જામનગર જિલ્લા સહ. બેંકની ચૂંટણીમાં ગુજસીટોકના આરોપી સહિત ૩૯ ઉમેદવારો મેદાને

બે બેઠકો બિનહરીફ: ૧૨ બેઠકો માટે ૧૩મીએ ચૂંટણી

જામનગર તાલુકાની મંડળીમાંથી જેલમાં રહેલા મિયાત્રા પણ લડે છે જંગ

જામનગર જિલ્લા સહકારી બેંકની ચૂંટણીમાં બે બેઠકો બિનહરીફ થઈ છે. બાકીની ૧૨ બેઠકો માટે ગુજસીટોકના કાયદા હેઠળ જેલવાસમાં રહેલા ઉમેદવાર સહિત ૩૯ મેદાને છે.

ડીસ્ટ્રીક કોપરેટીવ બેંક જામનગરની ચૂંટણી આગામી ૧૩મી જાન્યુઆરીના દિવસે યોજાવા જઇ રહી છે ત્યારે જુદા જુદા ૧૪ વિભાગોમાં કુલ ૬૭ ફોર્મ ભરાયા હતા. જે પૈકી બે બેઠકો પર માત્ર એક-એક ઉમેદવાર હોવાથી બિનહરિફ થઈ છે જ્યારે બાકીના ૩૯ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. જે પૈકી જામનગર તાલુકાની મંડળીમાંથી ગુજસીટોકના એક આરોપી દ્વારા પણ ઉમેદવારી કરવામાં આવી છે.

જામનગરની ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્કમાં જુદા જુદા ૧૪ વિભાગો માટેની ચૂંટણી માટેના ફોર્મ ભરાયા હતા જે પૈકી ૬૭ ફોર્મ માન્ય રહ્યા હતા અને ચકાસણીની પ્રક્રિયાઓ દરમિયાન જુદા જુદા વિભાગોમાં કલ્યાણપુર તાલુકાની ખેતી વિષયક શરાફી વિવિધ સહકારી મંડળી એક માત્ર મેરગભાઈ કાનાભાઈ ચાવડા ઉમેદવાર રહ્યાં હોવાથી તે બેઠક બિનહરિફ થઈ છે. તે જ રીતે ઓખામંડળ તાલુકાના ખેતી વિષયક શરાફી વિવિધ કાર્યકારી મંડળીમા લુણાભા પત્રામલભા સુમણીયા એકમાત્ર ઉમેદવાર હોવાથી તેઓને પણ બિનહરીફ જાહેર કરાયા છે.

આ ઉપરાંત કાલાવડ તાલુકાની ખેતી વિષયક શરાફી મંડળીમાં ચાર ઉમેદવાર ખંભાળિયાની ખેતી વિષયક શરાફી મંડળીમાં બે ઉમેદવાર જામજોધપુર તાલુકાની ખેતી વિષયક શરાફી મંડળીમાં ચાર ઉમેદવાર, જામનગર તાલુકા મતદાર મંડળમાં પાંચ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. જેમાં જામનગરના નિવૃત્ત પોલીસ કર્મચારી અને હાલ ગુજસીટોકના ગુનામાં પકડાયેલા અને જેલવાસ ભોગવી રહેલા વશરામભાઈ ગોવિંદભાઈ મિયાત્રાનો પણ સમાવેશ થાય છે. જેમણે ઉપરોક્ત બેઠક પર ઉમેદવારી નોંધાવી છે અને તેઓ પોતાનું ફોર્મ પરત નહીં ખેંચે તો જેલમાંથી ચૂંટણી લડવાની રહેશે.

આ ઉપરાંત ભાણવડ તાલુકાની ખેતી વિષયક શરાફી મંડળીમાં બે ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. આ ઉપરાંત બાકીની અન્ય ૮ વિભાગોમાં ૨૪ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. તા. ૨૮ થી ૧ સુધીમાં ઉમેદવારી પત્રો પાછા ખેંચવાનો સમય નિર્ધાર કરાયો છે. ત્યારપછી બીજી તારીખે ચકાસણી પૂર્ણ કરી ઉમેદવારોની આખરી યાદી પ્રસિધ્ધ કરવામાં આવશે.