જામનગર ડેપોની લાલિયાવાડી લોકલ બસને બોર્ડ ન લગાવી “ઇન્ટરસિટી” ફેરવી દેવાય છે !!

અનેક બસો ગામડાઓની બાદબાકી જ કરી નાખતા હોય દરરોજ મોટી સંખ્યામાં મુસાફરો પરેશાન

 

જામનગર ડેપોની લોકલ બસોમાં બોર્ડ જ ન લગાવી મન પડે ત્યારે ઇન્ટરસિટી બસ બનાવવાની કરતુતનો મુસાફરો દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. એસટીના કર્મચારીઓ આવું કરીને ગામડાઓની બાદબાકી કરી નાખતા હોય દરરોજ મોટી સંખ્યામાં મુસાફરો હેરાન થઇ રહ્યા હોવાની રાવ ઉઠી છે.

પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગઈકાલે જામનગર એસટી ડેપોની રાજકોટ-જામનગર રૂટ એક બસ લોકલ બસના કંડકટરે બોર્ડ ન લગાવીને તેને ઇન્ટરસિટી ઘોષિત કરી દીધી હતી. આ વેળાએ વચ્ચેના ગામડાના રૂટના અનેક મુસાફરો હતા.જેઓ આ બસમાં ચડ્યા પણ ન હતા. જો કે બાદમાં અમુક મુસાફરોએ ખરાઈ કરતા આ બસ લોકલ નીકળી હતી. તેમ છતાં પણ કંડકટર ટસના મસ થયા ન હતા અને બહાનેબાજી ચાલુ કરી હતી.

જો કે એવી ફરિયાદ પણ ઉઠી છે કે આવી રીતે જામનગર ડેપોની અનેક લોકલ બસોમાં લોલમલોલ ચાલી રહ્યું છે.

સેંકડો ગામડાઓના કેન્દ્ર ગણાતા પડધરી સેન્ટરની જામનગર ડેપોની બસો દ્વારા બાદબાકી કરી દેવામાં આવે છે. જો કે પ્રશ્ન એ થાય છે કે એસટી નિગમે જો પડધરી ગામમાંથી બસ જ ન ચલાવી હોય તો ગામમાં બસ સ્ટેન્ડ બનાવ્યુ શુ કામ ?

 

એસટી બસના ધાંધીયાથી અપડાઉન કરતા અનેક કામદારોએ ગામડા છોડ્યા!!

 

રાજકોટથી પડધરી વચ્ચે રામપર, તરઘડી અને બાઘી સહીતના અનેક ગામો આવે છે. આ ગામો હાઇવે ઉપર જ આવે છે. પણ રાજકોટ અને જામનગર ડેપો દ્વારા બ્લુ બોર્ડ લગાવીને મોટાભાગની લોકલ બસોને ઇન્ટરસિટી બસો બનાવવાનો અભરખો જાગ્યો હોય, આ ગામોના લોકોને અપડાઉનમાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. જેને પરિણામે ગામના અનેક અપડાઉન કરતા લોકોએ ગામ જ છોડી દીધું છે.