Abtak Media Google News

બેકાબુ બનેલા કોરોનાના સંક્રમણ, મોતની હારમાળને કારણે પરપ્રાંતિય મજૂરોએ ફરી વતનની વાટ પકડી દરરોજ ચારથી પાંચ બસમાં મજૂરો શહેર છોડી રહ્યાં છે: 10 હજાર જેટલા શ્રમિકોએ હિજરત કર્યાનું અનુમાન

કોરોનાની બીજી લહેરમાં વધતા જતાં કેસોને લઇને જામનગર શહેરમાં બ્રાસઉદ્યોગ, બાંધકામ ઉદ્યોગ સહિત ઔદ્યોગિક એકમમાં કામ કરી રહેલાં જુદા-જુદા રાજ્યના 10000 થી વધારે પરપ્રાંતિય મજૂરો પોતાના વતન તરફ ટ્રેન, બસ સહિતના વાહનો દ્વારા રવાના થતાં બ્રાસઉદ્યોગના ઉત્પાદનમાં વ્યાપક પ્રમાણમાં અસર થઇ હોવાનું ઉદ્યોગકારોએ જણાવ્યું હતું. બાંધકામ અને ખેતિવાડી ક્ષેત્રમાં પણ મજૂરો વગર ખેડૂતોને ભારે મુશ્કેલીમાં મુકાવાનો વારો આવ્યો છે. આમ કોરોનાની મહામારીના ખૌફને લઇને જામનગર શહેર અને જિલ્લામાંથી પરપ્રાંતિય મજૂરોએ ફરી વતનમાં જવા લાગ્યા છે.

કોરોનાનું સંક્રમણ અને સંક્રમણને લઇને દિન-પ્રતિદિન કેસોની સંખ્યા 500 થી વધતી જાય છે. હોસ્પિટલો પણ હવે હાઉસફુલ થવા લાગી છે. મૃત્તદેહોથી સ્મશાનગૃહોમાં પણ કરૂણ દ્રષ્યો સર્જાય રહ્યાં છે. આવી તમામ વિકટ સ્થિતિઓને લઇને જામનગર શહેર અને જિલ્લામાં વસવાટ કરતાં પરપ્રાંતિય મજૂરો રોજીરોટી માટે આવ્યા છે. જેમાં ખાસ કરીને ગુજરાતના ગોધરા, દાહોદ સહિતના આદિવાસી વિસ્તારમાંથી તેમજ યુપી, બિહાર, છત્તીસગઢ, પશ્ર્ચિમ બંગાળ રાજ્યોમાંથી અનેક મજૂરો રોજી રોટી મેળવવા માટે આવ્યા છે અને જામનગરના બ્રાસ ઉદ્યોગમાં પણ પરપ્રંતિય અનેક મજૂરો જોડાયેલાં છે. આ ઉપરાંત ખેતિવાડી ક્ષેત્રે પણ વિશેષ પ્રમાણમાં પરપ્રાંતિય મજૂરો કામ કરે છે. તેમજ જામનગર જિલ્લાના ઔદ્યોગિક એકમોમાં પણ વિશેષ પ્રમાણમાં આ મજૂરો કામ કરી રહ્યાં છે. તેમજ હાલમાં બાંધકામ ક્ષેત્ર પણ આ પરપ્રાંતિય મજૂરો દ્વારા જ બાંધકામ ચાલી રહ્યું છે.

કોરોનાની બીજી લહેરમાં ખૂબ જ કોરોનાના કેસો વધતા જાય છે. આ મહામારીના ભયથી પરપ્રાંતિય મજૂરોએ ફરી પાછી એકવાર હિજરત શરૂ કરી છે. જેને લીધે પરપ્રાંતિય મજુરો જતાં રહેતાં ખાસ કરીને ઔદ્યોગિક એકમ ઉપર મોટી અસર પડી હોય તેવું ઉદ્યોગકારો જણાવી રહ્યાં છે. જામનગરના બ્રાસ ઉદ્યોગમાં અનેક પરપ્રાંતિય મજૂરો રોજી રોટી મેળવી રહ્યાં છે. ત્યારે કોરોનાના ભયને લઇને પરપ્રાંતિય મજૂરોએ પોતાના વતન તરફ પ્રણાય શરૂ કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. ખાસ કરીને દરેડ જીઆઇડીસી અને શંકરટેકરી ઉદ્યોગનગરમાં રોજીરોટી મેળવતા પરપ્રાંતિય મજૂરો ટ્રેન, બસ સહિત બીજા વાહનોમાં રવાના થયા હોવાના વારંવાર અહેવાલો પણ અખબારમાં આવી ચુક્યાં છે.

જામનગર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં પણ હવે કોરોનાના કેસો વધતા જાય છે. આવી પરિસ્થિતિને ધ્યાને લઇ ખેતીવાડીમાં જોડાયેલા પરપ્રાંતિય મજૂરોમાં પણ ભયનું લખલખું ફેલાયું છે અને સામુહિક રીતે પરપ્રાંતિય મજૂરોએ લોકડાઉનના ભયથી તેમજ કોરોનાના ડરથી પોતાના વતન તરફ પ્રણાય શરૂ કર્યું છે. જેની મોટી અસર ખેતીવાડીના કામકાજ ઉપર પડી હોવાનું પણ ખેડૂતો જણાવી રહ્યાં છે. જામનગર જિલ્લાના કાલાવડ, લાલપુર, જામજોધપુર, જોડિયા, ધ્રોલ સહિતના તાલુકા મથકો ઉપરથી પરપ્રાંતિય મજૂરો બસ દ્વારા દૈનિક જતા રહેતાં હવે ખેતિવાડી ક્ષેત્રે મજૂરોની અછત ફરી પાછી સર્જાશે.કોરોનાના કહેરથી ગત્ વર્ષે અનેક મુશ્કેલીઓ પરપ્રાંતિય મજૂરોએ વેઠવી પડી હતી. તેમજ જામનગરના અનેક પરપ્રાંતિય મજૂરો પગપાળા ચાલીને પણ પોતાના વતન તરફ ગયા હોય તેવી અનેક સમસ્યાઓ સર્જાઇ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.