Abtak Media Google News

નગરજનોને ઉનાળામાં પાણીની મુશ્કેલી નહીં પડે

પંપ હાઉસનું ૧૯ કરોડના ખર્ચે નવીનીકરણ: ૩૦ એમએલડીનો ફિલ્ટર પ્લાન્ટ અને ૭૪,૧૬૨ અને ૫૦ લાખ લીટરના ત્રણ પંપ બનશે

જામનગર શહેરમાં પાણી વિતરણની કામગીરી વધુ સુદ્રઢ બનાવવા માટે રૂા.૧૯ કરોડના ખર્ચે પંપ હાઉસનું નવીનીકરણ થઈ રહ્યું છે. આ કામગીરી હાલ ૩૦ ટકા પૂર્ણ થઈ ગઈ છે. નવા પંપ હાઉસમાં ત્રણ સમ્પ સાકાર થશે તેમ ઈજનેર બોપાણીએ જણાવ્યું હતું.

જામનગર શહેરની પાણીની સુવિધા વધુ સારી રીતે પૂરી અને વિના વિક્ષેપથી પૂરી પાડી શકાય તે માટે જામનગર મનપાની વોટરવર્કસ શાખાના કાર્યપાલક ઈજનેર પી.સી.બોખાણીની ટીમ સતત કાર્યરત હોય છે, આ વર્ષે તો કુદરતે મહેર કરી છે, અને જળાશયો છલોછલ પણ જયારે પાણીની કટોકટી હોય ત્યારે પણ ઈજનેર બોખાણીના સઘન માર્ગદર્શન હેઠળ ટીમો શહેરીજનોને વિના વિક્ષેપે પાણી પહોચે તે માટેના પ્રયાસો કરતી રહે છે.

શહેરને પાણી પૂરું પાડતું પંપહાઉસ વર્ષો જુનું હતું, પરંતુ  હવે આ પંપ હાઉસ આધુનિક બનવા જઈ રહ્યું છે, પંપ હાઉસના નવીનીકારણ માટે અંદાજે ૧૯ કરોડના ખર્ચે આ કામગીરી શરુ થઇ છે, અને કામગીરી ૩૦ ટકા સુધી પૂર્ણ પણ થઇ ચુકી છે, અને આવનાર વર્ષથી આ નવો પ્લાન્ટ કાર્યરત થઇ જતા શહેરીજનોને પાણી સપ્લાય કરવાની સુવિધાઓમાં વધારો થશે તેમ પી.સી.બોખાણીએ એક મુલાકાતમાં જણાવ્યું હતું.

શહેરના રણજીતસાગર રોડ પર આવેલ પંપ હાઉસ, આ પંપ હાઉસ વર્ષો જુનો એટલે કે રાજાશાહીના સમયથી કાર્યરત હતો, પણ આજના સમયની જરૂરિયાત અને પંપ હાઉસની જર્જરીત સ્થિતિને જોતા ૧૪માં નાણાપંચની ગ્રાન્ટમાંથી આ પંપ હાઉસની કાયાપલટ કરવાનું મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં નક્કી થયા બાદ થોડા સમય પૂર્વે મુખ્યમંત્રીના હસ્તે નવા પંપ હાઉસનું ખાતમૂહર્ત કરવામાં આવ્યું હતું જેની કામગીરી હાલ ૩૦% જેટલી પૂર્ણ થઇ છે અને આવતા વર્ષમાં સંપૂર્ણ થયા બાદ શહેરીજનોની સુવિધામાં વધારો થશે તેમ વોટરવર્કસ વિભાગ માને છે.

નવા બનનાર પંપ હાઉસમાં ૩૦ એમએલડીનો ફિલ્ટર પ્લાન્ટ અને ૭૪ લાખ અને ૧૬૨ લાખ લીટર અને ૫૦ લાખ લીટર આમ ત્રણ પાણીના સંપ આકાર પામશે, આ નવા પ્લાન્ટથી લોકોને વધુ શુદ્ધ પાણી વિતરણ કરવામાં મનપાને વધુ સરળતા થશે. ઉપરાંત દુષ્કાળના સમયમાં પાણી સ્ટોરેજ કરવાની ક્ષમતા પણ વધી જતા મનપાની આ યોજના ખરા અર્થમાં સાર્થક થશે તેમ માનવામાં આવી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.