જામનગર : વકીલ જોશી હત્યા કેસના કોરોનાગ્રસ્ત આરોપી હોસ્પિટલમાં: કિલ્લેબંધી કરાઈ

સારવાર બાદ ત્રણેયને જેલ હવાલે કરાશે

જામનગરમાં વકીલ જોશી હત્યા કેસના ત્રણ આરોપી હોસ્પિટલમાંથી ભાગી ન જાય અને ભુજવાળી ન થાય એ માટે પોલીસે હોસ્પિટલમાં કિલ્લેબંધી કરી છે. જામનગરના વકિલ કિરીટ જોષી હત્યા પ્રકરણમાં સંડોવાયેલા આરોપીઓનો રિર્પોટ પોઝિટિવ આવતા હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. તાજેતરમાં ગુજસીટોક પ્રકરણમાં સંડોવાયેલા કુખ્યાત આરોપી ભુજની હોસ્પિટલમાંથી ફરાર થઇ ગયો હોવાથી જામનગર પોલીસ હરકતમાં આવી ગઇ છે. હોસ્પિટલ પરિસરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે.

વકિલ કિરીટ જોષીની વર્ષ 2018માં કરપીણ હત્યા નિપજાવવામાં આવી હતી. કુખ્યાત જમીન માફિયા જયેશ પટેલે અમદાવાદના હાર્દિક ઠક્કર, દિલીપ ઠક્કર અને જયંત ગઢવી નામના શખ્સોને રૂા.3 કરોડની સોપારી આપી હત્યા કરાવી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જો કે ત્રણ વર્ષ સુધીના તો જયેશ પટેલ પકડાયો અને ના તો ત્રણેય આરોપીઓ પકડાયા પરંતુ તાજેતરમાં જયેશ પટેલ લંડનથી દબોચાયો છ. જયારે અન્ય ત્રણ આરોપીઓ પશ્ર્ચિમ બંગાળથી પકડી પાડી જામનગર લઇ આવવામાં આવ્યા છે. જામનગરમાં લઇ આવી આ આરોપીઓને રીમાન્ડ પર લઇ પોલીસે પુછપરછ કરી હતી. દરમ્યાન આ ત્રણેય શખ્સોની તબિયત લથડતા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. જયાં ત્રણેય આરોપીઓનો રિર્પોટ પોઝિટિવ આવતા પોલીસે ત્રણેયને હોસ્પિટલ દાખલ કર્યા છે.

ત્રણ કોરોના પોઝિટિવ આરોપી વીડિયો કોલથી કોર્ટમાં રજૂ

જામનગરના એડવોકેટ કિરીટ જોશીની હત્યામાં કલકત્તાથી ઝડપાયેલા ત્રણેય શખ્સોને કોર્ટમાં રજુ કર્યા હતા ત્યારે 12 દિવસના રિમાન્ડ મળ્યા હતા. ત્યારબાદ રિમાન્ડ પૂરા થતાં પેલા કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો ત્યારે ત્રણેય આરોપીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા કોર્ટમાં વિડીયો કોલ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે સારવાર બાદ ત્રણેય આરોપીઓને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે. જામનગર એલસીબી બ્રાન્ચની ટીમે કલકત્તાથી ત્રણેય આરોપી હાર્દિક પુજારા ઠક્કર, દિલીપ પુજારા ઠક્કર અને જયંત ચારણ ગઢવી ગામના ત્રણેય આરોપીને ઝડપી લીધા હતા અને ત્રણેયને જામનગર લાવ્યા બાદ કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો તે કોવિડ ટેસ્ટ નેગેટીવ આવતા તેની ધરપકડ કરી હતી. રિમાન્ડ દરમિયાન ડુપ્લિકેટ પાસપોર્ટ કેસ આધારકાર્ડ જન્મતારીખનો દાખલાનો પણ કેસ નોંધાયો છે અને હત્યાને લગતું સાહિત્ય એકઠું કરી કબજે કરવામાં આવ્યું છે.