જામનગર : નેપાળી સગર્ભાની લૂંટના ઇરાદે હત્યા ???

પોલીસે સીસીટીવીમાં કેદ થયેલા શખ્સની શોધખોળ હાથધરી

જામનગર પાસે દરેડ ગામમાં એક સગર્ભાને મોતને ઘાટ ઉતારી હત્યારો રોકડ અને દાગીનાની લૂંટ ચલાવી ફરાર થઈ જતા ચકચાર મચી છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો તુરંત દોડી ગયો હતો. જેમાં સીસીટીવીમાં કેદ એક શંકાસ્પદ શખ્સની શોધખોળ પોલીસે હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જામનગર નજીકના દરેડ ગામે જીઆઈડીસી વિસ્તારના ગોડાઉન ઝોનમાં રહેતા એક નેપાળી પરિવારની આઠ માસનો ગર્ભ ધરાવતી ભાવિશા બેન ઉર્ફે અંજુબેન નામના મહિલાની કરપીણ હત્યા કરવામાં આવી છે. લુંટના ઈરાદે કરવામાં આવેલી હત્યાને પગલે ચોકીદારી કરતા નેપાળી યુવાનનો સંસારનો માળો વિખેરાઈ ગયો છે. રોકડ અને દાગીનાની લુંટ ચલાવી હોવાનું સામે આવ્યું છે.

સગર્ભા પોતે ઓરડીમાં એકલી હતી ત્યારે કોઈ અજાણ્યા શખ્સે છરી વડે હુમલો કરી ભાવિશાબેન ઉર્ફે અંજુબેનને રહેંસી નાખ્યા હતા. ત્યારબાદ હત્યારો ઓરડીમાંથી રોકડ રકમ અને દાગીના પણ લૂંટી ગયો હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતા એએસપી, એલસીબી અને પંચકોશી બી ડીવીજન પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોચ્યો હતો. ઘરમાં વેર વિખેર સમાન જોઈ નેપાળી ચોકીદારના જણાવ્યા મુજબ પાંચેક હજારની રોકડ રકમ તથા અમુક દાગીના ગુમ હોવાનું સામે આવ્યું હતું. જેથી સગર્ભાની હત્યા લુંટના ઈરાદે કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું.

હત્યાની ઘટના બાદ પોલીસે તાત્કાલિક આજુબાજુ જતા આવતા રસ્તા પરના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા જેમાં એક શખ્સની શંકાસ્પદ ભૂમિકા સામે આવી હતી. પોલીસે શકમંદ શખ્સ સુધી પહોચવા જુદી જુદી ટીમો બનાવી તપાસ હાથ ધરી છે.