જામનગર: વકીલના મકાનમાંથી રૂ. 34 લાખની ચોરી કરનારા એમપીની પારધી ગેંગ ઝડપાઇ

એક મહિના બાદ ધ્રોલ નજીક ચોરીનો માલસામાન વેચવા આવતા ત્રણને શખ્સોને પોલીસે દબોચી લીધા : ત્રણની શોધખોળ

જામનગરમાં એક મહિના પહેલા એક વકીલના બંધ રહેણાક મકાનમાંથી સોના-ચાંદીના ઘરેણાં અને રોકડા મળી કુલ રૂા. 34 લાખની માલમત્તાની ચોરી થઈ હતી. તેની તપાસમાં જામનગરની એલસીબી પોલીસને સફળતા મળી છે. પોલીસે મધ્યપ્રદેશના ત્રણ તસ્કરોને ઝડપી પડયા છે. ઝડપાયેલા એમપીની કુખ્યાત પારઘી ગેંગના ત્રણ શખ્સ પાસેથી રૂા.20 લાખનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે. મેળા દરમ્યાન રમકડાં અને ફુગ્ગા વેચવા માટે આવતા પારઘી ગેંગના સભ્યો બંધ મકાનની રેકી કરીને તેને ટાર્ગેટ બનાવતા હતા. આ ગેંગ દ્વારા તેલંગાણા અને મધ્યપ્રદેશમાં અનેક ચોરીને અંજામ આપ્યો હોવાની કબૂલાત આપી છે.

વિગતો મુજબ જામનગરના વાલકેશ્વરીનગરી વિસ્તારમાં રહેતા વકીલ રાજેશભાઈ અનંતરાય શેઠ સહપરિવાર બહારગામ ગયા હતા ત્યારે તા.19 થી તા.23 ઓગસ્ટ દરમિયાન તેમના બંધ બંગલા દ2વાજાનું તાળું તોડી અંદરનો દરવાજો કોઈ હથિયાર વડે તોડી નાખી તસ્કરોએ અંદર પ્રવેશ કર્યો હતો અને બંગલામાં પડેલા કુલ રૂા.34 લાખ 27 હજારની માલમત્તાની ચોરી કરી લઈ ગયા હતા. જે અંગે વકીલ દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.

જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી નાયબ પોલીસવડા જે. કે. ઝાલા અને ઈન્ચાર્જ પીઆઈ કે.જે. ભોયેના માર્ગદર્શન હેઠળ એલસીબીના પીએસઆઈ આર.બી. ગોજીયા અને પીએસઆઈ સી.એમ. કાટેલીયાના વડપણ હેઠળ બે ટૂકડી તપાસ માટે બનાવાઈ હતી. તપાસ દરમિયાન બાતમી મળી હતી કે, ચોરીમાં સંડોવાયેલા ત્રણ શખ્સ ધ્રોલ પાસે ચોરાઉ ઘરેણાં વેચવા માટે આવ્યા હોવાની માહિતી મળતા જ એલસીબીની ટીમે દોડી ગઈ હતી અને મધ્યપ્રદેશના રાજુ રામદાસ મોગીયા, અજય વિષ્ણુ પારધી, ચાવલા બાબુરામ મોગીયા નામના ત્રણ શખ્સને ઝડપી પડયા હતાં.

આ શખ્સોની તલાશી લેવાતા તેના કબજામાંથી રૂા.15 લાખ 51 હજારની કિંમતના 33 તોલા ઘરેણાં ઉપરાંત રૂા.સાડા ચાર લાખની રોકડા, ચાંદીની ગીની, ઘડિયાળ, મોબાઈલ મળી કુલ રૂા.20 લાખ 20 હજારનો ચોરાઉ મુદ્દામાલ મળી આવ્યો હતો . જેને પોલીસે કબ્જે કરી ત્રણેયની ધરપકડ કરી હતી. તેઓની પૂછપરછમાં આ શખ્સો મધ્યપ્રદેશની કુખ્યાત પારધી ગેંગનાસદસ્ય હોવાનું અને તેઓએ અગાઉ તેલંગાણા, વિજયવાડા, ગનાવરમ, ગુરુ, મંગલગીરી, અશોકનગર, શીપ2ી, એમપીના વિદિશા જિલ્લામાં ચોરીઓ કરવા ઉપરાંત જામનગરમાં પણ વાલકેશ્વરીનગરીમાં ચોરી કર્યાની કબૂલાત કરી હતી. ચોરીમાં મધ્યપ્રદેશના વિદિશા જિલ્લાના મંગલ માંગીલાલ મોગીયા, સમીર 2મેશભાઈ મોગીયા અને વિમલાબાઈ બાબુરામ મોગીયા પણ આ ચોરીમાં સંડોવાયેલા હોવાનું ખુલ્યું છે.જેથી પોલીસે તેની શોધખોળ હાથધરી છે.