાખવે છે. અમુક દર્દીઓની બેદરકારીના પાપે હોસ્પિટલમાં કોરોના યોધ્ધા ગણાતા ડોકટરો પણ કોરોનાની ઝપટે ચડતા હોવાની રાવ ઉઠી છે. લોકો સમાજના દુશ્મન બની કોરોના ગાઇડલાઇનનું ઉલંઘન કરશે તો આગામી સમયમાં કોરોનાનું બિહામણું રૂપ સામે આવશે જેમાંથી બચવું મુશ્કેલ બનશે તેવુ લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.

જી જી હોસ્પિટલમાં ખાસ નોડલ ઓફિસરની નિમણૂંક

શહેર અને જિલ્લામાં કોરોનાને રોકવા તંત્ર સજ્જ

વન વિભાગના અધિકારીએ કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી; ગાઈડ લાઈનનું ચુસ્ત પાલન કરવા તાકીદ

Screenshot 2 3

જામનગરની જી જી હોસ્પિટલમાં નોડલ ઓફિસર તરીકે ફોરેસ્ટ વિભાગના મહિલા અધિકારીની નિમણૂંક કરવામાં આવી છે. જામનગર શહેર અને જિલ્લામાં વધતાં જતાં કોરોના સંક્રમણને અનુલક્ષીને જામનગર જિલ્લા કલેકટર રવિશંકરે ગઇકાલે સાંજે યોજેલી એક અગત્યની બેઠકમાં જિલ્લાના જુદા-જુદા વિભાગના ઉચ્ચ અધિકારીઓને કોરોના સંક્રમણ સંદર્ભે તંત્રીની કામગીરી પર ચાંપતી નજર રાખવા માટે ખાસ નોડલ અધિકારીઓ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં જામનગર ફોરેસ્ટ વિભાગમાં અધિકારી તરીકે ફરજ બજાવતા મહિલા અધિકારી આર.બી. પરસાણાને જી.જી.કોવિડ હોસ્પિટલની જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ હોસ્પિટલની કલિનિકલ બાબતોની સમીક્ષા કરશે. જ્યારે શહેરની કોવિડ હોસ્પિટલમાં સરકાર દ્વારા રાધિકા પરસાણાની સ્પેશિયલ ઈન્ચાર્જ ઓફિસર તરીકે નિમણૂક કરેલ છે.  રાધિકા પરસાણાએ સમગ્ર કોવિડ હોસ્પિટલનું નિરીક્ષણ કર્યું હતું અને કર્મચારીઓને એમ્બ્યુલસ, સાફ-સફાઈ, સેનેટાઇઝેશનની કામગીરી સહિત કોવિડ ગાઈડલાઈન ચુસ્તપણે પાલન કરવાની કડક સૂચના આપી હતી. દરમિયાન આર.બી. પરસાણાએ સવારે જી.જી. હોસ્પિટલના કોવિડ વિભાગની મુલકાત લીધી હતી. હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓની જાણકારી મેળવી તબીબો તેમજ અધિકારીઓ સાથે દર્દીઓની સુવિધા તેમજ ભવિષ્યની જરૂરીયાતોને ધ્યાનમાં રાખી સમીક્ષા પણ કરી હતી.

કોવિડ હોસ્પિટલમાં 200 નર્સિંગ સ્ટાફની ભરતી કરવા કાર્યવાહી શરૂ

શહેર અને જિલ્લામાં કોરોના નું સંક્રમણ વધી ગયું હોવાથી જી.જી હોસ્પિટલ પર ભારણ વધ્યું છે. જીજી હોસ્પિટલ કોવીડ બિલ્ડીંગ તેમજ જૂના અલગ-અલગ વોર્ડમાં દર્દીઓની સંખ્યા દિનપ્રતિદિન વધતી જાય છે. જેને લઇને પેરામેડિકલ સ્ટાફની ભારે અછત સર્જાઇ રહી છે જેને પહોંચી વળવા માટે જી.જી હોસ્પિટલ ના તંત્ર દ્વારા નર્સિંગ સ્ટાફની ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. આ પ્રક્રિયા એમ .જે .સોલંકી નામની ખાનગી પેઢી દ્વારા આઉટસોર્સિંગથી જી.જી.હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફની હંગામી ધોરણે ભરતી કરવામાં આવી રહી છે જેઓને પ્રતિમાસ 13000 ના પગાર ધોરણથી જી.જી.હોસ્પિટલમાં સેવા આપવા માટે ના કોલલેટર આપ્યા છે. જેના ભાગરૂપે 58 નર્સિંગ સ્ટાફની ભરતી કરવામાં આવી છે અને આ ભરતી પ્રક્રિયામાં અવિરત ચાલુ રાખવામાં આવી છે. જેઓ પાસે થી બે સપ્તાહ માટે કોવિડ બિલ્ડિંગમાં જ્યારે બે સપ્તાહ માટે જનરલ વિભાગમાં સારવાર માટેની કામગીરી કરવામાં આવશે. કુલ 200 થી વધુ નર્સિંગ સ્ટાફની ભરતી પ્રક્રિયા હાથ ધરાશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, જામનગર શહેર અને જિલ્લામાં એક જ ખાનગી એક જ સેન્ટર ચાલુ છે ત્યારે જી.જી.હોસ્પિટલ ના કોવિડ સેન્ટરમાં જ હાલ એકસાથે 400 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. હાલ સ્ટાફ પર કામનું ભારણ વધુ હોય તેઓ પણ સંક્રમિત થઈ રહ્યા છે ત્યારે વધુ નર્સિંગ સ્ટાફની ભરતી કરવાનો નિર્ણય થોડો વહેલો લેવાની જરૂર હતી. અંતે તંત્ર જાગ્યું ત્યારથી સવાર કહી શકાય કે જેટલી વધુ ઝડપથી નર્સિંગ સ્ટાફની ભરતીઓ થાય તો કોવિડ હોસ્પિટલમાં સેવા આપી શકશે.

જિલ્લામાં રેકોર્ડબ્રેક 151 કેસ નોંધાયા, સાતના મોત

શહેર અને જિલ્લામાં પણ કોરોનાના રોજબરોજ રેકોર્ડબ્રેક આંકડાઓ સામે આવી રહ્યા છે. જિલ્લામાં ગઈકાલે રેકોર્ડબ્રેક 124 કેસ નોંધાયા બાદ વધુ 151 કેસના આંક સાથે નવો રેકોર્ડ થયો છે. શહેરી વિસ્તારની માફક ગ્રામ્ય વિસ્તારમાં પણ ચિંતાજનક રીતે કોરોના સંક્રમણ વધી રહ્યું છે. જિલ્લામાં જે 151 કેસ નોંધાયા છે. તેમાં 86 કેસ શહેરી વિસ્તારમાં અને 65 કેસ ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયા છે. 89 દર્દીઓ કોરોનાને માત આપવામા સફળ રહેતા ડીસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જામનગર જિલ્લામાં છેલ્લા આઠેક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યામાં ઉછાળો જોવા મળી રહ્યો છે. શહેર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતા કલેકટર અને કમિશરને શહેરીજનોને નિયમોનું ચુસ્ત પાલન કરવા સૂચના આપી છે.

18 તબીબોને સુરત અને ખંભાળિયાની હોસ્પિટલમાં સેવા માટે મોકલાયા

ગુજરાતમાં કોરોનાની નવી લહેરનો કહેર ખૂબ જ વધી ગયો છે અને અનેક લોકો ચેપગ્રસ્ત થઇ રહ્યા છે ત્યારે તબીબી સ્ટાફની ખૂબ જ કમી વર્તાઇ રહી છે. જેના અનુસંધાને જામનગરની જી.જી.હોસ્પિટલના તબીબોની રાજય સરકાર દ્વારા મદદ લેવામાં આવી રહી છે. જેના ભાગરૂપે સિનિયર 8 તબીબોની ટુકડી જામનગરથી સુરત હોસ્પિટલમાં મદદ માટે રવાના થઇ ચુકી છે. રાજય સરકાર દ્વારા અગાઉ પણ કોરોનાના દર્દીની સારવાર માટે ગુજરાતની જુદી-જુદી હોસ્પિટલોમાં મદદ લેવામાં આવી રહી હતી અને જામનગરની જી.જી.હોસ્પિટલમાંથી અલગ-અલગ તબીબોની ટુકડી સેવાર્થે અમદાવાદ, વડોદરા, સુરત સહિતના સેન્ટરોમાં પહોંચી હતી અને એક સપ્તાહથી પંદર દિવસ માટે સેવામાં જોડાયા હતા. પરંતુ તેમાંથી કેટલાક તબીબો કોરોનાગ્રસ્ત પણ બન્યા હતા. હવે કોરોનાની નવી લહેર આવી છે, ત્યારે ફરીથી જી.જી.હોસ્પિટલના 8 સિનિયર તબીબોની એક ટુકડીને ગઇકાલે સુરત રવાના કરવામાં આવી છે. જેઓ 15 દિવસનો સુરતની હોસ્પિટલમાં મુકામ કરીને દર્દીઓની સારવારમાં જોડાશે. આ ઉપરાંત જામનગરની મેડીકલ કોલેજમાં રહીને અભ્યાસ કરતા અને જી.જી.હોસ્પિટલમાં ફરજ સાથે જોડાયેલા 10 તબીબી વિદ્યાર્થીઓને પણ ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં મદદ માટે મોકલવામાં આવ્યા છે. જેઓ દસ દિવસનો ખંભાળિયા મુકામ કરી દર્દીઓની સારવાર માટે જોડાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.