- ગેરકાયદેસર ખનીજ તથા રેતીનું પરીવહન કરતા વાહનો કરાયા ડિટેઇન
- ઓવરલોડ અને રોયલ્ટી વગર દોડતા રેતી ભરેલા 13 જેટલા ટ્રક કબ્જે
- 350 ટન રેતીનો જથ્થો ઝડપી લેવાયો
જામનગરમાં જિલ્લામાં ખનીજચોરીનું દૂષણ ડામવા SP પ્રેમસુખ ડેલુનાં આદેશથી પોલીસ દ્વારા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત ધોરીમાર્ગો પર પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરાયુ છે. તેમજ ગેરકાયદે ખનન કરાયેલ ખનીજ તથા રેતીનું પરીવહન કરતા વાહનો ડિટેઇન કરવામાં આવી રહ્યા છે. જેમાં 2 કરોડથી વધુ કિંમતના ઓવરલોડ અને રોયલ્ટી વગર દોડતા રેતી ભરેલા 13 જેટલા ટ્રક કબજે કરવામાં આવ્યા છે. તેમજ 350 ટન રેતીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.
જામનગર જિલ્લામાં ગેરકાયદે રેતી ખનન સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. એસઓજી પોલીસે જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી રોયલ્ટી વગર અને ઓવરલોડ રેતી ભરેલા 13 ટ્રક જપ્ત કર્યા છે. પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચના મુજબ, એસઓજી પોલીસ ઇન્સપેક્ટર બી.એન.ચૌધરી અને પીએસઆઈ એલ.એમ.ઝેરની આગેવાનીમાં ટીમે ખાણ-ખનીજ વિભાગ સાથે મળીને આ કાર્યવાહી કરી. પંચ ‘એ’, પંચ ‘બી’, ધ્રોલ અને જોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ-અલગ ટીમો બનાવી દરોડા પાડવામાં આવ્યા હતા.
ખીજડિયા બાયપાસ અને જાંબુડા પાટિયા પાસેથી 8 ટ્રક, ઠેબા ચોકડી અને મોરકંડા પાટિયા વિસ્તારમાંથી 2 ટ્રક તેમજ જોડિયાના હડિયાણા ગામ પાસેથી 3 ટ્રક પકડી પાડવામાં આવ્યા. આ ઉપરાંત ધ્રોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધાંગડા ગામના પાટિયા પાસેથી બિનવારસી હાલતમાં 350 ટન રેતીનો જથ્થો મળી આવ્યો હતો.
અહેવાલ: સાગર સંઘાણી