જામનગર મહાપાલિકા દ્વારા ગેરકાયદે નળ જોડાણ કાપવા ઝુંબેશ હાથ ધરાશે

૧૧ હજાર મિલકત ધારકોએ જ જોડાણ ‘નિયમિત’ કરાવ્યા

શહેરમાં આવેલા ગેરકાયદે નળ જોડાણ નિયમીત કરાવી લેવા મહાપાલિકાએ મુદત આપી હોવા છતાં હજુ પણ ઘણા લોકોએ પોતાના નળ જોડાણ નિયમીત કરાવ્યા ન હોય આગામી સમયમાં ગેરકાયદે નળ જોડાણ કાની નાખવા ઝુંબેશ હાથ ધરાશે તેમ મહાપાલિકા તંત્રે જણાવ્યું છે. જામનગર મહાનગરપાલિકાની વોટરવર્કર્સ શાખા દ્વારા ભૂતિયા નળ જોડાણો ચકાસવા માટેની ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે અને જુદીજુદી ૫૯,૨૭૯ પ્રોપર્ટી ધારકોના સ્થળોએ ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ૧૮,૫૭૦ ભૂતિયાં નળ જોડાણો મળી આવ્યા હતા. જેઓને નોટિસ અપાયા પછી ૧૧,૨૪૮ નળ જોડાણ ધારકોએ પોતાના નળ જોડાણ રેગ્યુલર કરાવી લીધા છે. જામનગર મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખા દ્વારા છેલ્લા ત્રણ મહિનાથી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે અને આજની તારીખ સુધીમાં ૫૯,૨૭૯ પ્રોપર્ટી ધારકોના નળ કનેકશનનોની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ફુલ ૧૮,૫૭૦ ભૂતિયા નળ જોડાણ મળી આવ્યા હતા. હાલમાં આવા અનઅધિકૃત નળ કનેકશનો ને રેગ્યુલર કરવા માટેની ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે અને પાંચસો રૂપિયાના દંડની રકમ સાથે નળ જોડાણ રેગ્યુલર કરી દેવાય છે જે પૈકી અત્યાર સુધીમાં કુલ ૧૧,૨૪૮ લોકોએ જામનગર મહાનગરપાલિકાની કચેરીમાં નળ વેરો અને ૫૦૦ રૂપિયાની પેનલ્ટી જમા કરાવી પોતાનાં નળજોડાણ રેગ્યુલર કરાવી લીધા છે. જે ઝુંબેશ ૩૧ ડિસેમ્બર સુધી અવિરત ચાલુ રખાશે.